વાર્તા ૪૨
જેઠ સુદ ૪ને રોજ બપોર પછી શ્રી કાકરવાડીએ બાપાશ્રી તથા સંત-હરિજન સર્વે નાહવા ગયા હતા. ત્યાં નાહીને માનસીપૂજા કરીને પછી બાજરાનો પોંક ને સાકર શ્રી ઠાકોરજીને જમાડીને સર્વે સંતને વહેંચી આપ્યો. પછી સર્વે સંતને પૂછ્યું જે, તમને સર્વેને આ સમાગમથી કેટલો ફેર પડ્યો ? પછી સર્વેએ પોતપોતાને જેટલો સમાસ થયો હતો તેટલો કહી દેખાડ્યો. પછી સર્વેને વર આપ્યો જે, તમારું સર્વે નાના-મોટાનું બધાયનું સરખું કામ કરશું. નાના-મોટા જોવા નથી. સર્વેને સરખું સુખ આપીશું. તમો સર્વે તમારો છેલ્લો જન્મ જાણજો, એમ સર્વેને આશીર્વાદ આપીને પરસ્પર દંડવત કરીને મળ્યા. ત્યાંથી ચાલ્યા તે મંદિરમાં ગયા ને કહ્યું જે, તમો બાજરો ઊગ્યો ત્યારે આવ્યા હતા અને કહ્યું હતું જે, આ બાજરાનો પોંક અમને જમાડીને અહીંથી બીજે જવાની આજ્ઞા કરજો. તે પોંક થયો તે તમને જમાડ્યો, માટે આજ નારાયણપુર જાઓ; અમો સવારમાં ત્યાં આવીશું. સર્વે સંત-હરિજન નારાયણપુર ગયા અને બીજે દિવસે એટલે સુદ ૫મે પોતે નારાયણપુર પધાર્યા. સાંજના નારાયણપુરના મંદિરની વાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને પ્રેમજીભાઈની બાજરીમાં માનસીપૂજા કરી મંદિરમાં આવ્યા. બીજે દિવસે એટલે સુદ ૬ને રોજ સાંજના મંદિરની વાડીએ નાહવા ગયા, ત્યાં નાહ્યા અને માનસીપૂજા કરી. પછી પ્રેમજીભાઈ બાજરાનો પોંક લાવ્યા તે સર્વેને આપ્યો અને ત્યાંથી મંદિરમાં આવીને સર્વે સંતોને કહ્યું જે, તમો સવારે પાછલી રાત્રે ચાલશો તો સ્વામી શ્રી અક્ષરજીવનદાસજી માધાપરમાં છે, તે સવારમાં વહેલા ભૂજ જતા રહેશે તો તમારે દર્શન થાશે નહીં. તમો આગલી રાતના દસ વાગે ચાલો તો તમારા ભેળા થાશે. પછી સંત સર્વે રાત્રિએ મળીને નીકળ્યા, તે વખતે વાત કરી જે, આ ફેરે તમને અમોએ બહુ સુખ આપ્યું છે. પછી સંત-હરિજન ચાલ્યા તે સવારે માધાપર વહેલા પહોંચ્યા. સ્વામી શ્રી અક્ષરજીવનદાસજી ત્યાંથી ભૂજ જવા તૈયાર થયા હતા તે રહ્યા અને ત્યાં રસોઈ કરાવી. શ્રી ઠાકોરજીને જમાડીને સર્વે નીકળ્યા અને સ્વામી ભૂજ પધાર્યા અને સંત-હરિજન સર્વે સિનોગરે થઈને પછી ગુજરાત તરફ આવ્યા. ।। ૪૨ ।।