વાર્તા ૨૫
વૈશાખ વદિ ૧૧ને રોજ સાંજે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મોટા મૂર્તિ આપી દે તો એમને શું કઠણ છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટા એકદમ મૂર્તિ આપી દે તો ઝુમખરામની પેઠે જીરવાય નહીં. માટે જીવને બોલાવે, પ્રસાદી આપે, વાતો કરે એમ કરે. જો એક જ ક્રિયા લાંબી ચલાવે તો તમોગુણ આવે ને શબ્દના સાંધા થઈ જાય એટલે યથાર્થ સમજાય નહીં. આજ એકાદશી છે તે કથા લાંબી ચલાવવી હતી પણ તમારાથી ખમાય નહીં. જેમ જીવ ખમે તેમ ક્રિયા કરીએ-કરાવીએ છીએ, પણ ઠરાવ તો મૂર્તિ આપવાનો જ છે. તે પાત્ર કરીને આપશું. સર્વે ક્રિયામાં મૂર્તિનું અનુસંધાન રાખવું અને બીજા વિધિ ઓછા કરવા; વિધિ કરવામાં વખત જાતો રહે તો ભજન, સ્મરણ, કથા-વાર્તા, જ્ઞાન, ધ્યાન તે સર્વે રહી જાય. ત્યાગ-વૈરાગ્યાદિક સાધન કુહાડાને ઠેકાણે છે, સંતનો સમાગમ તે વાંસલાને ઠેકાણે છે અને અંતર્વૃત્તિ કરાવીને મહારાજના સુખે સુખિયા કરે તે રંધાને ઠેકાણે છે. મુક્તના જોગ વિના અંતર ખુલ્લાં કરી શકે એવું કોઈ સાધન કે વિધિ નથી, માટે સર્વે ક્રિયામાં સત્પુરુષનો જોગ કરવાનો અને મૂર્તિ ધારવાનો ખટકો રાખવો. શ્રોતા અને વક્તા ખરેખરા હોય તો જીવ વીંધાઈ જાય, જેમ અન્નમાં પારો પ્રવેશ કરી જાય છે તેમ. જીવ મટીને મુક્તરૂપ થઈ જાય ને સુખ, સામર્થી ને પ્રકાશ વૃદ્ધિ પામે એટલે શ્રી પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામે. ખરા વક્તાના જોગનો એવો મહિમા છે, એ જોગ આજ તમને મળ્યો છે. જેમ પારસથી પારસ થાય તેમ અનાદિના જોગથી અનાદિ થવાય. એવા મુક્તનો જોગ મળ્યો હોય તોપણ સાધન પડ્યાં મૂકવાં નહિ પણ એનો ભાર મૂકી દેવો. સાચી રુચિવાળાને શ્રીજીમહારાજ આવો જોગ જરૂર મેળવે. ।। ૨૫ ।।