વાર્તા ૪૬
વૈશાખ સુદ ૩ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ લાડો પરણાવવા જાય તે લાડાને પડ્યો મૂકીને જાય તો કોઈ ખાવા આપે નહિ; તેમ વ્રત, જપ, તપ, દાન, પૂજા આદિક ઘણા ગુણ શીખે, તોપણ લાડો જે શ્રીજીમહારાજની મૂર્તિ તે ન આવી તો કાંઈ સુખ ન મળે; માટે આ લોકમાંથી લૂખા થાવું. આજ અક્ષરધામમાંથી જાન આવી છે, તેમાં પતિ મહારાજ છે ને જાનૈયા મુક્ત છે, તેની ખુમારી રાખવી. મહિમા જાણ્યો હોય તો ખુમારી ઘણી રહે, કેમ જે અક્ષરધામના ધામી શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાન તેમનો ચાંલ્લો આવ્યો તે વાત તે કેવડી મોટી ! આ લોકમાં રાજા શૂદ્ર ભિખારણ ને રાણી કરે તો તેને કેટલો કેફ રહે છે ! તો આપણને તો અવિનાશી વર મળ્યા માટે તે રાખવા અને બીજું બધું ખોટું કરવું. દેહનું ખોટું કરીએ તો બીજું બધું ખોટું થઈ જાય અને જો ખોટું ન કરે તો વાંધો ઘણો રહી જાય. પરીક્ષિતનો સાત દિવસમાં શુકજીએ મોક્ષ કર્યો તો આજ તો આત્યંતિક મોક્ષ કરનારા મળ્યા છે. લાખ વર્ષ સુધી શાસ્ત્ર વાંચે ને સાંભળે પણ તેમાં કાંઈ કામ ન થાય. જો વક્તા સર્વોપરી મળે તો ક્ષણ વારમાં કામ કરે. જે મોક્ષ કરે તે શુકજી જાણવા. આવો મહિમા મોટાનો સમજાય તો મોટા જે સ્થાનમાં ને જે સ્થિતિમાં ને જે સુખમાં રહ્યા છે તે સ્થાનમાં ને તે સ્થિતિમાં ને તે સુખમાં રાખે છે. જો સાધનિકને તે સુખ જોઈતું હોય તો માન ટાળવું, પણ પૂજાવાની કે ગાદી-તકિયાની કે મોટેરા થવાની ઇચ્છા ન રાખવી. વગર ઇચ્છે મળે તોપણ રાજી ન થાવું. આસક્તિવાળાને વાટ જોવી પડે જે, મને આ વસ્તુ મળશે કે મને બોલાવીને પૂછશે, એમાં મૂર્તિ ભૂલી જવાય. મળવું ન મળવું તે તો શ્રીજીમહારાજના હાથમાં છે. આપણા સંકલ્પે કાંઈ કામ થાતું નથી. શ્રીજીમહારાજ આપણને હાથીએ બેસાડે કે ગધેડે બેસાડે તેમાં સરખા સુખી રહેવું. આપવું-લેવું તે તો મહાપ્રભુજીના હાથમાં છે. મહાપ્રભુજીની મૂર્તિ ભૂલવી નહિ, મૂર્તિ ભૂલીને બીજું ઇચ્છે તે મોટી મૂર્ખાઈ છે. ।। ૪૬ ।।