વાર્તા ૧૩૯
ચૈત્ર સુદ ૬ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જ્યાં સુધી મૂર્તિમાં રસબસ થઈને મૂર્તિમાં જોડાયો નથી ત્યાં સુધી બીજે હેત થઈ જાય છે ને ખોટા ઘાટ પણ થઈ જાય છે; માટે બીતા રહેવું જે, મહારાજ વિના જો ખોટો ઘાટ થાશે તો જન્મ ધરવો પડશે. મૂર્તિનું ધ્યાન કરતા હોય તેમાંથી વાસના બહાર લાવે છે. માટે પુરુષોત્તમરૂપ થઈને ધ્યાન કરવાનો આગ્રહ રાખે તો વાસના કુંઠિત થાય. જ્યારે મૂર્તિ આત્માને વિષે દેખે ત્યારે વાસના મૂળમાંથી બળી જાય.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, તમે આવા મોટા મળ્યા ને હવે અધૂરું રહેવા દેશો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સાચા થઈને મંડે તેનું પૂરું કરી દેશું અને જે પ્રમાદી થઈને બેસી રહેશે તેનું તો અધૂરું રહેશે ખરું. માટે જે કરવાનું છે તે કરી લેવું, પણ જીવને ધ્યાન કરવું સારું ન લાગે. અમારે અહીં ભોજો ભક્ત હતા, તેમને સત્સંગ થયો ત્યારથી એકાદશીને દિવસે જળ પણ પીતા નહિ અને ઘરનું માણસ મહાપાપી હતું પણ સંગદોષ અડવા દીધો નહીં. તે મૂર્તિ અખંડ દેખતા. તેમને અમે કહ્યું જે, ભોજા ભક્ત ! તમે તો વિદેહમુક્ત છો. ત્યારે તેમણે કહ્યું જે, “વિદેહી તો બિચારા ક્યાંય રઝળતા હશે ! ને હું તો મહારાજની મૂર્તિમાં રહ્યો છું.” એવા મોટા મુક્ત આજ આ સત્સંગમાં ત્યાગીમાં ને ગૃહસ્થમાં ઘણાક છે. આ સંતનું મહાત્મ્ય તો મન-વાણીથી પમાય એવું નથી. આજ સાચી વસ્તુના આપનારા મળ્યા છે, તેના ઘરાક થાવું ને ત્રણે અવસ્થામાં મૂર્તિની અખંડ સ્મૃતિ રાખવી.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, જાગૃતમાં તો સ્મૃતિ રખાય પણ સ્વપ્નમાં ને સુષુપ્તિમાં કેમ રખાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિનો વેગ લાગીને તે વેગ જીવમાં પેસે તો ત્રણે અવસ્થામાં મૂર્તિ ભુલાય નહીં. એમ કહીને બોલ્યા જે, જીવને વાર્તા કરી કરીને થાકી જઈએ ને જ્યારે વાત કરતા રહી જઈએ એટલે પૂછે જે, કેમ કરીએ તો સર્વે ખોટ ટળે ? અને કેમ કરીએ તો મૂર્તિનું સુખઆવે ? પણ આ બધી વાતો થઈ તે ખોટ ટાળવાની ને મૂર્તિનું સુખ આવવાની જ થઈ છે. પોતાને તો જરાય કારસો આવવા દેવો નથી અને ખોટ ટાળીને સુખિયા થાવું છે, એવા જીવના સ્વભાવ છે. જો ધ્યાનનો આગ્રહ થાય તો મૂર્તિ મળે, પણ ધ્યાનમાંથી તો ભાગીને પાછા આવતા રહે છે.
પછી માસ્તર કેશવલાલે કહ્યું, જો ધ્યાનમાં મૂર્તિ દેખાય તો કાંઈ બહાર ન આવે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કાર્યમાંથી પ્રીતિ ટાળીને ધ્યાન કરે તો સુખ આવે ને પાછું ન અવાય; માટે માયાના પદાર્થમાંથી તથા મૂળપુરુષના ને બ્રહ્મકોટિના ને અક્ષરકોટિના એ સર્વેના સુખમાંથી ને ઐશ્વર્યમાંથી લૂખા થાવું. એમાં કાંઈ પણ માલ માનવો નહિ ને શ્રી પુરુષોત્તમરૂપ થઈને તેમની મૂર્તિમાં જોડાઈ જવું; તો સુખિયા થવાય. માયિક સુખ તો રાખનાં પડીકાં જેવાં છે તેમાં માલ મનાણો છે તો તેને અર્થે મહાદુઃખ સહન કરીને પણ માયા ભેળી કરે છે, તો જ્યારે સાચા સુખમાં માલ મનાય તો તેને અર્થે શું ન થાય ? જો ખરો થઈને ધ્યાન કરવા માંડે તો જ્યાં જ્યાં વૃત્તિ જાય ત્યાં ત્યાં મહારાજની મૂર્તિ ભાસે. જે જે શ્રીજીમહારાજને શરણે આવ્યા છે તેને આ વાર્તા જીવનદોરીરૂપ છે પણ જે આજ્ઞા લોપીને વર્તે અને કહે જે કૃપા કરો, તે તો ગાંડો છે.
પછી કણભાના છોટાભાઈએ પૂછ્યું જે, સંકલ્પ બહુ થાય છે તેનું કેમ કરવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મલિન આહાર ને અશુદ્ધ સંગનો સંસ્કાર બંધાયેલો છે માટે જો આહાર શુદ્ધ કરે અને મહારાજની અને મોટાની આજ્ઞા પાળનારાનો સંગ કરે તો ભૂંડા સંસ્કારનો નાશ થઈને શુભ સંસ્કાર બંધાય એટલે માયિક ઘાટ થાય નહીં. માટે દેશકાળાદિક શુભ સેવવા ને આજ્ઞા પ્રમાણે દેહ નિર્વાહ કરવો ને બીજા ઠરાવ બધા પડ્યા મૂકીને ધ્યાન-ભજન કરવું; તો મહારાજ ને મોટા સહાયમાં ભળીને મૂર્તિ સિદ્ધ કરાવે ત્યારે તે સાધુ કહેવાય. જે નબળાનો જોગ રાખે ને મલિન આહાર રાખે તેણે તો ત્યાગીનો વેશ લીધો કહેવાય પણ તે સાધુ ન કહેવાય. તેની તો મહારાજ ને મોટા સહાય કરતા નથી. એટલે માયા પરાભવ પમાડે છે. કલ્યાણને અર્થે સાધુ થયા હોય અને ધર્મ-નિયમ લોપાઈ જાય તોપણ એમ જાણે જે આપણે સાધુ છીએ પણ સાધુનો માર્ગ કયો છે તે તો જાણતા નથી. સાધુએ તો બાળકની પેઠે માન રહિત વર્તવું. ।। ૧૩૯ ।।