વાર્તા ૯૯

સંવત ૧૯૬૮ની સાલમાં અમદાવાદથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત તથા હરિજનો મૂળીએ જન્માષ્ટમી કરીને કચ્છમાં ગયા હતા. ભૂજમાં ભાદરવા સુદ ૧૧ કરીને સુદ ૧૫ને રોજ શ્રી વૃષપુર ગયા.

ભાદરવા વદ ૧ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, શિક્ષાપત્રીનો પહેલો શ્લોક જે “वामेयस्य” તેમાં શ્રીજીમહારાજે હું શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું એમ કહ્યું છે, એટલે એમાં તો શ્રીજીમહારાજ ભક્ત ઠર્યા અને શ્લોક ૨૦૯માં કહ્યું જે “मद्रूपमिति मद्वाळी” તેમાં તો મારી મૂર્તિઓની જેમ પૂજા કરો છો તેમ જ મારી વાણી જે શિક્ષાપત્રી તે પણ મારું સ્વરૂપ છે, તેની પૂજા કરવી; એમ આજ્ઞા કરી છે. એમાં તો પોતાનું ભગવાનપણું સૂચવ્યું છે માટે તે પરસ્પર વિરોધ આવે છે તે કૃપા કરીને યથાર્થ સમજાવો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શાસ્ત્રના શબ્દ દ્વિઅર્થી હોય, તેનો અનાદિ મુક્તરાજ સદ્‌. શ્રી નિત્યાનંદ સ્વામીએ સર્વેને ઠીક લાગે એવો સાર્વજનિક અર્થ કર્યો છે. તેમાં ‘વામ’ શબ્દની લક્ષણા કરીને ડાબું પડખું લીધું છે, અને શતાનંદ મુનિએ શિક્ષાપત્રીની ‘અર્થદીપિકા’ ટીકા કરી છે, તેમાં ‘વામ’ શબ્દની લક્ષણા કરીને ‘વામ’ હસ્ત લીધો છે; જે વામ કહેતાં ડાબા હસ્તને વિષે રાધા કહેતાં ભક્તજન જેણે કરીને સિદ્ધિ પામે એવી સિદ્ધિ રહી છે. શ્રીજીમહારાજ પોતાના ડાબા હસ્તમાં અભયપદ ધરી રહ્યા છે કહેતાં ડાબા હાથે અભયદાન આપે છે; તેને ડાબે પડખે રાધા રહ્યાં છે એમ કહ્યું છે. અને વક્ષસ્થળમાં લક્ષ્મીજી રહ્યાં છે એમ કહ્યું છે, તેનો અર્થ શોભાવાચક કર્યો છે. તે અનંત મુક્તકોટિ, અનંત અક્ષરકોટિ, અનંત બ્રહ્મની કોટિઓ અને અનંત ઈશ્વરોની કોટિઓ તે સર્વેને શોભા આપવાપણું શ્રીજીમહારાજને વિષે રહ્યું છે એમ કહ્યું છે. અને વૃંદાવનમાં વિહાર કરનારા કહ્યા છે, તે વૃંદ તે સંતનો સમૂહ કહ્યો છે. તે સંતોના વૃંદનું ‘અવન’ કહેતાં રક્ષણ કરવું, તે નિમિત્ત છે વિચરણ જેમનું એવું શ્રીકૃષ્ણવાચક મારું સ્વરૂપ કહેતાં ‘શ્રી’ જે શોભા તેણે યુક્ત કહેતાં ભક્તના આધાર સતા ભક્તનાં દુઃખને નિવૃત્ત કરનારા એવા જે અમે તે અમારા સ્વરૂપનું અમે ધ્યાન કરીએ છીએ; એમ શ્રીજીમહારાજે પોતાનું ધ્યાન કહ્યું છે. આવો અવાંતર અર્થ શતાનંદ મુનિએ ટીકામાં કર્યો છે તે વાસ્તવિક છે, માટે આવી રીતે અર્થ સમજવો “हदये जीववत् जीवे” એમ કહ્યું છે તેમાં જીવ જેમ હૃદયરૂપી એક દેશમાં રહ્યો થકો પોતાની સત્તાથી નખશિખા પર્યંત સમગ્ર દેહમાં વ્યાપી રહ્યો છે; તેમ શ્રીજીમહારાજ પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા થકા પોતાની અંતર્યામી શક્તિએ કરીને સર્વ જીવને વિષે રહ્યા છે; પણ જીવ જેમ નિરાકાર છે તેમ શ્રીજીમહારાજ નિરાકાર નથી. શ્રીજીમહારાજ તો સદા સાકાર મૂર્તિમાન છે ને એ જ ભગવાન સ્વતંત્ર છે ને ઈશ કહેતાં જીવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, અક્ષરકોટિ અને મુક્તકોટિ તે સર્વેના નિયંતા છે, અને સર્વેને કર્મફળના આપનારા છે.

અને ૧૦૮મા શ્લોકમાં “स श्रीकृष्ळ” કહેતાં અક્ષરધામમાં સાકાર દિવ્ય મૂર્તિમાન જે શ્રીકૃષ્ણ પરબ્રહ્મ ભગવાન શ્રી પુરુષોત્તમ તે જ આપણા ઇષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારમાત્રના કારણ છે.

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, ૧૧૫મા શ્લોકમાં “कृष्ळस्तदवताराश्व ध्येयास्तप्रतिमाडपि च” એમ કહ્યું છે તેમાં શ્રીકૃષ્ણ તો શ્રીજીમહારાજ છે; પણ અવતાર, જીવ, નર, દેવ અને બ્રહ્મવેત્તા ભક્ત કોને જાણવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, છેલ્લા પ્રકરણના ૧૦મા વચનામૃતમાં મૂળમાયામાંથી ઉત્પન્ન થયા જે પ્રધાનપુરુષો અને તેમાંથી થયા જે મહત્તત્ત્વ, અહંકાર, વૈરાજ અને તેમાંથી થયા જે બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને બ્રહ્માથી થયા જે પ્રજાપતિ, ઋષિ, દેવ, દૈત્ય, મનુષ્ય, ઝાડ, પહાડ, સ્થાવર, જંગમ તે સર્વે જીવ જાણવા. અને મૂળપુરુષોથી લઈને બ્રહ્મ તથા મૂળઅક્ષરો તે સર્વે દેવ જાણવા અને શ્રીજીમહારાજની મૂર્તિને સાક્ષાત્કાર પોતાના આત્માને વિષે દેખતા હોય એવા એકાંતિકને બ્રહ્મવેત્તા ભક્ત જાણવા. અને શ્રીજીમહારાજના પરમ એકાંતિકમુક્તને નર જાણવા. તે કોઈનું ધ્યાન શ્રીજીમહારાજના ભક્તોએ ન કરવું. અને જેમ શ્રીજીમહારાજે જીવોના મોક્ષ માટે શ્રી રામાનંદ સ્વામી રૂપે દર્શન આપ્યાં હતાં તેમ મુક્ત રૂપે દર્શન આપે તે મુક્ત શ્રીજીમહારાજના અવતાર કહેવાય તેનું ધ્યાન થાય. તે જો શ્રીજીમહારાજે પોતે દર્શન આપ્યાં ન હોય ત્યાં સુધી થાય ને જ્યારે સ્વયં મૂર્તિ શ્રીજીમહારાજ પોતે દર્શન આપે તો તે અવતારનું પણ ન થાય. ।। ૯૯ ।।