વાર્તા ૧૨૧

સંવત ૧૯૬૯ની સાલમાં અસલાલીનાં કંકુબાએ અમદાવાદમાં સત્સંગિભૂષણની પારાયણ કરાવી હતી. ત્યારે બાપાશ્રી ભૂજમાં ફૂલદોલોત્સવ કરીને ત્રીસ-ચાલીસ હરિજનોએ સહિત અમદાવાદ પધાર્યા હતા. તે કથાની સમાપ્તિ ચૈત્ર સુદ ૯ને રોજ હતી. પછી બાપાશ્રી રનોડા, ધોળકા થઈને જેતલપુર, અસલાલી, ગામડી થઈને બારેજડી બળદેવભાઈની મિલમાં થઈને સરસપુર થઈ, કડી થઈ દેવપરે ચૈત્ર વદ ૩ને રોજ પધાર્યા. ત્યાં ચૈત્ર વદ ૧ને રોજ પારાયણ બેસારી હતી, તેની સમાપ્તિ ચૈત્ર વદ ૭ને રોજ થઈ. તે દિવસે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરીને બીજે દિવસે ચાલ્યા તે વિરમગામ, મૂળી થઈને કચ્છમાં પધાર્યા. ત્યાં સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સાધુ મુક્તવલ્લભદાસજી તથા આશાભાઈ એ ત્રણે બાપાશ્રીની સાથે ગયા હતા. તે અખાત્રીજને રોજ ભૂજ ગયા. ત્યાં થોડાક દિવસ રહીને વૈશાખ સુદ ૧૧ને રોજ વૃષપુર પધાર્યા.

