વાર્તા ૨૩૭

જેઠ સુદ ૭ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો લખાઈવાડીએ નાહવા ગયા. નાહીને આંબાના વૃક્ષ નીચે બેસી માનસીપૂજા કરી.

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ” એ ચાર પદ છે. તેમાં પાછલાં બે પદ “મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ.” શ્રીજીમહારાજ બોલ્યા છે, અને આગલાં બે પદ “આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ.” પ્રેમાનંદ સ્વામી બોલ્યા છે. પછી પ્રથમ પ્રકરણનું ૨૪મું વચનામૃત વંચાતું હતું. તેમાં પ્રણવ ને નાદની વાત આવી. ત્યારે સાધુ અક્ષરજીવનદાસે પૂછ્યું જે, પ્રણવ અને નાદ શું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ અગ્નિનો ભડકો જબરો હોય તેનો ઘોષ થાય છે તેમ શ્રીજીમહારાજની મૂર્તિમાંથી ઝળેળાટ તેજ નીકળે છે તેનો ઘોષ થાય છે તે પ્રણવ અને નાદ કહેવાય. ત્યારપછી વાત કરી જે, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ જાણવા જોઈએ. જેમ કે, “એક પટેલ પૂજા કરતો હતો તેને ઘેર એક જણે આવી પૂછ્યું જે, પટેલ ક્યાં ગયા છે ? ત્યારે તેના દીકરાની સ્ત્રીએ કહ્યું જે પટેલ ચર્મકારને ત્યાં ગયા છે. ત્યારે તે કહે જે, હું પૂજા કરું છું અને એમ કેમ કહો છો ? ત્યારે બાઈ બોલી જે, તમે ચામડું લેવા જવાનો સંકલ્પ કરો છો ને ? ત્યારે કહે જે, હા ખરું.” એમાં પૂજા કરતા હતા તે વાચ્યાર્થ છે અને ચર્મકારને ત્યાં ગયા છે એ લક્ષ્યાર્થ કહેવાય. શ્રીજીમહારાજની મૂર્તિની સ્મૃતિ રાખતાં વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થમાં જવાય અને ત્રણે અવસ્થામાં મૂર્તિમાં તેલધારાની પેઠે સાક્ષાત્‌ જોડાઈ જાય એ લક્ષ્યાર્થ ખરો કહેવાય. લક્ષ્યાર્થ-વાચ્યાર્થ જ્ઞાન જાણવું જોઈએ. કેટલાક કથા શીખે તેથી કાંઈ ન થાય. પછી તલ-ટોપરાની તથા મગફળીની પ્રસાદી વહેંચી ને પછી કેશ ઉતરાવ્યા ને પછી નાહ્યા. પછી કેરીની પ્રસાદી વહેંચી ને વહેંચતા બોલ્યા જે, “થોડું જમ્યામાં ઘણું સારું રે બેની” એ ટૂંક બોલ્યા. પછી અરસપરસ બાપાશ્રી તથા સંત-હરિજનોએ ચંદન ચર્ચ્યાં. પછી મળ્યા ને મંદિરમાં આવ્યા. બીજે દિવસે નીકળ્યા તે સંત-હરિજન સર્વે ગુજરાત તરફ આવતા હતા. ।। ૨૩૭ ।।