વાર્તા ૬૬
સંવત ૧૯૬૫ની સાલમાં મૂળીએ વસંત કરીને અમદાવાદ, મૂળીના સંતો તથા હરિજનો કચ્છમાં ગયા હતા. ત્યાં સ્વામી શ્રી અક્ષરજીવનદાસજી માંદા હતા, તેમણે મહા વદ એકાદશીને રોજ જેઠી ઘેલાભાઈને કહ્યું જે, ફાગણ સુદ બીજને રોજ છત્રીએ ચરણારવિંદ પધરાવો, મુહૂર્ત છે. પછી તે દિવસે ચરણારવિંદ પધરાવ્યાં અને મંદિરમાં આવ્યા કે તરત જ સ્વામીએ દેહોત્સવ કર્યો. તેમને ઉત્સવ કરતા કરતા દેન દેવા લઈ ગયા. તેના આગલે દિવસે રામપરામાં મુક્તરાજ ધનબાએ સંતને બોલાવીને પારાયણ કરાવવા ગોમટી તૈયાર કરાવી ને બીજે દિવસે જે વખતે સ્વામીએ દેહોત્સવ કર્યો તે જ વખતે પારાયણ ચાલુ કરી. ફાગણ સુદ પૂનમ સુધી તેર દિવસની પારાયણ કરાવી, ત્યાં શ્રી વૃષપુરથી બાપાશ્રી પધાર્યા હતા અને સંતો પણ સર્વે ત્યાં ગયા. ત્યાં પારાયણ સાંભળીને બાપાશ્રીની સાથે વૃષપુર ગયા. ત્યાં બાપાશ્રીએ જે વાર્તાઓ કરી તેમાંથી કિંચિત્ લખીએ છીએ.
ફાગણ વદ ૫ને રોજ સવારે સભામાં લોયાનું ૬ઠ્ઠું વચનામૃત વંચાતું હતું. તેમાં ૧૫મા પ્રશ્નમાં બરોબર વર્તવારૂપી દોષનું ગ્રહણ કરવું એમ આવ્યું.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, આ પ્રશ્નમાં બરોબર વર્તવાનું કહ્યું તે બરોબર કેવી રીતે વર્તવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, વૈરાગ્ય, આત્મનિષ્ઠા તથા ત્યાગ એ સાધન બધાયથી સરખાં થઈ શકે નહિ તેથી ભેળા નભી શકે નહિ, માટે શ્રીજીમહારાજે જે પ્રમાણે નિયમની બાંધણી બાંધી છે તે પ્રમાણે તો વર્તવું જ, પણ નિયમથી અધિક વર્તવું નહિ એમ કહ્યું છે. અને ધ્યાન-ભજન તો સૌથી વધારે કરવું, પણ તેમાં બરોબર ન વર્તવું. શ્રીજીમહારાજે બાંધણી બાંધી છે, તે કોઈને કઠણ પડે એવી નથી. તે પ્રમાણે વર્તે તો અક્ષરધામમાં ચાલ્યો જાય. શ્રીજીમહારાજે વાત મોળીએ બહુ કરી છે ને આકરી પણ બહુ કરી છે, તેમાં પણ નકરી મોળી વાત નહીં. કોઈક વર્તમાન ચૂકે તો તેને પ્રાયશ્ચિત્ત કરાવીને સત્સંગમાં રાખવો; એવું તો મહાપ્રભુજીને આવડે, બીજા કોઈને આવડે નહીં. આ વચન મહાપ્રભુજીના પોતાના મુખનાં નીકળે છે. તે નિર્બીજ હોય તેને સબીજ કરી દે એવાં છે. જીવને પરચા-ચમત્કારની વાતો સારી લાગે અને મૂર્તિની વાતો ભારે પડે છે પણ કરવાનું તો એ જ છે. જેમ ઘણાક પ્રકારના ઉદ્યમ કરીને રૂપિયા પામવા છે તે જો રૂપિયા મળે તો બીજા ઉદ્યમનું કામ નથી; તેમ અનંત સાધન કરીને અંતે મૂર્તિ પામવી છે, તે જો મૂર્તિ મળે તો સાધન શું કરવાં હતાં ? મહારાજનો અને મોટાનો જોગ પૂર્વે થયો હશે તો જ આજ મોટા ઓળખાણા છે. જેને મોટાનો જોગ છે તેને કદાપિ મૂર્તિ ન દેખાય તોપણ મોટાએ જીવમાં મૂર્તિ પધરાવી મૂકી છે, પણ અંદર પડદે રાખી છે; માટે જીવમાં સાક્ષાત્કાર થઈ ગયો છે એમ જાણવું. જેમ રાજાનો હજૂરી રાજા પાસે લઈ જાય તેમ મહારાજના હજૂરી મુક્ત છે તે મહારાજ પાસે લઈ જાય. અને જેમ હજૂરી રાજા પાસે બેઠો હોય ત્યારે એનો મહિમા જણાય છે, તે રાજા વિના એકલો મળે તો ન જણાય. તેમ મુક્ત જ્યારે મહારાજ પાસે લઈ જઈને મહારાજનું સુખ અપાવે ત્યારે જેવો મહિમા જણાય, તેવો મનુષ્ય રૂપે હોય ત્યારે ન જણાય. નગરશેઠથી રાજાનો મેળાપ ન થઈ શકે ને થાણેદારથી પણ ન થઈ શકે અને હજૂરીથી રાજાનો મેળાપ થાય. તે નગરશેઠને ઠેકાણે દૃઢ ઉપાસનાવાળા વીજળી જેવા સાધનદશાવાળા એકાંતિક છે; તેથી પણ મહારાજનો મેળાપ ન થઈ શકે. જેને ઉપાસના દૃઢ ન થઈ હોય અને આજ્ઞામાં યથાર્થ વર્તતા હોય એવા સાધનવાળા તે થાણેદારને ઠેકાણે છે, ને તે બદરિકાશ્રમ આદિ બીજાં ધામોમાં લઈ જાય. તે બીજાં સર્વે ધામ છે તે અક્ષરધામ આગળ કેદખાનાં જેવાં છે ત્યાં લઈ જાય. અને હજૂરીને ઠેકાણે શ્રીજીમહારાજના અનાદિમુક્ત છે, તે મહારાજનો મેળાપ કરાવે. અને દેહે મોટા હોય અને પંડિત હોય અને સત્સંગનું કામ કરતા હોય પણ મહારાજની પ્રાપ્તિ ન કરાવી શકે; અને મુક્ત ગરીબ રહ્યા હોય પણ વ્યતિરેક મૂર્તિ પમાડે છે. આજ હજૂરી પધાર્યા છે તે ઠેઠ મહારાજની મૂર્તિના સુખમાં લઈ જશે, માટે ધ્યાન કરવા તથા રાગ, માનાદિક શત્રુઓ ટાળવા મંડી પડવું. વાર્તાની સમાપ્તિ કરીને શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય અને આ સભાની માયાનો ક્ષય એમ વર દીધો. ।। ૬૬ ।।