વાર્તા ૧૯૩
જેઠ વદ ૭ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૬૨મું વચનામૃત વંચાતું હતું, તેમાં દાસત્વના અંગમાં ગોપાળાનંદ સ્વામીને તથા મુક્તાનંદ સ્વામીને વખાણ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, દાસત્વપણામાં સર્વેના ગુલામ થઈને રહેવાય છે. આ બે સ્વામીને દાસત્વપણું ઘણું હતું, એવું દાસપણું દૃઢ કરવું. કોઈકને કહેવું તે દાસપણે સત્ત્વગુણમાં રહીને દયા લાવીને ધીરે રહીને કહેવું, પણ રીસ લાવીને કે નિર્દયપણું લાવીને કહેવું નહિ, ને ફજેત કરવો નહિ અને પ્રાયશ્ચિત્ત દેવું તે દયા કરીને દેવું પણ રીસ કરીને દેવું નહીં. અહીં મોટા માણસને પ્રાયશ્ચિત્ત આપવું હતું, તેણે મરવાનો આદર કર્યો હતો. તેને અમે પુરુષોત્તમ માસમાં છાનું પ્રાયશ્ચિત્ત આપીને બચાવ્યો, પછી તે ધામમાં ગયો. એવી રીતે દયા લાવીને વાતચીત કરી શિખામણ દેવી ને પ્રાયશ્ચિત્ત આપવું અને જો ન માને તો પછી જાહેર કરવું. કાંકરિયા તળાવે શ્રીજીમહારાજ પધાર્યા હતા ને ભેળા સંત ઘણા હતા. તેમાં મોટા મોટા સંતને અજીર્ણ આવ્યું જે આપણે ન હોઈએ તો આ સત્સંગમાં દિગ્વિજય કોણ કરે ? પછી શ્રીજીમહારાજે એ સભાના ઉપર બીજી સભા કરી. ત્યાં પૂજાઓ થાય, આરતીઓ થાય તેવું દેખીને મોટા મોટા સંતોએ શ્રીજીમહારાજને દંડવત કરીને પ્રાર્થના કરીને કહ્યું જે, હે મહારાજ ! તમે અમારું અજીર્ણ ટાળ્યું; એમ દાસપણામાં શ્રીજીમહારાજનો રાજીપો ઘણો છે. અને કીડીસખીને રાજ્ય જોઈતું હતું પણ માર ખાવો પડ્યો, માટે મૂર્તિના સુખ વિના બીજું કાંઈ ઇચ્છવું નહિ ને પવિત્રપણે રહેવું. પછી પોતાની બાજરીના ઢગલામાં સંતને લઈ જઈને ફેરવ્યા ને બોલ્યા જે, આ બાજરીને પાપી લોકો અડ્યા હતા તે તમને ફેરવ્યા એટલે પવિત્ર થઈ. આ તમને અમે શીખવીએ છીએ જે પવિત્રનો સંગ કરવો ને સંતની સેવા કરવી. એક ખોજાએ છપના કાળમાં સડક બંધાવી, તેનાં પાપ મનુષ્યને મારેલાં એવાં હતાં પણ એ સડકમાં કણબી લોકો મજૂરી કરીને છપનો કાળ ઊતર્યા, તે સર્વે સત્સંગી હતા, તેમની સેવાએ કરીને ખોજાનાં પાપ બળી ગયાં ને તેના ઉપર દયા કરીને અમે અંત વખતે પ્રસાદી આપીને મોક્ષ કર્યો. માટે સત્સંગીનું પોષણ કરવાથી પાપ બળીને કલ્યાણ થાય છે, એવો સત્સંગનો પ્રતાપ છે.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે તે દિવસે ઉપવાસ કરાય છે અને દેહોત્સવ કરે તે દિવસે ઉપવાસ નથી કરતા તેનું શું કારણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે આનંદમાં ને આનંદમાં ભૂખની ખબર ન પડે, માટે ઉપવાસ કરાય છે. અને ભગવાન પ્રગટ થઈને આત્મા-પરમાત્માનું તથા અજર-અમરપણાનું તથા સર્વત્રપણાનું જ્ઞાન પોતાના ભક્તને આપે તેણે કરીને ભક્ત એમ જાણે જે ભગવાન અદૃશ્ય થતા જ નથી. જેવા છે તેવા ને તેવા જ અણુ અણુ પ્રત્યે છે પણ કોઈ ઠેકાણે નહિ હોય એમ નથી. ભગવાન તો છે, છે ને છે