વાર્તા ૨૧૪

સંવત ૧૯૮૧ના ચૈત્ર સુદ ૯નો સમૈયો કરી અમદાવાદથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો તથા મૂળીના સંતો સર્વે ભૂજ થઈને વૈશાખ સુદ ૧૧ને રોજ શ્રી વૃષપુર ગયા.

વૈશાખ સુદ ૧૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મૂર્તિમાં જોડાઈ બેઠા હોય તે મૂર્તિમાંથી બહાર ન નીકળે, રસબસ જોડાઈ રહ્યા હોય. ધ્યાનમાં જાય તે જળમીનવત્‌ રહે, જેમ જળમાં પડ્યો તે કોરો રહે નહિ તેમ. એના અવયવ શીતળ, ઇન્દ્રિયો શીતળ, અંતઃકરણ શીતળ અને ચિત્ત અખંડ ભગવાનના ચિંતવનમાં રહે. ધ્યાન કરતાં, માળા ફેરવતાં, એ મૂર્તિની બહાર નીકળાય નહિ; એ યોગીની નિદ્રા કહેવાય. મૂર્તિના ઘરાક થાવું, જે એના ઘરાક નથી થતા તે તો મૂર્તિ વિના વાંઝિયા પડ્યા છે, માટે એક ભગવાન ને એમના સંત રાખીએ તો શીતળ શાંત રહેવાય. એ મૂર્તિનું તેજ ઝળળળ ઝળળળ નીકળે છે. એ તેજમાં ઠરે પણ નહિ, બળે પણ નહિ, આનંદ આનંદ રહે, બીજું કાંઈ ભાસે જ નહીં. મહારાજ કહે, મંદવાડ એવો ખરેખરો કરી દેવો કે આ લોક, ભોગ, સગાંસંબંધી, નાત, જાતમાં ક્યાંય વૃત્તિ રહે નહીં. એક મૂર્તિના સુખે જ સુખી થઈ જવાય. એ સાધનમાં સર્વેએ રહેવું. એ સાધન જબરું છે. એ સાધન કર્યા વિના પાર નહિ આવે; એ સાધન તે સર્વે સાધનનું ફળ છે. આજ વખત સારો છે. એ જોગ તમને મળ્યો છે. મોટાનો જોગ કરતાં કરતાં મૂર્તિ મળે છે અને આવો મોટો જોગ મળવો તે પણ મોટા ભાગ્યવાળાને મળે છે, માટે આ જોગ કરવો. મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી અને અખંડ મહારાજના સ્વરૂપમાં જોડાઈ રહેવું, એ બહુ જબરી વાત છે. માટે હળીમળીને એક થઈ રહેવું. અધિકાર ઉપર તાન હોય, જડ ઉપર તાન હોય તો મહારાજ ભૂલી જવાય. મહારાજ કે મહારાજના સંત મળે ત્યારે કલ્યાણ થાય. તે મળેલા કોને કહેવાય ? તો કોઈ વખત જરા પણ મૂર્તિથી જુદા ન થાય તે મળેલા કહેવાય. આપણે પણ તેમ વર્તવું. મોટા સૂતા હોય ત્યારે આપણે સૂતા છે એમ જાણીએ પણ એ તો મૂર્તિમાં કિલ્લોલ કરતા હોય. ચાલીસની સાલમાં મૂળીમાં ભોજો ભક્ત હતો તે અખંડ મૂર્તિમાં જોડાઈ જાતો. તેને નિશ્ચયમાં ખામી હતી તે એકલો નીકળીને રખડી મૂઓ. સત્સંગમાં આજ શ્રીજીમહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. તેમને મળેલાનો જોગ અને સમાગમ કરવો અને કથા-વાર્તા કરવી. એવાના જોગથી જુદું ન પડવું. જડ માયામાં લેવાઈને એવાના પક્ષથી જુદું ન પડવું. આજ મોટા મુક્ત મૂર્તિમાં રમ્યા કરે છે. આ તમને મળ્યા છે તે કોઈને મળ્યા નથી. એ જોગ અને ટાણું મળ્યું છે. જોગ, ટાણું અને કહેનારા સારા છે. જેવા મહારાજને અને મુક્તને જાણશો તેવા થશો. મોટા મુક્તની વૃત્તિ તો શ્રીજીમહારાજ વિના બીજે છે જ નહિ, પણ અજ્ઞાની અને વિષયીને એવા મોટા પણ વિષયી ને અજ્ઞાની ભાસે છે. એમ કહીને વાત કરી જે રસનામાં વૃત્તિ તણાઈ જાય તો પાછી વાળવી ને મૂર્તિનો માર્ગ લેવો. મોટાની વાતો જોઈએ તો એ મૂર્તિ બહારની હોય જ નહીં. મોટા મુક્ત છે તેમના હાથની પ્રસાદીથી, દૃષ્ટિથી તથા તેમને ભટકાઈને આવેલા વાયુનો સ્પર્શ થવાથી પણ કલ્યાણ થાય. પ્રતાપ તો જુઓ ! જેવી ગોપાળાનંદ સ્વામીની સ્થિતિ, તેવી જ નિર્ગુણદાસજી સ્વામીની ! અને તેવી જ તેમના આ ચેલા સ્વામી ઈશ્વરચરણદાસજીની ! એવા મૂર્તિના સુખે સુખિયા થાવું. આમાં તો ઘણું સુખ પડ્યું છે, પણ જીવ અધિકાર વગેરેમાં ગૂંચાઈ જાય છે. હવે તો સાધુ જડ ભેળું કરીને પટારા, પૈસા વગેરે કરે છે. એમાંથી નીકળીને આપણે શુદ્ધ થાવું છે. માટે સુરત રાખવી. એ સામી દૃષ્ટિ જ કરવી નહીં. નકરાં ચીંથરાં ભેગાં ન કરશો. બરાબર વર્તવું જોઈશે. પરિપક્વ નિશ્ચયવાળાને સિદ્ધિઓ મળે છે. બીજાને મળતી નથી. તે પરિપક્વ નિશ્ચયવાળા કિયા ? તો કોઠાર, ભંડાર, મહંતાઈ મળે તે નહીં. સ્વામી આવે ત્યારે સાકર ને ધોતિયાંનાં ગાડાં ભરાઈ જાય, તે પોતે સંતના મંડળને વહેંચી આપતા. અહીં સદ્‌. શ્રી લોકનાથાનંદ સ્વામી આવ્યા હતા, તે કૂવે નાહવા ગયા હતા, ત્યાં તેમના શિષ્યે શકરિયાનો વેલો ઊંચક્યો તેને લોકનાથાનંદ સ્વામી વઢ્યા જે એ કામ તારે કરવું છે તે ઉપાડ્યો ? અને હવે તો પાંચ હજાર, દસ હજાર પટારામાં ભરે છે. આપણે તે ગરવા ન દેવું, ન દેવું, ન દેવું. આ જોગ નહિ આવે. માલપૂઆ, બિરંજ, કેરીની રસોઈ દે છે તે સિદ્ધિઓ પરિપક્વ નિશ્ચયવાળાને આવે છે, તેમાં લોભાવું નહીં. બાળકિયા, રમતિયાળ સ્વભાવ ન રાખવા ને ન કરવા. મૂર્તિથી બહાર નીકળાય નહીં. મૂર્તિમાંથી બહાર નીકળાય તો માયિક વૈભવમાં લેવાઈ જવાય, માટે મૂર્તિમાં બેસી રહેવું. મંદિરના કાર્યમાં હાથ ઘાલવામાં સાધુતા ન રહે. ખરેખરા વાદીને નાગ ન કરડે; બીજાને કરડી ખાય. તે વાદી કોણ ? તો જે મહારાજની આજ્ઞા પ્રમાણે ચાલે તે. મોટા મોટાને વગોઈ નાખ્યા. આ વાત પોતાના જાણીને કરીએ છીએ. અમે વ્યવહાર પૈસા વગેરેમાં પડ્યા હોઈએ પણ તેનાં દુઃખ જાણી લીધાં છે. કોઈ મોજા મેલતા હોય તો સહન કરીએ છીએ. અમારે તો આ સંત ને હરિજન વિના બીજી કોઈ વસ્તુ જ નથી તે ત્રણે અવસ્થામાં મૂર્તિમાં રહેતા હશે તે જાણતા હશે. રામજીભાઈએ અમે સંત જમાડ્યા ત્યાં ઘણીક વાર સુધી દંડવત કર્યા, એવું હેત હતું; એવાં હેત અને વિશ્વાસ જોઈએ. ધૂળ માથે નાખે અને વળી ફેર નાખે એટલે એક વાર ભગવાં પહેરે અને ધોળાં પહેરીને ફરી વાર ભગવાં પહેરે. આ મારગથી પડે તે બાપડાનું બગડી જશે. ।। ૨૧૪ ।।