વાર્તા ૩૧
વૈશાખ વદિ ૧૪ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ બાળકના હાથમાં હીરો, પારસમણિ ને કોડી આપ્યાં હોય તે ક્યારેક હીરે રમે, ક્યારેક હીરો ફગાવીને પારસમણિએ રમે ને ક્યારેક પારસમણિને નાખી દઈને કોડીએ રમે, કેમ જે એને કિંમત જડી નથી. ઝવેરીને એ ત્રણેની કિંમત પડે છે, તેમ જ્ઞાન વિના મહારાજની તથા મુક્તની ઓળખાણ પડતી નથી. સત્શાસ્ત્ર અને સત્પુરુષ જેનું પ્રમાણ કરે તેને મોટા સમજીને જોગ કરવો, પણ બાળકિયા સ્વભાવવાળા હોય તેનો જોગ ન કરવો. જે મહારાજનો અને મોટાનો સિદ્ધાંત પડ્યો મૂકે ને સત્સંગનું ધોરણ મૂકીને વર્તે તે બાળકિયા સ્વભાવવાળા કહેવાય. તે પોતાનો મોક્ષ બગાડે અને લાખોને મોક્ષના માર્ગથી પાડે; તેનું મહાપાપ લાગે. જીવનો સ્વભાવ મોટાની અનુવૃત્તિમાં રહેવા દે એવો નથી, માટે મોટાની અનુવૃત્તિમાં રહીને મન-કર્મ-વચને સંગ કરે તો સ્વભાવનો નાશ થઈ જાય, ને વૃત્તિઓ પાછી વળીને મૂર્તિમાં જોડાય, શાંતિ થાય ને મહાસુખિયો થાય. મોટાનો પ્રત્યક્ષ જોગ ન હોય ને બીજા થકી વાત સાંભળીને મોટાનો મહિમા સમજ્યો હોય ને વિશ્વાસ આવે તો શાંતિ થાય ને મોટા એનું પૂરું કરી દે.
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, સંવત ૧૯૫૧ની સાલમાં હું આપની પાસેથી અમદાવાદ થઈને કપડવંજ ગયો હતો. ત્યાં મોઢ બ્રાહ્મણ શ્રીકૃષ્ણના દીકરા ચુનીલાલને આપના મહિમાની વાતો કરી તેથી તેને આપને વિષે દિવ્યભાવ આવ્યો. એને આપનાં દર્શનની બહુ આતુરતા થઈ ને મને કહ્યું જે, હાલ ને હાલ કચ્છમાં ચાલો ને બાપાશ્રીનાં દર્શન કરાવો. મેં કહ્યું જે, અમે તો દર્શન કરીને જ આવીએ છીએ માટે આજ્ઞા વિના તુરત ફેર ન જવાય. ત્યારે તેણે કહ્યું જે, હું મુંબઈ જાઉં છું. તે જ્યારે તમો વૃષપુર જાઓ ત્યારે મને ત્યાં કાગળ લખજો તો હું ત્યાંથી આવીશ. હું સંવત ૧૯૫૨ની સાલમાં અહીં આવ્યો ને મુંબઈ કાગળ લખ્યો ત્યારે તેણે જવાબ આપ્યો જે હું પરીક્ષા આપું છું. ચાર દિવસની આપી છે ને ચાર દિવસની બાકી છે. તમે ફેર કાગળ લખો જે હું આગબોટમાં અહીંથી પરબારો વૃષપુર આવું કે રેલને રસ્તે આવું ? એ કાગળ મેં આપને વંચાવ્યો ત્યારે આપે આજ્ઞા કરી જે રેલને રસ્તે તમારે ઘેર જઈને આવજો એમ લખો. એવી રીતે લખ્યું તે કાગળ વાંચીને તે મુંબઈથી એને ઘેર ગયો ને ત્યાં માંદો થયો. દેહ મૂકવા સમય આવ્યો ત્યારે આપે દર્શન આપ્યાં, ત્યારે તેણે તેના બાપને કહ્યું જે, બાપાશ્રી મને તેડવા આવ્યા છે ને હું ધામમાં જાઉં છું. એના બાપે કહ્યું જે, તેં બાપાશ્રીને કોઈ દિવસ દેખ્યા નથી ને ઓળખાણ કેમ પડી ? ત્યારે તેણે કહ્યું જે, ઓળખાવનારે ઓળખાવ્યા, એમ કહીને દેહ મેલ્યો. તે જ દિવસે આપે આ ઠેકાણે મને વાત કરી જે, જેને તમે કાગળ લખ્યો હતો તે છોકરે આજ દેહ મેલ્યો ને એને અમે ધામમાં મૂકી આવ્યા. એણે આપને કોઈ દિવસ દેખ્યા નહોતા ને આપનો મહિમા સમજ્યો એટલામાં જ આપે એનો મોક્ષ કર્યો.
