વાર્તા ૧૧૫

ભાદરવા વદ ૧૩ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને બાવળ નીચે બેસી માનસીપૂજા કરી.

પછી બાપાશ્રીએ વાત કરી જે, કપડવંજમાં ગણેશભાઈએ દેહ મૂક્યો તે વખતે અનાદિ મહામુક્તરાજ સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામી મંડળે સહિત અહીં મંદિરમાં હતા. તે સવારમાં સાધુએ એક કલાક સુધી કથા વાંચી, ત્યાં સુધી તે ધ્યાનમાં બેઠા હતા; અને પછી ધ્યાનમાંથી જાગીને એક કલાક વાતો કરી. પછી બોલ્યા જે, “કપડવંજમાં ગણેશભાઈએ અમારી પાસે વર માગ્યો હતો જે અંત વખતે દર્શન આપીને તેડી જજો. તેમણે આ ટાણે દેહ મૂક્યો ને તેમને મહારાજના સુખમાં મૂકી દીધા.” એવો મોટાનો પ્રતાપ છે. એટલી વાત કરીને પછી પરસ્પર દંડવત કરીને મળ્યા અને સર્વે મંદિરમાં આવ્યા ને ગોડી બોલ્યા. પછી આરતી કરી અને સંતો “સખી ગોકુળ ગામના ચોકમાં રે” એ કીર્તન ગાવા લાગ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પંચાળામાં ઝીણાભાઈના દરબારમાં શ્રીજીમહારાજે સંતોને રાસ રમાડ્યા હતા. તે સમયે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું હતું જે, “તમે આજ નવું કાવ્ય કરો ને સંતોને ઝિલાવો.” ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ આ કીર્તન પહેલું ઝિલાવ્યું હતું. તે વખતે શ્રીજીમહારાજની એવી ઇચ્છા હતી કે આજ કળિયુગ કાઢીને સત્‌યુગ બેસારી દેવો છે, એવડી રાત્રિ કરવી છે; અને સાત ફેર સંતોના કરાવ્યા હતા. પછી સંતો ગાતાં ગાતાં થાકી ગયા. પછી બ્રહ્માનંદ સ્વામીએ એક સંતને કહ્યું જે, “મહારાજ તો બંધ રખાવશે નહિ ને સંત સર્વે થાકી ગયા છે અને આવતી કાલે ફૂલદોલ છે તેથી ગાવું પડશે; માટે તમે આપણા ઉતારામાં જઈને “ચોર, ચોર” એમ બૂમ પાડો એટલે સર્વે વીખાઈ જાય. પછી તે સંતે બૂમ પાડી તેથી સર્વે સંત વેરાઈ ગયા. પછી શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, તમે રંગમાં ભંગ કર્યો, કેમ જે અમારે આજ કળિયુગ ઉત્થાપીને સત્‌યુગ સ્થાપવો હતો. તે અર્ધો કળિયુગ ગયો અને અર્ધો કળિયુગ રહી ગયો, એટલે બે લાખ ને સાડા તેર હજાર વર્ષ ગયા એવડી રાત્રિ કરી અને આ સંતોના સાત ફેર કર્યા હતા, તેમાં સૌથી પહેલો અક્ષરધામમાં અમારા સમીપમાં રહેલા પરમ એકાંતિકમુક્તનો હતો. અને બીજો મૂળઅક્ષરકોટિનો હતો, ત્રીજો વાસુદેવબ્રહ્મકોટિનો હતો, ચોથો ગોલોકનો હતો, પાંચમો પ્રધાનપુરુષનો હતો, છઠ્ઠો વૈકુંઠલોકનો હતો અને સાતમો આ મર્ત્યલોકનો હતો; એમ અનુક્રમે સાત ફેર કર્યા હતા. એમ શ્રીજીમહારાજે વાત કરી હતી. ।। ૧૧૫ ।।