જ, પણ જ્યારે દર્શન આપ્યાં ત્યારે આપણને જાણ પડી પણ પહેલાં નહોતા એમ નહીં. આપણા જાણવામાં નહોતા પણ એ તો સદાય છે જ, અને અદૃશ્ય પણ થતા જ નથી એમ સમજે, માટે ભૂખ્યું રહેવાની જરૂર નથી. એમ ઉત્તર કરીને પછી વાત કરી જે, શ્રી ગોપાળાનંદ સ્વામીને એક હરિજને પૂછ્યું જે, હું કપાસની સાંઠિયો ખોદું છું ત્યારે મહારાજ તેજોમય દેખાય છે, તે શી રીતે ખોદું ? મહારાજને વાગે તે સારુ ખોદતો નથી. પછી સ્વામીશ્રીએ કહ્યું જે, મહારાજને નહિ વાગે, ખોદજો. આપણે પણ એમ મૂર્તિ દેખાય એ કરવાનું છે. જેમ દિવસમાં રાત્રિ લીન થાય છે તેમ માયાને તેજમાં લીન કરીને મૂર્તિ જોવી. જો આગ્રહ કરે તો દેખાય, પણ આગ્રહ નથી કરતા એટલે મૂર્તિ નથી દેખાતી. મહારાજ મોંઘા બહુ છે, તે તપે કરીને, સેવાએ કરીને, ભક્તિએ કરીને કે કોટિ સાધને કરીને પણ મળે તેમ નથી, પણ આજ સોંઘા થયા છે; માટે ધ્યાન, માળા, પૂજા એ કર્યા કરવું તો મૂર્તિ સિદ્ધ થઈ જાય. જો માયિક વસ્તુ લાવવી હોય તો મુંબઈ જઈને પણ લઈ આવે, પણ મહારાજ જેવી દિવ્ય વસ્તુને લેવાનો આગ્રહ કરતા નથી. એક સાધુએ મુંબઈથી મનગમતાં વસ્ત્ર મંગાવીને પહેર્યાં; એવી તાણ મૂર્તિમાં થાય તો શું બાકી રહે ? અમે મૂર્તિમાં રહીને આ વાતો કરીએ છીએ, પણ જીવ જાણી શકે નહિ; એવા આ મુક્ત તમને મળ્યા છે. વળી ધક્કો મારીને પણ જીવને મહારાજની મૂર્તિમાં પહોંચાડી દઈએ. એવો આ મુક્તનો ધક્કો છે, તે કોઈને રહેવા દેવા નથી.
પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ કહ્યું જે, બાપા ! મારી એક અરજ છે જે, મને ભૌતિક દેહમાંથી જુદો પાડીને મૂર્તિમાં લઈ જાઓ. તમારા વિના બીજો મારે આધાર નથી ને હું દુઃખી થાઉં છું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ બાવો (સ્વામી ઈશ્વરચરણદાસજી) તથા તમે બીજા જે જે શરણે આવેલા સદ્રુચિવાળા છો, તે સર્વેનું અમારે પૂરું કરવાનું છે. એમને કોઈને માથે ગુનો નથી, બધાયનું પૂરું અમે કરીશું, ત્યારે તેમણે કહ્યું જે, બાપા ! મેં સાધન કાંઈ કર્યાં નથી ને થાય તેમ પણ નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમારે નિશ્ચિંત રહેવું. તમને આ માયિક દેહમાં રહીને શું માગતાં આવડે ? મુક્તનું ને મહારાજનું સુખ ને મહિમા ને સામર્થી તેનો કોઈ પાર પામે તેમ નથી, માટે જે સુખ અમારે છે તે સર્વેને આપવું છે. તે દિવ્યભાવે યુક્ત થાશો ત્યારે સમજાશે. દિવ્ય સુખ તો માયિક દેહથી ને માયિક બુદ્ધિથી માગી લેવાય એવું નથી. એ તો અમે પોતે આપી દઈશું, એવો વિશ્વાસ રાખવો. અમે તમને મળ્યા છીએ તે એક મિનિટમાં સુખ આપી દઈએ એવા છીએ. અમે તો કર્તા થકા અકર્તા છીએ, “કર્તા થકા અકર્તા રે યુગયુગમાં નર દેહ ધરે” એવા મહારાજ ને મહારાજના મુક્ત છે. જેવા છીએ એવા ઓળખો તો દરિયામાં દોટ દેવાનું કહીએ તોપણ દો તથા તડકે રાખીએ, ભૂખે મારીએ તોપણ તેમ કરો. રાત કહીએ તો રાત કહો અને દિવસ કહીએ તો દિવસ કહો, એવા થઈ જાઓ, જો પૂરો મહિમા જાણો તો. તમે સર્વેએ આ મુક્તને ઓળખ્યા છે તે પૂર્વે તમે બધાંય સાધન કર્યાં હશે, ત્યારે જ તમને આવા મોટા ઓળખાણા છે. માટે તમારે એમ સમજવું જે સત્સંગમાં જે જે અંગ દૃઢ કરવાનાં કહ્યાં છે તે સર્વે અંગ સંપૂર્ણ થઈ ગયાં છે; તો જ તમે આવા મોટાને ઓળખ્યા છે.