વાર્તા ૨૦૦

વૈશાખ વદ ૨ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૫૪મું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાનના ભક્તને વિષે જેને આત્મબુદ્ધિ થાય છે, તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સંતને વિષે એટલે મુક્તને વિષે આત્મબુદ્ધિ થાય તો જેમ કહે તેમ કરે ને દેહાભિમાન આડું આવે નહીં. જો દેહાભિમાન ટળી જાય તો મહારાજને વિષે ને અનાદિમુક્તને વિષે આત્મબુદ્ધિ થાય. એવી રીતે ઘણીક વાત કરી ને પછી સંત ચંદન ઘસી લાવ્યા હતા તેણે કરીને સર્વેએ બાપાશ્રીની પૂજા કરી અને હરિભક્ત પોંક લાવ્યા હતા, તે સર્વેને વહેંચી આપ્યો. પછી બોલ્યા જે, આ પ્રસાદી કોઈને મળે એવી નથી અને આ ચંદન ચર્ચ્યું તે સાંભરે તો તે અક્ષરધામમાં જાય; પણ જેને મહિમા ન હોય તે એમ જાણે જે આ નિત્ય ઊઠીને કપાળ ચોપડે છે તે છોકરાની રમત જેવું કરે છે એમ જાણે તેને આ સભાનો મહિમા સમજાણો નથી; માટે આ રમત ન જાણશો, આ તો અનંત જીવનો ઉદ્ધાર કરવા સારુ કરીએ છીએ. જેને જેને અમે ચંદન ચર્ચ્યા તે સર્વે અક્ષરધામમાં જાવાના; ને આ અક્ષરધામમાં પૂજા થાય છે એમ જાણજો, પણ આ લોકમાં થાય છે એમ ન જાણશો. આ ચંદન દિવ્ય છે તે જેને અડે તેને દિવ્ય કરે, અને આ પ્રસાદી વહેંચાય છે તે આ લોકનું અનાજ કે આ લોકનાં ફળ, ફૂલ, મેવા નથી; આ તો દિવ્ય છે. એમાં માયાનો ગુણ નથી અને તેને જમનારા અક્ષરધામમાં જાશે એવો આ પ્રસાદીનો મહિમા છે. આ સભાને દિવ્ય જાણે તેને અક્ષરધામનું સુખ છતે દેહે આવે ને સાક્ષાત્‌ મહારાજની મૂર્તિમાં જોડી દે, એવા આ મુક્ત છે. આપણે એ કરવા બેઠા છીએ પણ બીજો ધંધો કરવા બેઠા નથી. અમે ધોળાં પહેરીને ને તમે ભગવાં પહેરીને બેઠા છીએ, તેણે કરીને આ જ્ઞાન થાય તેમ નથી. આ લોક, દેહ, લૂગડાં, સર્વે મેલવું પડશે ને અનુભવજ્ઞાન થશે ત્યારે આ સભા ઓળખાશે ને મૂર્તિ મળશે. તમે કાલે મૂર્તિની કોરેમોરે ખોજ કરતા હતા, તે ક્યાંથી હાથ આવે ? એ તો જ્યારે અનુભવજ્ઞાન થાય ત્યારે હાથ આવે. અનુભવજ્ઞાનની વાત જુદી છે ને એના સાંભળનારા ને કહેનારા જુદા છે; આ વાત બધાયને ન સમજાય. ઉપાસના સમજવી તથા મૂર્તિમાં જોડાઈ જવું તથા મોટાનો મહિમા સમજવો તે કાંઈ રમતવાત નથી. અહીંથી ને અહીંથી જ કાંઈક ખોટ દેખીને લઈ જાય ને પછી કહે જે આમ હતું, આમ હતું. એટલે ભાભો તો ગંગામાં નાહી રહ્યા. આ લોકનું મહારાજને અને મોટાને બરાબર કરતા આવડતું નથી, તે બરાબર ન કરે તેનો અવગુણ લે જે, એ તો આમ કરે છે, ને ઘરમાં છોકરાં દિશાએ જાતાં હોય ને મૂતરતાં હોય તેનું કાંઈ નહિ, અને સાધુમાં ને મોટા મુક્તમાં દોષ કાઢે એવા જીવના સ્વભાવ છે. એવાનો જોગ થાય તો મહારાજના ને મુક્તના દોષ કાઢીને અવગુણ લેવરાવીને જીવનું ભૂંડું કરે. આ સભામાં પણ કોઈક એવા હશે તે મોટાની ને સાધુની ક્રિયામાં દોષ પરઠતા હશે તેને શું મળે ? જે કંઈક પૂર્વનું હશે તે પણ ખોઈને જવાના ! ઉદ્ધવજીએ વૃક્ષ-વેલીનો અવતાર માગ્યો ! એવો મહિમા શ્રીકૃષ્ણનો જાણ્યો. માંડવીના રામકૃષ્ણભાઈને જ્યારે આ વાત સમજાણી ત્યારે મુખમાં ખડ લઈને કણબીનો અવતાર માગ્યો અને એમ બોલ્યા જે, આ લક્ષ્મીરામભાઈ તમારો સમાગમ કરવા આવતા ત્યારે મને સંશય થતો જે, આવા પંડિત થઈને કણબીનો જોગ શું કરતા હશે ? પણ આજ તમારો મહિમા સમજાણો. અને તમે કાંઈ દેવને દર્શને આવ્યા નથી, અમારે માટે આવ્યા છો, એવા તમે મોટા છો માટે મારું કલ્યાણ આ ફેરે જ કરો; અને જો જન્મ આપો તો તમારી કણબીની નાતમાં આપજો એમ માગ્યું.

