વાર્તા ૨૧૫
વૈશાખ સુદ ૧૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, પહેલાં સંત ગોળા જમતા ને ડાંસ કરડે તો શરીર હલાવવું નહીં. આવાં આવાં કષ્ટ ભોગવીને સત્સંગ કરાવતા; અને આજ તો સંસાર ત્યાગ કરે ત્યારે સંકલ્પ કેવા કરે કે મૂર્તિ એક જ ધારશું. બીજું કાંઈ નહિ કરીએ, એવા ઠરાવ હોય. પછી તે ભૂલી જાય ને રજોગુણ, તમોગુણના ભાવ વધતા જાય. પહેલાં તો મોટા મોટા સંત હતા તે મૂર્તિમાં રસબસ જોડાઈ બેઠા હોય. એ મૂર્તિમાં તેજના ફુવારા છૂટે. તે શીતળ ને શાંત ને સુખરૂપ ને આનંદરૂપ એવા મહારાજની મૂર્તિના સુખે સુખિયા હતા. આજ આપણે ઘરાક થાવું. આજ તો સાધન ઉપર તાન, તે સાધન તો ચાલી ચાલીને બહુ કરે તો અક્ષર સુધી જાય, તોય લૂખું ને લૂખું. પછી સંતોને કહ્યું જે સત્સંગમાં દેખાઈ રહેજો જે અમારો સત્સંગ કર્યો, પણ રસિક માર્ગના કે ઝેરના દેખા દેજ્યો નહીં. આજ્ઞા યથાર્થ પાળજો. કોઈ ખસી જાય તો બળતરા થાય જે બાપડાનું બગડી જશે. આપણે વ્યવહારિક કાર્ય કરતા મહારાજની મૂર્તિથી નોખું પડવું જ નહિ; નોખું પડાય તો સત્સંગમાં તેની જય થાય નહીં. મૃત્યુ સામી નજર રાખવી. અમારા બ્રહ્મચારી શ્રી નિર્ગુણાનંદજી માંદા હતા, ત્યાં અમે ગયા અને કહ્યું જે, સ્વામી, હવે ઘેર ચાલો. અક્ષરધામ તે ઘર અને મૂર્તિમાંહી રહેવાનું તે ઘર - પછી દેહ પડી ગયો. પોતે તો મૂર્તિમાં જોડાઈ બેઠા હોય અને કલેવરનું ગમે તેમ થતું હોય. દેહને દુઃખ-સુખ થાય તેમાં આપણે શું ? પછી કહ્યું જે, મૂર્તિમાં જોડાઈ જાય ને તેમાં સ્થિર વૃત્તિ થાય તેમાં દાખડો નથી પડતો. અને જેમ જેમ તેવી સ્થિતિ થાય તેમ તેમ અનુભવજ્ઞાન આવતું જાય. સર્વે જ્ઞાનનો રસ તે સાક્ષાત્ પુરુષોત્તમનારાયણનું જ્ઞાન તે અનુભવજ્ઞાન છે. એ ગૃહસ્થને અને ત્યાગીને સર્વેને કરવાનું છે. આ કળિ ખરેખરો આવ્યો છે તેમાં આપણે સત્સંગ સ્થાપી દેવો અને સદાય આનંદ વર્તે અને અપારપણું રહે તેમ કરવું. જીવને પ્રસન્નતાનાં સાધન કરવાનાં છે. પુરુષપ્રયત્ન તો જોઈએ જ. તે શું તો મહારાજના ને મોટાનાં વચનમાં ખરેખરો વિશ્વાસ, જે રાત કહે તો રાત અને દિવસ કહે તો દિવસ, એમ સમજવું. શ્રી ગોપાળાનંદ સ્વામીએ એમના સંતોને અર્ધી રાત્રિએ પૂછ્યું જે, રાત્રિ છે કે દિવસ ? ત્યારે સંતોએ કહ્યું જે, આપ રાત્રિ કહો તો રાત્રિ અને દિવસ કહો તો દિવસ. માટે મોટા પાસે પોતાના મનનું ગમતું કરાવવું નહીં. આંખ મીંચો એટલે અંધારું અને ઉઘાડીએ એટલે અજવાળું; એટલી જ વાર છે. પરોક્ષ શાસ્ત્ર વૈરાજમાંથી થયાં છે, તેનું આપણે કામ નથી. આપણે તો સ્વામિનારાયણ જોઈએ છીએ. તે અજ જે અનાદિ તે કોઈ દિવસ માયામાં આવતા જ નથી. તેવા અનાદિમુક્ત તે મૂર્તિમાં રહ્યા થકા ખંપાળી નાખીને મુમુક્ષુઓને ઘસડી લે છે. તે ખંપાળી નાખી એટલે કૃપાસાધ્ય કહેવાય. એરંડાકાકડીની ભેટ કરવી તે મહારાજ ને મોટાને મન સોંપી દીધું કહેવાય. જેમ મોટા કહે તેમ કરવું તે મન સોંપ્યું કહેવાય; પણ બધું મહારાજ ને મોટા પાસે ન કરાવવું. મોટા જ્યાં જોઈએ ત્યાં હાજર જ છે, પણ તેટલો વિશ્વાસ નથી. આ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા છો, તે દોષ રહેશે નહિ; ઘસાઈને નાશ પામી જશે. અહીં જે વાવશો તે ઊગશે, અપરાધ કરશો તોય ઊગશે અને સેવા કરશો તોય ઊગશે. જો તન કુરબાન કરી નાખશો તો મૂર્તિના સુખે સુખિયા થશો. પરોક્ષના કાર્યમાં રજોગુણ ને તમોગુણ છે. પાંડવોનાં યુદ્ધ, હિરણ્યકશ્યપુનાં યુદ્ધ, એ તમોગુણ-રજોગુણ કહેવાય; પણ અહીં તો નૈમિષારણ્ય ક્ષેત્રમાં એવું એકેય નથી, આ તો દિવ્ય સભા છે. તેમાં આવીને ભગવાનને ને મુક્તને જે મનુષ્ય જેવા જાણે તેને ભગવાનમાં ને મુક્તમાં દોષ જણાય છે. તે દોષ લઈને ભેગા કરે છે. તે માંસના પિંડા ખણે છે, જીવને મોહે કરીને દેહના રૂપમાં આનંદ મનાય છે, પણ હાડકાંની મેડી છે તેમાં શું આનંદ માનતો હશે ? ।। ૨૧૫ ।।