આપ ગયા કારતકમાં ધર્મધુરંધર મહારાજશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજને જનોઈ દીધી ત્યારે અમદાવાદ પધાર્યા હતા ત્યારે આપણે સર્વે વરતાલ ગયા. ત્યાં ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં આપ ઊતર્યા હતા. ત્યાં ઠાસરાના સૂબા ગોપાળલાલભાઈ આપને દર્શને આવ્યા હતા અને આપની આરતી ઉતારી હતી ત્યારે સંતોએ નિષેધ કરવા માંડ્યો; ત્યારે તેમણે કહ્યું જે, મને મહારાજે રાત્રિએ દર્શન દઈને કહ્યું છે જે, અમારા અનાદિમુક્ત આજ વરતાલ આવ્યા છે માટે દર્શને આવજો. એમનાં દર્શન, સેવા તે અમારાં જેવાં જ છે તેથી હું આવ્યો છું. એમણે મૂળા પ્રસાદીના કરાવ્યા અને આપની પાસે વર માગ્યો જે, આ મૂળા જે જમે તેને આપે અક્ષરધામમાં તેડી જવા. આપે વર આપ્યો જે, “આ મૂળાની પ્રસાદી જે જમશે તેને અક્ષરધામમાં તેડી જશું.” તે ઠાસરે ગયા અને મૂળાની પ્રસાદી સર્વેને વહેંચી આપી. આપના મહિમાની એમણે સર્વે સત્સંગીઓને વાત કરી ત્યારે ત્યાં એક વાણિયાનાં બે છોકરાં હતાં, તેમણે ગોપાળલાલભાઈને પૂછ્યું જે, એ વરતાલ છે કે ગયા ? ત્યારે એમણે કહ્યું જે, એ તો આજ સ્પેશિયલ ગાડી કરી છે તે જતા રહેવાના છે. એવું સાંભળી એ છોકરાંઓએ ઓરતો કર્યો કે આપણને દર્શન થયાં નહિ, તેમાંનો મોટો ભાઈ થોડાક દિવસ પછી માંદો પડ્યો. તેને અંત વખતે આપે દર્શન આપીને કહ્યું જે, ચાલ અમારા ધામમાં. ત્યારે તેણે એના નાના ભાઈને કહ્યું જે, બાપાશ્રી મને તેડવા આવ્યા છે. નાના ભાઈએ કહ્યું જે, મને ક્યારે તેડી જશે તે પૂછી જુઓ. એણે આપશ્રીને પૂછ્યું જે, મારા નાના ભાઈને ક્યારે તેડી જશો ? ત્યારે આપ બોલ્યા જે, આજથી એક મહિને તેડી જશું. પછી એને તેડી ગયા અને એક મહિના કેડે એના નાના ભાઈને પણ તેડી ગયા. એમ એ છોકરાંઓએ ઓરતો કર્યો એટલામાં આપે એમનો મોક્ષ કર્યો. પછી બાપાશ્રી બોલ્યા જે, મહારાજ અને મોટા અદૃશ્ય હોય તેમને ખરા ભાવથી સંભારે તો પ્રત્યક્ષના જેવું ફળ આપે. ।। ૩૧ ।।