વાર્તા ૧૯૮

સંવત ૧૯૭૪માં જેઠ માસમાં શ્રી વૃષપુરથી બાપાશ્રીના ત્રણ કાગળો સ્વામી ઈશ્વરચરણદાસજી ઉપર આવ્યા જે, તમે તરત આવો, તમારું જરૂરનું કામ છે. તેથી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો ગુજરાતથી કચ્છમાં ગયા ને અષાડ સુદ ૧ને રોજ દિવસ આથમતી વખતે વૃષપુરના મંદિરમાં પહોંચ્યા. ત્યાં કૂવા ઉપર બાપાશ્રી ઊભા હતા, તે મળ્યા અને કહ્યું જે, એક માસથી તમારી વાટ જોતા હતા, પણ તમે વાર ઘણી લગાડી. અમારે મંદવાડ ગ્રહણ કરવો હતો, તે આજ સુધી ખમ્યા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, વિશોતપરામાં મંદિરની તકરાર છે તેથી રહેવું પડ્યું હતું, પણ આપનો ત્રીજો કાગળ આવ્યો તેથી તરત આવ્યો. પછી આરતી થઈ તે આરતી કરીને બેઠા ને બાપાશ્રીએ તાવ ગ્રહણ કર્યો તે ત્રણ દિવસ સુધી ઊલટી ને ફેરો રાખ્યો ને પછી ઊંડા ઊતરી ગયા, તે છ દિવસ સુધી બહાર આવ્યા નહીં. પછી અષાડ સુદ ૯ને રોજ નેત્ર ઉઘાડીને બોલ્યા જે, ધનજીભાઈને નારાયણપુરથી તેડાવો. પછી તેમને તેડવા માણસ મોકલ્યું, પણ તે ઘેર નહોતા તેથી દસમને દિવસે સવારે આવ્યા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, ધનજીભાઈ આવ્યા. પછી બાપાશ્રી નેત્ર ઉઘાડીને બોલ્યા જે, અમારો ખાટલો ઘેર લો, પછી ઘેર લઈ ગયા. પછી ઘેર જઈને પોતાને જે કાંઈ પોતાનાં સગાંવહાલાંને તથા ગરીબ સત્સંગીને દેવું હોય તે, તથા ભૂજના ઠાકોરજીની સેવા, તથા પારાયણ કરાવવી તથા બેય દેશમાં રસોઈઓ દેવી ઇત્યાદિક સર્વે મળી કોરી ૨૮,૦૦૦નું વીલ કર્યું. અને બારસને દિવસે સવારે સૌ સંત-હરિજનો પાસે રજા માગી જે અમે આજ બાર વાગે અંતર્ધાન થઈશું. માટે સૌ સંતો થાળ કરીને જમાડો ને પારણાં કરો અને હરિભક્તોને આજ્ઞા કરી જે, મોટા મોટા હોય તે ઘેર રહેજો, અને પૂજારી રામજી ભક્તને કહ્યું જે, તમે હાર ગૂંથી લાવો. પછી અમદાવાદ, મૂળીના સંત પચાસ તથા ભૂજના બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી તથા કચ્છ, ગુજરાત, ઝાલાવાડના હરિજનો હતા તે સર્વે ઉદાસ થઈ ગયા. સંતોએ ઠાકોરજીનો થાળ પણ કર્યો નહિ ને અગિયાર વાગી ગયા ત્યાં સુધી સૌએ પ્રાર્થના કરી જે, અમારા ઉપર કૃપા કરીને હમણાં દર્શન આપો. પછી બાપાશ્રી બહુ દયા લાવીને બોલ્યા જે, “હેત જોઈ હરિજનનાં, વહાલો પોતે થયા પ્રસન્ન.” જાઓ, શ્રીજીમહારાજે તમારી પ્રાર્થના સાંભળીને અમને રાખ્યા; તમે રસોઈ કરો, અમે રહીશું. પછી હરિજનોને કહ્યું જે, જાઓ, સૌ પોતપોતાનું કામ કરો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, આપનો ખાટલો મંદિરમાં લઈએ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે ભલે, મંદિરમાં લો. પછી મંદિરમાં લાવ્યા ને ઠાકોરજીનો થાળ કરીને બાપાશ્રીને જમાડ્યા ને સર્વે સંત-હરિજનો જમ્યા અને બાપાશ્રીએ મંદવાડ કાઢી મૂક્યો.

