વાર્તા ૭૨

ફાગણ વદ ૮ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને પરસ્પર મળ્યા ને માનસીપૂજા કરીને બાવળ નીચે સભા કરીને બેઠા. પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, સુષુપ્તિમાં જીવ જાય છે, ત્યારે ઘણા પ્રકારનાં દુઃખ હોય તે સર્વે નિવૃત્તિ પામી જાય છે ને સુખિયો થઈ જાય છે. એવું સુખ તો સુષુપ્તિમાં રહ્યું છે તો મહારાજના સુખનો તો પાર જ ક્યાંથી પમાય ? એ સુખ મોટા મોટા મુક્તો મૂર્તિમાં ભેળા રહીને લીધા જ કરે છે, અને જેને મોટાનો તથા સર્વ સત્સંગનો જ્યારે મહિમા જણાય ત્યારે મોટા તેને એ સુખ આપે છે.

એક દિવસ ગઢડામાં શ્રીજીમહારાજ સભા કરીને વિરાજમાન હતા. તે વખતે શ્રીજીમહારાજ બોલ્યા જે, આજ તો અક્ષરધામની સભા કરવી છે. એટલામાં તો સાધુની સભામાં પાછળ બેઠેલા નાના સાધુના દેહમાંથી અને હરિજનોની સભામાં પાછળ બેઠેલા હરિજનોના દેહમાંથી તેજ છૂટવા લાગ્યું. તે સર્વત્ર તેજ તેજ થઈ રહ્યું. તે જોઈને આગળ ગાદી-તકિયે બેઠેલા મોટા મોટા સંતો તથા આગળ બેઠેલા મોટા મોટા હરિજનો સંકોચાવા લાગ્યા જે, આ તો આપણાથી બહુ મોટા છે, એમની આગળ કેમ બેસાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આગળ બેસવું એ તો આ લોકની રીતિ છે તે બેસવું તો ખરું, પણ દેહે કરીને નાના હોય તેમની મર્યાદા રાખવી, ને એમ જાણવું જે એ સર્વે મોટા છે પણ આપણને લોક-વ્યવહારે આગળ બેસાર્યા છે. આમાં સમજવાનું એ છે જે, આ લોકને વિષે મોટા કહેવાતા હોય ને ગાદી-તકિયે બેસતા હોય એથી કામ ન સરે. અને મુક્ત ગરીબ રહ્યા હોય પણ એક મિનિટમાં આત્યંતિક કલ્યાણ કરે. એમ વાત કરીને સર્વેને આશીર્વાદ આપ્યા જે, તમારો આજથી નવો જન્મ ને તમો ધ્યાન કરજો, તમારી સહાયમાં અમે છીએ, તે ધ્યાનમાં સહાય કરીશું ને જેવાં અમારે છે તેવાં જ સુખ તમને શ્રીજીમહારાજ પાસે અપાવીશું ને આપણે ભેળા સુખ ભોગવીશું. પછી પરસ્પર દંડવત કરીને સર્વેને મળ્યા ને માથે હાથ મૂક્યા ને બહુ જ રાજી થયા. પછી કાકરવાડીથી મંદિરમાં આવતાં માર્ગમાં વાત કરી જે, આ બાવળ નીચે આપણે બ્રહ્મયજ્ઞ કરીએ છીએ માટે એનું પણ કામ થઈ ગયું. ।। ૭૨ ।।