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, આ વચનામૃતના પહેલા પ્રશ્નમાં યોગ્ય-અયોગ્ય કર્મ કહ્યું તે કિયું જાણવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આજ્ઞા પ્રમાણે વ્યવહાર કરે તે યોગ્ય કર્મ જાણવું, અને તેમાં આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થઈ જાય તે અયોગ્ય કર્મ જાણવું. અને કોઈક ઉપર ક્રોધ થઈ આવે તે પણ અયોગ્ય કર્મ જાણવું; અને તેનું પ્રાયશ્ચિત્ત કરવું. તે પ્રાયશ્ચિત્ત જો તુરત આવીને મોટાપુરુષને નિવેદન કરે તો અર્ધું કરવું પડે, અને પૂછતાં વાર લગાડે તો તો પૂરું કરવું પડે, ને કોઈક કરાવે ને કરે તો બમણું કરવું પડે. માટે નિષ્કામવ્રતનો ઉપવાસ પડે તો તુરત કરવો, પણ કાંધાં કરવાં નહિ, એટલે વાર લગાડવી નહીં. જો એકાદશી આદિ વ્રતનો ઉપવાસ બીજે દિવસે આવતો હોય તો પ્રાયશ્ચિત્તનો ઉપવાસ તેરસને દિવસે કરવો પણ એવી અડચણ ન આવતી હોય તો તે દિવસે જ કરી નાખવો. નિયમ રાખવા તે ઓછા રાખવા પણ ઘણા રાખીને પડ્યા મૂકવા નહીં. જો ઘણા રાખીને પડ્યા ન મૂકે તો તે શ્રેષ્ઠ છે, પણ ઘણા રાખીને પડ્યા મૂકવા પડતા હોય તો થોડા રાખવા તે ઠીક છે. એમ વાત કરીને પછી બોલ્યા જે, વચનામૃતમાં નારદ-સનકાદિક તથા રામકૃષ્ણાદિક અવતાર કહ્યા હોય તે મુક્તને કહ્યા હોય છે એમ જાણવું, કેમ કે બીજા પરોક્ષ રામકૃષ્ણાદિક અવતાર થાય છે તે તો અન્વય સ્વરૂપના અવતાર છે; તેમનાથી શ્રીજીમહારાજના જેવું આત્યંતિક કલ્યાણ થાય નહીં. અને તેમાંના કેટલાક તો માયામાંથી આવ્યા છે અને વ્યતિરેક મૂર્તિના અવતાર જે મુક્ત તે તો આત્યંતિક કલ્યાણ કરે છે; માટે તે અવતાર જાણવા. માયા તો મેશનો ઓરડો છે.
પછી નાનોદરાના ઠક્કર કાળીદાસે પૂછ્યું જે, મારે તો આ ત્રણ અંગમાંથી એકેય સંપૂર્ણ થયું નથી ત્યારે કેમ થશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આવા મોટા ને મહારાજ મળ્યા છે, તેમનો મહિમા જણાય ને તેમની સાથે મન જોડો તો છતે દેહે મોક્ષ થઈ જાય. જેના ભેળા બેઠા છો તેના ભેળું જ રહેવું છે, માટે જ્યારે આવા મળ્યા ત્યારે જાણવું જે પૂરું થઈ જ રહ્યું છે ને કડેડાટ કરતા ધામમાં જાશું; ફિકર રાખવી નહીં. આ તમને મળ્યા છે તે કાંઈ અક્ષરકોટિ સુધીને પણ મળ્યા નથી ને મળવા પણ ઘણા દુર્લભ છે. આ વાતનો મુદ્દો હાથ આવે તો બહુ સુખ આવે ને ઊંઘ, આહાર, ભૂખ, દુઃખ સર્વે ભૂલી જવાય; એવો મૂર્તિનો આનંદ છે. તે આનંદમાં આપણે રહ્યા છીએ એમ જાણવું. ।। ૧૯૩ ।।