પછી તો બાપાશ્રીને સંત-હરિજનો નિત્યે માંચીએ બેસારીને છત્રીએ લઈ જતા ને કોઈક દિવસ વાડીએ લઈ જતા. તે મંદવાડ સાંભળીને ઝાલાવાડ, ગુજરાતના ઘણા સંતો તથા હરિજનો આવતા હતા. ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, સંત ને હરિજનો ઘણા આવ્યા છે, માટે આપણે પારાયણ કરવાની છે તે હમણાં જ કરીએ અને કંકોત્રીઓ લખીએ એટલે થોડાઘણા રહી ગયા હશે તે પણ આવશે. પછી કંકોત્રી લખી મોકલીને શ્રી નિર્ગુણાનંદજી બ્રહ્મચારીએ “શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર” નામનો ગ્રંથ કર્યો છે, તેની પારાયણ સાત દિવસની કરાવીને તેની સમાપ્તિ અષાડ વદ ૦)) અમાસને રોજ કરી. તે દિવસે છત્રીએ રસોઈ કરાવી અને હરિભક્તોને માટે છત્રીની ઉગમણી બાજુએ તલાવડીમાં રસોઈ કરવાનું કહ્યું, પણ ત્યાં સંકડાશ પડે એટલા માટે હરિભક્તોએ છેટે ખેતરમાં આગલે દિવસે માંડવા બાંધી રાખ્યા હતા ને ચૂલા કરી નાખ્યા હતા. તેમને સ્વામી ઈશ્વરચરણદાસજી તથા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી પાસે કહેવરાવ્યું જે, વાયુ અતિશે આવશે ને માંડવા ઊડી જશે અને રસોઈમાં અટાર ઊડીને પડશે ને તમને સુખ નહિ આવવા દે માટે છત્રીની ઓથે તલાવડીમાં રસોઈ કરો પણ હરિભક્તોએ માન્યું નહીં. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! તલાવડીમાં ઘણા માણસો હરતા-ફરતા હોય તે ઠેકાણે બહુ સંકડાશ પડે એવું છે માટે પવનને ના પાડો જે વિઘ્ન કરે નહીં. પછી બાપાશ્રી બોલ્યા જે, ઠીક ત્યારે પવનને ના પાડશું. પછી રસોઈ કરી સંત-હરિજનો સૌ સૌને ચોકે જમ્યા અને બાપાશ્રી પણ સંતની પ્રાર્થનાથી થોડુંક જમ્યા. પછી સાંજના મંદિરમાં આવ્યા. બીજે દિવસે પરદેશથી આવેલા હરિભક્તોમાંથી કેટલાક સૌ સૌને ગામ ગયા અને થોડાક હરિજનો તથા બધાય સંત બાપાશ્રીની સેવામાં રહ્યા હતા. અને વચનામૃતની ટીકાની કથા સાંજ-સવાર હંમેશાં શ્રી વૃષપુરના મંદિરમાં થતી હતી. અને સાંજ વખતે માંચીએ બેસીને એક દિવસ વાડીએ ને એક દિવસ છત્રીએ જતા એમ નિત્ય લીલા કરતા.

એક દિવસે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પ્રાર્થના કરી જે, આપ અંતર્ધાન થવાના હતા તે દયા કરી રહ્યા એ મોટો કાળ તો કાઢ્યો, પણ હવે એક બીજો કાળ રહ્યો છે તેને કૃપા કરીને કાઢી મૂકો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ કાળને પણ લત હણીશું તે જતો રહેશે, અને વરસાદ આવશે ને ઘઉં-ચણા સાજા દેશમાં ઘણા થશે, અને પશુને ખાવાને ખડ પણ થાશે, અને કપાસ પણ થાશે, પછી બધું તે પ્રમાણે થયું હતું.

