વાર્તા ૧૩૮
સંવત ૧૯૭૧ના માગશર માસમાં અમદાવાદમાં સ્વામી ઈશ્વરચરણદાસજી ઉપર બાપાશ્રીનો કાગળ આવ્યો જે, અમારાં માતુશ્રીને કાળી તળાવડી ઉપર શ્રીજીમહારાજે દર્શન આપીને વર આપ્યો હતો તે ઠેકાણે છત્રી કરીને ચરણારવિંદ પધરાવવાનો વિચાર છે. તેમાં તમારો શો અભિપ્રાય છે તે લખી મોકલજો. તે કાગળ વાંચીને સ્વામી વૃંદાવનદાસજી વાડીએ હતા ત્યાં જઈને તેમને સંભળાવ્યો ને પછી બાપાશ્રીને કાગળ લખ્યો જે, આપનો કાગળ વાંચી બહુ આનંદ થયો છે ને આપનો જે વિચાર છે તે અનંત જીવના ઉદ્ધારને અર્થે છે. આપ જે કરતા હશો તે સારું જ કરતા હશો અને આપની જે જે ક્રિયા છે તે સર્વે કલ્યાણકારી છે. ફરી બાપાશ્રીનો પત્ર આવ્યો જે છત્રીનું કામ ચાલતું કર્યું છે અને ફાગણ માસમાં ‘સત્સંગિજીવન’ની પારાયણ બેસાડવાનો વિચાર કર્યો છે અને ચારસો મણ ઘી, તથા છસો મણ ગૉળ તથા ઘઉં, દાળ, ચોખા વગેરે સામાન મંગાવ્યો છે. હવે તમે મૂળીએ વસંત કરીને અહીં આવજો અને સર્વેને અહીં આવવાનું કહેતા આવજો. પછી સર્વે સંત વસંતે મૂળી ગયા ને સર્વેને આ વાત કરી અને ફાગણ માસ બેસતા વૃષપુર ગયા. પછી સર્વ ઠેકાણે કંકોત્રીઓ લખાવી મોકલી જે, “સંવત ૧૯૭૧ના ફાગણ વદ ૧૧ને રોજ ‘સત્સંગિજીવન’ની પારાયણ બેસશે ને તેની સમાપ્તિ ચૈત્ર સુદ ૩ને રોજ થશે, ને તે દિવસે છત્રીએ ચરણારવિંદ પધરાવાશે.” તે યજ્ઞમાં અમદાવાદથી બસો સંત તથા ભૂજ, મૂળી, ગઢડા, જૂનાગઢ, વરતાલ વગેરેના સંત-બ્રહ્મચારી મળી ચારસો હતા. અને હરિજનો દેશાંતરના ત્રીસ હજાર હતા ને મહા મોટો યજ્ઞ કર્યો હતો. છત્રી કરી છે તે ઠેકાણે પથ્થરની ધાર શ્રીજીમહારાજની પ્રસાદીની હતી, તેમાં ઘણાં ભૂત રહેતાં; ત્યાં કોઈથી જવાતું નહીં. તે ભૂતોને છત્રીના ખાતમુહૂર્ત વખતે અધમણ સાકરની પ્રસાદી વહેંચીને તેમનો મોક્ષ કર્યો. ચૈત્ર સુદ ૩ને રોજ કથાની સમાપ્તિ કરી, પછી છત્રીએ ચરણારવિંદ પધરાવવા સર્વે આવ્યા. ને ચરણારવિંદ પધરાવતી વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, આ વખતે સર્વેને વર આપો. પછી બાપાશ્રી બોલ્યા જે, આ યજ્ઞમાં આવેલા સંત-હરિજનાદિક સર્વે મનુષ્યો તથા ઉપયોગમાં આવેલાં સર્વે પશુઓ તથા આકાશમાં વિમાને બેસીને દર્શન કરવા આવેલા અધિકારી દેવો તે સર્વેનો છેલ્લો જન્મ કરી શ્રીજીમહારાજની મૂર્તિમાં લઈ જઈશું. આ છત્રી તથા આ સ્થાનમાં જે દેવ તથા મનુષ્યો દર્શન કરશે અને ઉપર થઈને પક્ષી ઊડીને જશે તે સર્વેનો અમે આત્યંતિક મોક્ષ કરીશું અને શ્રીજીમહારાજની મૂર્તિમાં લઈ જઈશું, એવો વર દીધો. પછી બીજે દિવસે સૌ સંત-હરિજનોને સૌ સૌના દેશમાં જવાની આજ્ઞા કરી તેથી સૌ પોતપોતાને ગામ ગયા.
સ્વામી ઈશ્વરચરણદાસજી પોતાના સાધુ મુક્તજીવનદાસજી માંદા હતા તેથી ત્યાં રહ્યા. અને બીજે દિવસે એટલે ચૈત્ર સુદ ૫ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, તમને રોકવા હતા તેથી આ સાધુને રાખ્યા છે, નહિ તો કંકોત્રીઓ લખ્યા પછી સિનોગરામાં મિસ્ત્રી દેવજીભાઈની પારાયણ સાંભળવા ગયા ને આ સાધુ ત્યાં માંદા પડ્યા હતા, ત્યાં ને ત્યાં દેહ મૂકવાના હતા. જો દેહ મૂક્યો હોત તો તમને સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતો અહીં રહેવા દેત નહિ, અમદાવાદ લઈ જાત; પણ આ સાધુને માંદા જોઈને કોઈ બોલ્યા નહિ, એમ વાત કરી.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, દેવથળના ડાહ્યાભાઈ આપના પારાયણમાં આવ્યા હતા તે નાડી જોઈને એમ કહેતા હતા જે, આ સાધુને કફ સુકાઈ ગયો છે, તોપણ દેહ રહ્યો છે તેનું કારણ કાંઈ સમજાતું નથી. પછી બાપાશ્રી બોલ્યા જે, તમને રોકવા સારુ જ અમે એમને રાખ્યા છે.
પછી લુણાવાડાના મહાસુખરામે પૂછ્યું જે, સાધનદશાવાળા તો પોતાના કલ્યાણને અર્થે યજ્ઞ કરે પણ આપ તો મહારાજના સંકલ્પથી અહીં દેખાઓ છો અને જીવોનું કલ્યાણ કરવા આવ્યા છો એમ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ મને તથા પ્રાંતિજના કેશવલાલભાઈને કહ્યું હતું; તો આપને આવા મોટા યજ્ઞ કરવાનું શું કારણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમે બીજા જીવોના કલ્યાણને અર્થે કરીએ છીએ તે જે દર્શને આવે અથવા યજ્ઞનું અન્ન જમે અથવા જે જે મનુષ્ય પશુ આદિક સેવાના ઉપયોગમાં આવે તે સર્વેનો મોક્ષ કરવા સારુ કરીએ છીએ પણ બીજું કાંઈ કારણ નથી. સાધનદશાવાળા પોતાના કલ્યાણને અર્થે કરે અને સિદ્ધમુક્ત જે જે કરે તે બીજાના કલ્યાણને અર્થે કરે છે. અહીં આ યજ્ઞમાં જે જે સંત-હરિજનો આવ્યા તે સર્વેનું કલ્યાણ થશે, અને એ સુખડીની પ્રસાદી લઈ ગયા તેને જે જમશે તે સર્વેને આ દેહે જ શ્રીજીમહારાજના સુખમાં લઈ જઈશું. મોટા મુક્ત તો જમીને કલ્યાણ કરે ને જમાડીને પણ કલ્યાણ કરે ને દૃષ્ટિ વડે પણ કલ્યાણ કરે ને સંકલ્પે કરીને પણ કલ્યાણ કરે. મોટા મુક્તનાં દર્શન જેને થયાં ન હોય તે જો તેમને ભાવે કરીને સંભારે તો તેનું પણ કલ્યાણ કરે. પછી વાર્તાની સમાપ્તિ કરીને માવજીને કહ્યું જે, આપણા ઘરમાં જેટલું ઘી તાવ્યું હોય એટલું બધું અહીં લઈ આવ અને ખીચડી લઈ આવ. પછી તે લાવ્યા ને સંતોને કહ્યું જે, ખીચડી કરો. પછી સંતોએ ખીચડી કરી અને પોતે સુખડી લાવ્યા; ને સુખડી, ખીચડી અને બધું ઘી તેનો થાળ કરીને સર્વેને પ્રસાદી જમાડી. ।। ૧૩૮ ।।