વાર્તા ૨૩૧

જેઠ સુદ ૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મહાપાપ તે શું ? તો જે આધાર વિનાના હોય તેને દુઃખ દેવું તે મહાપાપ છે. હમણાં તો દ્રોહની નદીઓ ચાલે છે. સાધુ અમંગળિક, ઓલ્યા ઓનું ખોદે, ઓલ્યો ઓનું ખોદે; એમ દ્રોહ થાય છે. પાણી બંધ કરો એટલે અહીંથી ફાટે, અહીંથી ફાટે; એમાં વચમાં ધર્મવાળા પણ આવી જાય. સત્પુરુષ કેવળ ભગવાનમાં જોડાઈ બેઠા હોય તેને શું છે ? તમે છો અમંગળિક, પણ આમાં હાથ ઘાલો ત્યારે શું ? મોટાની મોટાઈ કઈ ? તો આપણા સ્વામી નિર્ગુણદાસજી હતા તેમનો દેહ રહ્યો ત્યાં સુધી આમાં કાંઈ કર્યું ન હતું એ મોટાઈ. અને સદ્‌. બળરામદાસજી શાસ્ત્રી ડભાણમાં મંદિર કરતા હતા, તેમને સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામી વઢ્યા કે મૂઆ મેલી દો મેલી દો, મરી જાશો. આપણા આચાર્યજી શ્રી કેશવપ્રસાદજી મહારાજે વાર્યા તોપણ સ્વામી તો વઢ્યા. એ પુરુષ સર્વદેશી ખરા. વખત અત્યારે કૃતઘ્નીનો છે. આપણા ભેગા હોય અને સાથે મેલીને આડા ચાલે. મુમુક્ષુને પણ આસુરીના શબ્દ આવે તો ધક્કો મારે એટલે મોક્ષના માર્ગથી પાડી નાખે; માટે જેના શબ્દ સારા હોય તેનો વિશ્વાસ રાખે તો તે બચે. આવો સમાગમ કરીએ છીએ, સુખ આવે છે પણ મહીં ફાંટા પડી જાય તો મન જુદાં થઈ જાય. મોટાપુરુષનો દ્રોહ થાય તો જીવ આસુરી થઈ જાય. મોટાપુરુષ તો કોપ કરતા જ નથી, પણ જીવ આફૂડો આસુરી થઈ જાય. જેમ એકને સો દીકરા હોય તેમાં એક અકર્મી હોય તોપણ તેને માર્યાનો સંકલ્પ થતો નથી; તેમ મોટા છે તે અધમ જેવા જીવને વિષે પણ સારો સંકલ્પ કરે છે. જીવ માયાને લઈને તોફાન કરે છે. આપણે અહીં ચાર દિવસ રહેવું છે તે પૂરું કરી જાવું. સૌ ઉપર દયા રાખવી. “દયા ધર્મ કો મૂળ હે.”

પછી સભામાં પ્રસંગ નીકળ્યો જે, સાધુ માળા-માનસીપૂજા કરે છે ? ધ્યાન કરે છે ? ત્યારે સંત બોલ્યા જે, કોઈક કરતા હશે અને કોઈક નહિ કરતા હોય. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ત્યારે શું મૂંડાવા સાધુ થયા હશે ? આજ શ્રીજીમહારાજ સત્સંગમાં પ્રત્યક્ષ વિચરે છે, તેમને પાપી-અસુર તે ન જાણે અને જ્ઞાની ને દૈવી હોય તે જાણે. શિવ, બ્રહ્મા અને સૌભરીની પ્રાપ્તિ તો જુઓ ! ક્યાં તેમની પ્રાપ્તિ ! ને ક્યાં આ પ્રાપ્તિ ! આજનો પ્રતાપ તો અતિશે અપાર છે. બ્રહ્મા, શિવ અને વિષ્ણુ મળીને સૌ સૌનાં બ્રહ્માંડ ચલવે છે. તેવા અનંતકોટિ બ્રહ્માંડના કર્તા-હર્તા ઈશ્વર છે અને આપણને તો એ સર્વેથી પર મોટા મુક્ત ને મહારાજ તે મળ્યા છે. ।। ૨૩૧ ।।