એક દિવસ બાપાશ્રી છત્રીએ પધાર્યા ત્યારે માંચી તૈયાર કરી પણ બેઠા નહિ ને ચાલ્યા તે આગળ છત્રી આવે છે ત્યાં સુધી ચાલ્યા ને પછી માંચીએ બેઠા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા મંદિરમાંથી કેમ ન બેઠા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ લાલુભાઈને તથા મહાદેવભાઈને સંકલ્પ થયો હતો જે, બાપાશ્રી આ ગામ બહાર દહેરી છે ત્યાં સુધી ચાલે એવા સાજા થાય ત્યારે આપણે કરાંચી જાવું, તેથી ચાલ્યા અને હવે એમને રજા આપીશું. પછી છત્રીએ જઈને નાહીને માનસીપૂજા કરીને પછી સંત ચંદન ઘસી લાવ્યા હતા, તેણે કરીને સર્વેએ બાપાશ્રીની પૂજા કરી; પછી બાપાશ્રીએ સર્વેની પૂજા કરી. પછી મંદિરમાં આવ્યા અને લાલુભાઈ, મહાદેવભાઈ આદિ કરાંચીના હરિજનોને રજા આપી જે તમારો સંકલ્પ પૂરો કર્યો માટે હવે તમો કરાંચી જાઓ. પછી તેમણે ઓરતો કર્યો જે આવો સંકલ્પ આપણે કર્યો તે બહુ ખોટું કર્યું, કેમ જે આવો જોગ ને દર્શન મૂકીને જાવું પડશે. પછી આંખમાં હેતનાં આંસુ લાવ્યાં ને બહુ દિલગીર થયા ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, અમે કચ્છમાં જ રહીએ છીએ એમ ન જાણશો, કરાંચીમાં પણ છીએ. અમે તો શ્રીજીમહારાજ ભેળા સત્સંગમાં મૂર્તિમાન રહ્યા છીએ, માટે તમો જાઓ. અમે તમારા ભેળા સદાય છીએ; પછી હરિભક્તો ગયા.

શ્રાવણ સુદ ૧૧ને રોજ સવારે બાપાશ્રી છત્રીએ પધાર્યા. અને ત્યાં વચનામૃતની ટીકાની કથા કરાવી. અને સાધુ મુક્તવલ્લભદાસજી ચંદન ઘસીને લાવ્યા હતા તે બાપાશ્રીને ભાલે સંત-હરિજનોએ ચર્ચ્યું. પછી બાપાશ્રી બોલ્યા જે, આ અક્ષરધામમાં દિવ્ય ચંદન ચર્ચ્યાં છે, પણ આ લોકનું ચંદન નથી એમ જાણજો. આ ચંદનનો છાંટો જેને અડશે તેને અક્ષરધામમાં લઈ જઈશું, તેમ કહીને મળ્યા, ને પછી સૌ સંત-હરિજનો સહિત મંદિરમાં પધાર્યા.

શ્રાવણ સુદ ૧૫ને રોજ બાપાશ્રી સૌ સંત-હરિજનોએ સહિત છત્રીએ પધાર્યા. ને ત્યાં વચનામૃતની કથા વંચાવી અને સાધુ દેવજીવનદાસજી આદિ સંત ચંદન ઘસી લાવ્યા હતા, તેણે કરીને સૌ સંત-હરિજનોએ બાપાશ્રીની પૂજા કરીને હાર પહેરાવ્યા. પછી બાપાશ્રીએ સર્વેને ચંદન ચર્ચ્યું ને સર્વેને મળીને મંદિરમાં પધાર્યા.

શ્રાવણ વદ ૧૧ને રોજ સવારે બાપાશ્રી છત્રીએ પધાર્યા ને વચનામૃતની ટીકાની કથા કરાવીને પુસ્તકની પ્રશંસા કરી. પછી સંત-હરિજનોએ બાપાશ્રીને ચંદન ચર્ચીને હાર પહેરાવ્યા ને બાપાશ્રી પણ સર્વે સંત-હરિજનોને ચંદન ચર્ચીને મળ્યા ને પછી મંદિરમાં પધાર્યા.

