વાર્તા ૧૨૦

આસો સુદ ૨ને રોજ સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મહિમા સમજવાનો શો ઉપાય છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રદ્ધા સહિત શ્રીજીમહારાજનાં વચન પાળવા માંડે તે જેમ જેમ પાળતો જાય એટલે વચનમાં વર્તતો જાય તેમ તેમ અંતરમાં સિદ્ધતા થાતી જાય ને બ્રહ્મભાવને પામતો જાય ને સાક્ષાત્‌ શ્રીજીમહારાજના સુખનો અનુભવ થાય ત્યારે મહિમા જણાય. શ્રીજીમહારાજ ને મુક્ત સાક્ષાત્‌ બિરાજે છે એવું જણાતું નથી ત્યાં સુધી મહિમા સમજાય નહિ ને સુખમાં પણ ફેર રહે. એ તો જ્યારે અનાદિમુક્તનો જોગ કરીને મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે યથાર્થ મહિમા સમજાય. મહારાજનું સુખ તો બહુ જ જબરું છે, તે તો જો મોટાનો વિશ્વાસ રાખીને મંડે તો એ સુખની પ્રાપ્તિ થાય. મોટા તો દૃષ્ટિસેવને પણ સુખિયા કરે છે, મોટાની દૃષ્ટિથી સુખિયું થવાય છે. એકલા સાધનથી કેટલું થાય ? સાધન ભેળી મોટાની કૃપા જોઈએ. આજ તો શ્રીજીમહારાજે ચીંથરામાં રત્ન વીંટીને રાખી મૂક્યાં છે. તે મનુષ્યની પેઠે ખાવું-પીવું સર્વે વ્યવહાર મનુષ્યના જેવો હોય તે કેમ ઓળખાય ? આજ આ મોટાપુરુષ પૃથ્વી ઉપર બિરાજે છે તેમને સમાગમે કરીને એકાંતિક માર્ગ ઓળખાય છે. એવા મોટાપુરુષ પૃથ્વીમાંથી ચાલી નીકળે ત્યારે બહુ જ પસ્તાવો થાય માટે સમાગમ કરી લેવો.

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, અનાદિમુક્ત આ વાતો કરે છે તે આ એક જ છે કે સત્સંગમાં બીજે ઠેકાણે પણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ એક જ છે તે તમને મળ્યા છે. આવા બીજા સત્સંગમાં નથી.

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, તમે કોઈને વાતો કરો છો ને કોઈને પ્રસાદી આપો છો, કોઈ આવતા હોય તેના સામા જાઓ છો ને કોઈને વળાવવા જાઓ છો અને કોઈને કોઈ વસ્તુ જોઈતી હોય તે લાવી આપો છો એમ સેવા કરો છો તેનું શું કારણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એવી સેવાએ કરીને શ્રીજીમહારાજ રાજી થાય છે ને ઇનામ આપે છે એટલા માટે કરીએ છીએ અને બીજું સાધનિકને શીખવવા માટે કરીએ છીએ. પછી આસો સુદ ૩ને રોજ સર્વે સંત ભૂજ આવ્યા ને ત્યાંથી ગુજરાત તરફ આવ્યા. ।। ૧૨૦ ।।