છપૈયામાં નારાયણસર તળાવ ઉપર શિવ રજમાં લોટ્યા ત્યારે પાર્વતીએ પૂછ્યું જે, અહીં કેમ લોટો છો ? ત્યારે શિવ બોલ્યા જે, અહીં અક્ષરધામના પતિ રમ્યા છે ને આ નારાયણસરમાં નાહ્યા છે તે પ્રસાદી છે અને હું નિત્ય અહીં આવીને આ રજ માથે ચઢાવું  છું ને આ સરોવરમાં નાહું છું. ત્યારે પાર્વતીએ કહ્યું જે, કેટલાં વર્ષની વાત કહો છો ? ત્યારે શિવજીએ કહ્યું જે, હમણાંની જ વાત છે. ત્યારે પાર્વતીએ કહ્યું જે, એ ભગવાનનાં મને દર્શન કરાવો. પછી શિવજીએ કહ્યું જે, એ તો વનમાં વિચરે છે. ત્યારે પાર્વતીએ કહ્યું જે, વનમાં ચાલો. પછી વનમાં ગયા ને દર્શન કરાવ્યાં. તે વખતે મહારાજને વનમાં અન્ન, જળ, ફળ કાંઈ મળ્યું નહોતું અને અષ્ટસિદ્ધિઓ ને નવનિધિઓ અને રાધિકા, લક્ષ્મી આદિક થાળ લઈને વાંસે ફરતા ને પ્રાર્થના કરતા જે, હે મહારાજ ! આ અમારી સેવા દયા કરીને અંગીકાર કરો, તોપણ મહારાજ સામું ન જોતા હતા. એવી રીતે શ્રીજીમહારાજનાં દર્શન શિવજીને અને પાર્વતીને થયાં, ત્યારે શિવજીએ કહ્યું જે, આ અક્ષરધામના પતિ પુરુષોત્તમ ભગવાન છે; પછી પાર્વતીએ દર્શન કર્યાં. એવામાં એક કૂવો આવ્યો ત્યાં મહારાજ નાહ્યા ને વિષ્ણુને નવરાવ્યા. તે નવરાવતાં વિષ્ણુ પાણી પી ગયા અને શિવજીએ સાથવો ને મીઠું આપ્યાં તે વિષ્ણુને જમાડીને જમ્યા. માટે જેવી નારાયણસરમાં પ્રસાદી હતી એવી જ આ રજ છે. જેવી શ્રીજીમહારાજની તેવી જ તેમના મુક્તની; પણ જેમ શાહુકારનાં છોકરાં હોય તે દુકાનમાં તો ઘણાંય પકવાન પડ્યાં હોય પણ જમે નહિ, તેમ આ સભાનો મહિમા નહિ જાણે તેને એવું છે. ભગવાનની મૂર્તિમાં જોડાઈ રહેલા ધર્મ-નિયમે યુક્ત એવા આ સાધુનો છાંટો પડે તો કહે જે, મારા પત્તરમાં છાંટો પડ્યો, પણ મોટા અવતારોને પણ ન મળે એવી પ્રસાદી મને મળી એમ ન થાય. ।। ૨૦૦ ।।