વાર્તા ૧૩૬
ફાગણ સુદ ૯ને રોજ સવારે સભામાં સ્વામી નારાયણસેવકદાસજીએ કહ્યું જે, કાલે આપે પછાડીઓની વાત કરી હતી તે પછાડીઓ પોતાની મેળે તૂટે નહિ માટે એને તોડનારા જોઈએ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તોડનાર ને છોડનાર તૈયાર છે, પણ વિશ્વાસ નથી તેથી છોડનારાનાં વચન મનાતાંય નથી ને પોતાના ઠરાવ મુકાતાંય નથી, છતાં મૂર્તિની માંગણી કરે છે. માટે સર્વ એષણાનો ત્યાગ કરીને મૂર્તિમાં પહોંચવાનો વેગ રાખવો. પણ જીવને પંચવિષયમાં માલ મનાણો છે તે છોડતો નથી, તે છે તો નર્ક જેવા; પણ મોહે કરીને માલ મનાય છે.
પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ કહ્યું જે, એ પંચવિષય થકી રક્ષા કરજો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ધોકા લઈને ઊભા રહેવાય તો એ વિષયરૂપી ભિખારાનો શો ભાર છે ? પણ વાણિયાની પેઠે ફોસી થઈને બેઠા હોય તો લૂંટી જાય. એક વાણિયો રાત્રિએ માર્ગમાં જતો હતો, તેને આકડાનો છોડ હાલતો જોઈને બીક લાગી ને વિચાર કરવા માંડ્યો જે, “જો હશે કોળી નાળી, તો તેલ ટકા ને કુલ્લી તારી; અને જો હશે ઠૂંઠાળો, તો હું છું મરદ મુછાળો.” એમ થાય છે, પણ જો સ્વભાવને દબાવી વર્તે તો બહુ સુખિયા થઈ જાય. સ્વભાવ જીત્યા વિના મહાપ્રભુજીના સુખની ઇચ્છા રાખવી તે તો વલખાં છે, પણ જીવના સ્વભાવ એવા છે જે પંચવિષયની સહાયમાં રહે છે; પણ તેની સાથે વૈર કરતા નથી અને પોતાને અનેક જન્મ લેવા પડે તેનો વિચાર કરતા નથી. સ્વભાવનો ને શિષ્યનો પક્ષ રાખે છે ને મૂર્તિની માંગણી કરે છે, માટે બાંધણાં સર્વે તોડીને મૂર્તિ માગવી તો આપનારા તૈયાર છીએ. અમારી કાકરવાડીમાં બાવળિયો હતો તેને પાડવા માંડ્યો પણ એક મૂળ વળગી રહ્યું હતું તેથી પડ્યો નહીં. જ્યારે એ મૂળ કપાણું ત્યારે એની મેળે પડી ગયો, એમ જ્યારે પંચવિષયરૂપી મૂળને કાપી નાખે ને સર્વે એષણાઓનો ત્યાગ કરે ત્યારે એની મેળે મૂર્તિના સુખમાં રહેવાય. આવા જોગમાં જ્યારે વાસના ટળી નહિ; ત્યારે બીજે ક્યાં ટળશે ? આ સભા જેવી બીજે સભા નથી, માટે તુચ્છ એવા સ્વભાવનો ત્યાગ કરવો. સ્વભાવનો શો ભાર છે જે એ આપણને દબાવી જાય ? આ જીવ બધા નિયમ લે છે પણ ધ્યાન કરવાનું નિયમ કોઈ લેતા નથી. આજ તો આ મોટાના જોગથી લાભ મળે છે તેનું માપ થાય એવું નથી.
પછી વળી સ્વામી નારાયણસેવકદાસજીએ કહ્યું જે, કૃપા કરીને આપના સર્વ આશ્રિતોની પછાડીઓ છોડી નાખો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટા તો છોડવા તૈયાર છે પણ મોટા આગળ નિષ્કપટ થાય તો છોડે, પણ ઠરાવ છોડાતા નથી, તેથી તુચ્છ પદાર્થને અર્થે મહારાજની આજ્ઞા લોપીને હેરાન થવાય છે. વાતો મૂર્તિની કરાય ને બાંધણાં તો તોડવાં નથી. મોટા મુક્તો તપ કરીને શ્રીજીમહારાજને રાજી કરવાની રીત બતાવી ગયા છે માટે તેમ કરવું. અંતઃકરણ તો પાડા જેવાં છે, તેને પંચવિષયરૂપી રાતબ ખવરાવીને વકરાવે છે. ને પછી મૂર્તિનું સુખ લેવા ઇચ્છે તે ક્યાંથી મળે ? શ્રીજીમહારાજે તો વર્તમાન ધરાવતી વખતે સર્વે પાપ લઈને ચિંતામણિરૂપી પોતાની મૂર્તિ સોંપી છે, તોપણ પાપરૂપ વાસના ભેળી કરે છે ને પંચવિષયરૂપી ભિખારા પાસે લાચાર થાય છે.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, અત્યારથી નિષ્કપટ થાય તો આગલું પાપ બળે કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ફેર પાછા એ રસ્તે ન ચાલે તો બળે અને પાછા જો એ રસ્તે ચાલે તો બમણાં વળગે. જાણતા છતાં આજ્ઞામાં ફેર પાડે તેનું તો પ્રાયશ્ચિત્ત કહ્યું નથી માટે સૌની હારે ત્રોહ ત્રોહ કરવું નહીં. મહારાજને અને મોટાને તો સર્વેને સુખિયા કરવા છે પણ જેમ વૈદ નીરોગી કરવા ઔષધ આપે છે પણ જો કરી ન પાળે તો વિસ્ફોટક થઈ જાય; તેમ જન્મમરણરૂપી રોગ ટાળવા સત્સંગમાં આવ્યા છે તે જો આજ્ઞારૂપી કરી ન પાળે તો જન્મમરણરૂપી રોગ ટળે નહિ, માટે મોટા જેમ કહે તેમ કરવું. જ્યારે ત્યારે બાંધણાં તોડ્યા વિના છૂટકો નથી ને નહિ તૂટે ત્યાં સુધી જન્મમરણ ટળવાનું નથી. આવા જોગમાં સ્વભાવ ટળતા નથી તે મહિમામાં, શ્રદ્ધામાં ને નિશ્ચયમાં ખામી છે. મોટાના વચનમાં વિશ્વાસ હોય તો શ્રીજીમહારાજનું વચન જરાય લોપાય નહીં. મોટાનો સિદ્ધાંત તો મૂર્તિમાં રસબસ થઈ રહેવું એ જ છે. આજ તમને સુખ મળ્યું છે તે કોઈને મળ્યું નથી ને મળશે પણ નહીં. મહારાજ ને મુક્ત પ્રત્યક્ષ હોય ત્યારે ઓળખવા બહુ કઠણ છે. વેદાંતાનંદ બ્રહ્મચારી ભૂજમાં હતા, તેમણે શ્રીજીમહારાજની પ્રસાદી લીધી નહોતી. તેમને સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ કહ્યું જે, તમે શ્રીજીમહારાજની પ્રસાદી જમ્યા નહોતા ને આજ થાળની પ્રસાદી કેમ જમો છો ? પછી બહુ જ પસ્તાવો કર્યો જે મેં મહારાજને વિષે મનુષ્યભાવ પરઠ્યો તે બહુ ખોટ આવી. ।। ૧૩૬ ।।