શ્રાવણ વદ ૦)) અમાસને રોજ બાપાશ્રી માંચીએ બિરાજીને સંત-હરિજનોએ સહિત કાકરવાડીએ પધાર્યા, ત્યાં સંતોએ સહિત નાહ્યા ને માનસીપૂજા કરી. પછી વચનામૃતની ટીકાની કથા વંચાવીને પરસ્પર ચંદન-પુષ્પના હારથી પૂજા કરીને સર્વેને મળીને પાછા મંદિરમાં પધાર્યા.

સામવેદી શ્રાવણીને દિવસે બાપાશ્રી સંત-હરિજનોએ સહિત છત્રીએ પધાર્યા ને ત્યાં વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહિત કથા વંચાવીને પછી સર્વે સંતોને જનોઈઓ પહેરાવીને બોલ્યા જે, આ અક્ષરધામની દિવ્ય જનોઈઓ છે. પછી સંતોએ બાપાશ્રીની ચંદન-પુષ્પના હારથી પૂજા કરી અને બાપાશ્રીએ પણ સર્વેની એવી રીતે પૂજા કરી. અને તાંસળાં ભરી ભરીને ચંદન છાંટ્યું અને બોલ્યા જે, આ સર્વેને વર્તમાન. જેવો પર્વતભાઈએ યજ્ઞ કર્યો હતો એવો આ યજ્ઞ છે. આ યજ્ઞમાં જે જે આવ્યા છે તે સર્વેનો આત્યંતિક મોક્ષ થઈ ગયો. એમ હજારો હજાર સંત-હરિજનોને કૃપા કરીને વર આપ્યો ને પછી સૌ મંદિરમાં પધાર્યા.

ભાદરવા સુદ ૫ને રોજ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાની કથાની સમાપ્તિ થઈ. તે વખતે બાપાશ્રીએ વચનામૃત સટીકની પૂજા કરીને સર્વે સંતોને ધોતિયાં ઓઢાડ્યાં. તે દિવસે રામપુરાના મેરાઈ ખીમજી ભક્ત તથા પરમાર ડાહ્યા ભક્ત તથા વાલજીએ સમાપ્તિ નિમિત્તે રસોઈ આપી. પછી અમદાવાદ, મૂળીના સંતોને તથા પરદેશના સર્વે હરિભક્તોને રજા આપી, તેથી સત્સંગીઓ સૌ સૌને ગામ ગયા અને સંત નારાયણપુર જવા નીકળ્યા. તેમને વળાવવા બાપાશ્રી ભાગોળ સુધી પધાર્યા હતા અને સ્વામી ઈશ્વરચરણદાસજીના સાધુ ઘનશ્યામદાસને તાવ આવ્યો હતો, તેમને બાપાશ્રીએ કહ્યું જે, કેમ, ધામમાં જવું છે ? ત્યારે તેમણે કહ્યું જે હા, બાપા ! મહારાજની મૂર્તિમાં મૂકી દો. પછી બાપાશ્રી ઘેર પધાર્યા ને સંત નારાયણપુર ગયા. ત્યાં બીજે દિવસે સાધુ ઘનશ્યામદાસે બપોરે જમીને પત્તર ધોઈને તથા તુંબડું કોરું કરીને ઝોળીમાં મેલ્યાં પછી દિશાએ જઈને નાહ્યા ને ઓસરીમાં આવીને બેઠા ને ધૂન કરવા લાગ્યા. બીજા ત્રીસ સંત જોડે હતા તે સર્વેએ ભેળી ધૂન પા કલાક સુધી કરી ને સાધુ ઘનશ્યામદાસજીએ દેહ મેલી દીધો અને સર્વે સંત ત્યાં પંદર દિવસ રહ્યા. ત્યાં બાપાશ્રી પધાર્યા અને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, આપણે મંદવાડમાં પારાયણ આદિકનો સંકલ્પ કર્યો હતો તે સર્વે કર્યું ને હવે રસોઈનું બાકી છે. તે રૂપિયા તમો લેવરાવતા જાઓ ને બેય દેશમાં રસોઈ દેજો. પછી તે રૂપિયા કલ્યાણ ભક્ત પાસે લેવરાવ્યા ને બેય દેશમાં રસોઈઓ દીધી. ।। ૧૯૮ ।।