વાર્તા ૧૫

વૈશાખ વદિ ૮ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, ભરવાડને હાથ હીરો આવ્યો હોય તો બકરીની કોટે બાંધે. અને તે હીરો વેચે તો એક પાવળું તેલ જ મળે, પણ જો તેના કીમતી મળે, અને હેમના પાત્રમાં મૂકે તો ચંદ્રની કિરણમાંથી બ્રહ્માંડ ભરાઈ જાય એટલું સોનું નીકળે માટે હેમના જેવું પાત્ર થવું જોઈએ. આપણે અક્ષરધામ સુધી કાંઈ ગણતરીમાં નથી એવડી મોટપ શ્રીજીમહારાજને તથા અનાદિમુક્તને પ્રતાપે કરીને આવી છે. આ સાચી વસ્તુ જે શ્રીજીમહારાજ અને મોટા અનાદિમુક્ત તે મળ્યા, તો મોટાં મોટાં સ્થાન જે બ્રહ્મકોટિ અને તેથી પર જે મૂળઅક્ષરકોટિ તે પણ ખોટાં થઈ ગયાં. આ સભામાં પડ્યા હોય તોપણ શ્રીજીમહારાજનો ને અનાદિમુક્તનો મહિમા જાણી શકે નહીં. કોઈકને મૂર્તિમાન મૂળઅક્ષર મનાણું છે અને કોઈકને તેથી પર જે શ્રીજીમહારાજનું તેજરૂપ અક્ષરધામ તે મનાણું છે અને કોઈકને તેથી પર જે પરમએકાંતિક તે મનાણું છે ને કોઈકને તેથી પર જે અનાદિમુક્ત તે મનાણું છે. તે આવા અનાદિમુક્ત સાથે મન બાંધવું તે ઉત્તમ છે. આ તો સામર્થી ઢાંકીને બેઠા છીએ, પણ જો પ્રગટ કરીએ તો તમે ઝીલી શકો નહીં. વડોદરામાં શાસ્ત્રીઓએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, તમારા મોટા મોટા સંતમાં કેવી સામર્થી છે ? પછી શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, તમારી સામર્થી થોડીક બતાવો. પછી બ્રહ્માનંદ સ્વામીએ મોટું સોનાનું પારણિયું બાંધી દીધું, ને તેમાં સૂર્ય, ચંદ્ર બેયને બે છેડે લટકાવ્યા, તારાનું ઝૂમખું વચ્ચે લટકાવ્યું ને રમવા મંડ્યા. એવી સામર્થી બતાવીને બોલ્યા જે, “આ તો હું છ મહિનાનો હતો ત્યારે પારણિયામાં સૂતે સૂતે સૂર્ય, ચંદ્ર ને તારા તેને લાંબો હાથ કરીને લાવીને પારણિયે બાંધીને લીલા કરી હતી તે બતાવી. આજની સામર્થીનો તો કાંઈ પાર આવે તેમ નથી.”

એવી સામર્થી તમારી પણ છે. આ સભાનું પ્રમાણ થાય તેમ નથી. આ તો અપાર છે. આ સુખ અંતરમાં ઊતરે તો દીવાના થઈ જવાય. આ સભામાં જે વાર્તા થાય છે તે ખરો મહિમા ન જાણ્યો હોય તેને અંતરમાં પેસે નહીં. જેવી છે તેવી સામર્થી જણાવીએ તોપણ થોડીક વાર મહિમા જણાય ને વળી પાછું ભૂલી જવાય. શ્રીજીમહારાજે કહ્યું છે જે, તમારી સામર્થી ને સ્વરૂપ એ તમને જાણ્યામાં આવ્યું નથી. મહારાજે અક્ષરધામની સભા કરી ને સમ ખાધા, તોપણ મનાય નહીં. આ સભા તેની તે છે; પણ બીજી નથી. તે મહિમા સમજાય તો સુખ આવે, પણ વેશ કરીને બેસીએ તો વેશમાં સુખ ન આવે. તે વેશ તે શું ? તો કંઠી, તિલક કરીને સત્સંગીનો વેશ લીધો ને ભગવાં લૂગડાં પહેરીને સાધુનો વેશ લીધો પણ સાધુનાં તથા સત્સંગીનાં લક્ષણ ન આવ્યાં હોય ત્યાં સુધી વેશ લીધો કહેવાય. માટે કંઠી ને તિલક એમ બે-ચાર પૈસાનો સત્સંગ ન કરવો. આત્માને વિષે શ્રીજીમહારાજ પધરાવવા, તો જ સત્સંગ કર્યો જાણવો. આ સભામાં કોણ બેસવા દે ? એ તો મોટાં ભાગ્ય તે બેસવા દે છે. આ સભા એવી છે. શ્રીજીમહારાજે પોતાની ને સંતની એટલે મુક્તની એક વાણી કહી છે ને એક મંડળ કહ્યું છે. માટે એક મંડળ કરવું, એટલે એક રુચિ કરવી. કોઈક શ્રીજીમહારાજના મહિમાની વાતો કરે ત્યારે ત્રાંસું ત્રાંસું થાવું નહીં. બળદ ત્રાંસા થાય તો ખીલી કે સમોલ ભાંગે ને ભોંય પડે. માટે તેમ નહિ કરતા એક મંડળ કરવું ને એક વાણી રાખવી. જુદા જુદા અભિપ્રાય ન રાખવા. એક વાણીમાં સુખ છે. એમાં શ્રીજીમહારાજની સહાયતા આવે છે. માટે સર્વેમાં શ્રીજીમહારાજ બિરાજે છે એમ જાણીને મહારાજનો ને મુક્તનો જે મહિમા મોટા કહે તે સત્ય માનીને એક વાણી કરવી. વાણીમાં કોમળતા રાખવી કે સર્વે રંજન થઈ જાય. એક મંડળ રાખવું ને એક સ્વરૂપ રાખવું તો શ્રીજીમહારાજ રાજી થાય. જ્યારે શ્રીજીમહારાજનાં વચન મનાય નહિ, તો આપણે શું એમના થયા ? ન થયા. મહાપ્રભુજીનાં વચન જેવાં બીજા કોઈનાં વચન માનવાં નહીં. વચનામૃતમાં જે વચન હોય તે સત્ય માનવાં. એમાં મોટા સદ્‌ગુરુઓના વચનની સાખ લેવી નહીં. વચનામૃતની સાખ બીજે લેવી. પણ વચનામૃતમાં બીજી સાખ ન લેવી. આ તો બહુ જબરી વાત છે. નવીન નવીન શબ્દ નીકળે છે. સ્વામિનારાયણ કહેવું તે પણ જેવા છે તેવા ઓળખીને કહેવાય તો ઠીક, અને સાધુને પણ ઓળખીને સાધુ કહેવાય તો ઠીક. સાધુને પણ ઓળખવા જોઈએ, પણ અઠે દ્વારકા કરીને બેસવું નહીં. મહાપ્રભુજીની મૂર્તિમાં રસબસ થયા હોય તેવા સાધુને ખોળી કાઢીને આપણે પણ મહાપ્રભુજીની મૂર્તિમાં રસબસ થઈ જવું; ત્યારે જ સુખ આવે. તે વિના તો સુખ ક્યારેય પણ ન આવે. એ સુખ પણ અનાદિમુક્ત દ્વારાએ સત્સંગમાં પ્રવર્તે છે; જેમ મેઘ વૃષ્ટિ કરીને ચાર ખાણના જીવોને સુખિયા રાખે છે તેમ. પાકશાળાના પીરસનારા અનાદિમુક્ત તથા પરમ એકાંતિકમુક્ત છે ને શ્રીજીમહારાજનું સુખ જીવોને આપે છે. કેવી રીતે ? તો, વાણીએ કરીને આપે છે, વાતેચીતે કરીને આપે છે, દૃષ્ટિએ કરીને આપે છે; સંકલ્પે કરીને આપે છે, પ્રસાદીએ કરીને આપે છે, મળવે કરીને આપે છે, એમ સુખિયા કરે છે. જેમ લોકમાં બાર વરસે કપિલા છઠ આવે છે. તેને માટે લોક તાકીને બેસે છે તેમ આ વખતે તમારે કપિલા છઠ આવી છે. મહદ્‌પર્વ આવ્યું છે તેને માટે તાકીને બેસવું. આ ગૌમુખીમાંથી શ્રીજીમહારાજનો રસ વરસે છે એટલે સુખ આવે છે, માટે તાકીને બેસે તો બહુ જ સુખિયા થવાય. ‘ભક્તચિંતામણિ’ના ૪૮મા પ્રકરણમાં શ્રીજીમહારાજે ત્યાગી-ગૃહીની સભા કરી હતી તેવી આ સભા છે. અક્ષરધામથી પણ પરની છે. એટલે મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તની આ સભા છે. તે છેલ્લા પ્રકરણના ૨૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે શ્રી ગોપાળાનંદ સ્વામીને અક્ષરધામમાં સભા છે તેથી પર કહ્યા છે. ।। ૧૫ ।।