વાર્તા ૨૬

વૈશાખ વદિ ૧૨ને રોજ સવારમાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, પરભાવની વાતોમાં જીવ રાજી થાય છે અને આ લોકની વાતોમાં ઇન્દ્રિયો રાજી થાય છે. જપ, તપ આદિક સાધનથી કામાદિક શત્રુ ટળે નહિ અને ટાઢું પણ થાય નહીં. એ તો શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરવાથી અંતરમાં ટાઢું થાય અને અંતઃશત્રુ વેરાભાઈની પેઠે નાશ થઈ જાય. તે તો જીવ કરતો નથી અને મોટા કેમ દોષ ટાળતા નથી એમ વાંક કાઢે છે. બહારની કથા જીવમાં ટાઢું ન કરે; એણે કરીને તો ઇન્દ્રિયોમાં ટાઢું થાય. કાર્યથી જુદો પડીને મૂર્તિ પકડે તો સદા સુખિયો થઈ જાય, માટે મોટાનો જોગ કરીને મૂર્તિ પામવી. જોગ કર્યાનું ફળ તો જ મળ્યું જાણવું. જેમ શાળ ઉપર ફોતરું હોય છે તેણે કરીને દાણા પાકે છે. પછી જેમ ચોખા કાઢી લઈને ફોતરાનો ત્યાગ કરીએ છીએ તેમ સાધને કરીને મૂર્તિ સિદ્ધ કરવી. પછી સાધનને મૂકી દેવાં. મૂર્તિ મળ્યા પછી એ સાધન રાખવાં નહિ; એક મૂર્તિ જ રાખવી, કેમ જે મૂર્તિ અંગી છે ને સાધન અંગ છે. જેમ પંખી અંગી છે ને પાંખો અંગ છે, તેમ કારણ તે અંગી કહેવાય અને કાર્ય તે અંગ કહેવાય. સાધને કરીને મૂર્તિની પ્રાપ્તિ થાય છે પણ સાધનનો ખખા રાખવો નહીં. જો ખખા રાખે તો મૂર્તિમાં ચોંટવા દે નહીં. જેમ જળમાં લાકડું નાખીએ તો જળથી બહાર નીકળી જાય પણ પથ્થર બહાર નીકળે નહિ, તેમ સાધનનો ખખા ન રાખીએ ને એક મૂર્તિ જ રાખીએ તો મૂર્તિથી બહાર નીકળાય નહીં. મૂર્તિ મૂકીને વિદ્યા, સાધન એ આદિકને સંભારે છે તે હલર-વલર કરે છે, ત્યારે મહાપ્રભુજી અને મોટા મુક્ત તે એમ જાણે જે આ બાળકિયા સ્વભાવ કરે છે. પદાર્થ પોતે ભેળા કરે અને તેણે કરીને ઉત્સવ, સમૈયા કરે ને તેને સંભારીને રાજી થાય તે કાર્ય કહેવાય, પણ એકાંતિકભાવવાળાને એણે કરીને સુખ ન થાય. આ વાત જે મૂર્તિમાં રહેતા હોય તેની છે. જેને સદા મૂર્તિમાં રહેવાતું ન હોય તેણે તો દ્રવ્ય હોય તે શ્રીજીમહારાજની અને સંતની પ્રસન્નતાને અર્થે સત્સંગમાં જ વાપરવું તો ઘણો જ લાભ છે; એણે કરીને માયા તરીને મોક્ષને પામે છે. જેમ બે હજાર રૂપિયાની વાંસળીને ગળે બાંધીને સમુદ્રમાં પડે તો ડૂબી મરે અને જો તેનું વહાણ કરાવીને તે વહાણમાં બેસે તો સમુદ્ર સહેજે ઉતારી દે. તેમ દ્રવ્ય છે તે વ્યવહારમાં વાપરે તો સગુણ અને બંધનકારી છે અને શ્રીજીમહારાજના ને સંતના ઉપયોગમાં આવે તો નિર્ગુણ અને કલ્યાણકારી છે. ।। ૨૬ ।।