વૈશાખ સુદ ૧૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે એક સમયને વિષે પર્વતભાઈ તથા મયારામ ભટ્ટ આદિ ઘણા સત્સંગીઓ ગઢડે શ્રીજીમહારાજનાં દર્શન કરવા ગયા હતા. ત્યાં પર્વતભાઈએ શ્રીજીમહારાજને પ્રાર્થના કરી જે, હે મહારાજ ! અમારે ત્યાં અગત્રાઈમાં મોટામાં મોટા સંતનું મંડળ છ મહિના રહેવા મોકલવા કૃપા કરશોજી. એમ કહીને ઘેર ગયા પછી શ્રીજીમહારાજે અનાદિમુક્ત સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામીને મંડળધારી કરીને એમની સાથે સંતદાસજી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, રામદાસભાઈ, આત્માનંદ સ્વામી આદિ ત્રીસ સદ્‌ગુરુઓને જવાની આજ્ઞા કરી. ત્યારે રામદાસભાઈ બોલ્યા જે, હે મહારાજ ! ગોપાળાનંદ સ્વામી વિના બીજા મોટા સંતને મંડળધારી કરો તો ઠીક, કેમ જે એ તો બાર મહિનાથી સાધુ થયા છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, આ તો અમારી મૂર્તિમાં રહેનારા અનાદિ મહામુક્ત છે અને સૌથી મોટા છે માટે તેમને મોકલજો એમ પર્વતભાઈ કહી ગયા છે તેથી એમને મંડળધારી કર્યા છે. તો તમો સૌ એમની આજ્ઞામાં રહેજો પણ જૂનાપણાનું અભિમાન રાખશો નહીં. એમ કહીને પછી સંતદાસજીને કહ્યું જે, તમે ગોપાળાનંદ સ્વામી પાસે છ મહિના રહેજો; પણ બીજે ક્યાંય જશો નહીં. એવી રીતે અગત્રાઈ જવાની સર્વેને આજ્ઞા કરી, પછી તે સર્વે ગયા. ત્યાં શ્રીજીમહારાજના મહિમાની ને સુખની વાતો ગોપાળાનંદ સ્વામી તથા પર્વતભાઈ બંને વારાફરતી કરતા હતા. તે સાંભળીને સર્વે સંત તથા હરિજનો તથા ફરતા ગામોના હરિજનો બહુ જ આનંદ પામતા હતા. એવામાં પર્વતભાઈના દીકરા મેઘજીભાઈને અડસઠ તીર્થ કરવા જાવાની ઇચ્છા થઈ. તેથી પર્વતભાઈને કહ્યું જે, મારે અડસઠ તીર્થ કરવા જાવું છે. ત્યારે પર્વતભાઈએ કહ્યું જે, અડસઠ તીર્થ તો દર્શન કરવા તથા માથે રજ ચઢાવવા આપણા ફળિયામાં નિત્ય આવે છે. ત્યારે મેઘજીભાઈએ કહ્યું જે, એમ તીર્થ રજ લેવા આવતાં હોય તો લોકો હજારો રૂપિયા ખરચીને તીર્થ કરવા શા સારુ જાય ? એ તો તમારે ખરચી આપવી પડે એટલા સારુ સમજાવો છો, પણ મારે તો અવશ્ય જાવું છે. પછી તેને પર્વતભાઈએ ભાતું-ખરચી આપ્યાં ને તે તીર્થ કરવા નીકળ્યા. પછી પર્વતભાઈએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું જે, છોકરો તો તીર્થ કરવા ગયો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, તમારા ચરણમાં તીર્થ છે તે બતાવ્યાં હોત તો ન જાત. હું એને પાછો વાળી લાવું એમ કહીને સ્વામી ચાલ્યા, તે વાટમાં મેઘજીની આગળ થઈ ગયા. મેઘજીને પૃથ્વીથી ગજ ઊંચા સ્વામી ચાલતા દેખાયા ને એમના ચરણમાં શ્વેત તેજોમય અડસઠ તીર્થ દેખાયાં. તેમાં કેટલાંક તો ચરણનો સ્પર્શ કરે અને કેટલાંક તો માથે રજ ચઢાવે ને કેટલાંક તો દંડવત કરે ને કેટલાંક તો પ્રાર્થના કરે. એવી રીતે જોઈને મેઘજી બોલ્યા જે, સ્વામી ! આ તમારા ચરણ તળે શ્વેત - તેજોમય મૂર્તિઓ છે તે કોણ હશે ? ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, કેટલી છે ? ગણી જો. પછી તેણે ગણી તો અડસઠ થઈ; ત્યારે કહ્યું જે, અડસઠ છે. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, એ અડસઠ તીર્થ છે. પછી મેઘજીએ કહ્યું જે, હું તીર્થે જતો હતો તે હવે નહિ જાઉં, એમ કહીને પાછા વળ્યા ને સ્વામીશ્રી પણ પાછા વળ્યા. રસ્તામાં આવતાં સ્વામીશ્રીએ વાત કરી જે, તમારા પિતાશ્રીના ચરણમાં પણ તીર્થ સદાય રહે છે, ત્યારે મેઘજીએ કહ્યું જે, મારા દેખ્યામાં કોઈ દિવસ આવ્યા નથી. પછી સ્વામીશ્રીએ કહ્યું જે, તમે કહેશો તો બતાવશે. એમ કહીને સ્વામીશ્રી ઉતારે ગયા ને મેઘજીભાઈએ ઘેર આવીને પર્વતભાઈને વાત કરી જે, સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામીએ એમના ચરણમાં તીર્થ બતાવ્યાં અને તમારા ચરણમાં તીર્થ છે એમ કહ્યું છે, માટે મને બતાવો. પછી પર્વતભાઈએ પોતાના ચરણમાં બતાવ્યાં.

શ્રી ગોપાળાનંદ સ્વામી આદિ સંતો તથા પર્વતભાઈ આદિ ઘણા હરિજનો સાંજ વખતે દરરોજ કૂવે નાહવા જતા. ત્યાં નાહીને એક વૃક્ષ તળે બેસીને માનસીપૂજા કરીને પછી શ્રીજીમહારાજના મહિમાની ઘણીક વાર્તાઓ નિત્ય કરતા. એક વાર વાર્તા સાંભળીને વૃક્ષને ઘણો જ આનંદ થયો તેથી ખડખડ હસવા માંડ્યું. ત્યારે સભામાં બેઠેલા હરિજનો બોલ્યા જે, વાયુ વિના આ ઝાડ કેમ ખખડતું હશે ? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, એ ઝાડ હસે છે. ત્યારે હરિજનો બોલ્યા જે, ઝાડને હસવાનો ધર્મ નથી. પછી પર્વતભાઈ બોલ્યા જે, પૂછી જુઓ. પણ કોઈ પૂછતા ન હવા. ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, સત્પુરુષ જે બોલે તે સત્ય હોય માટે વિશ્વાસ લાવીને પૂછો. પછી હરિજનોએ પૂછ્યું, ત્યારે ઝાડ બોલ્યું જે, આ સભા શ્રી પુરુષોત્તમ ભગવાનની છે તે મારે છાંયે બેઠી છે તેથી મારે સેવા થઈ, ને વળી શ્રીજીમહારાજના મહિમાની વાતો સાંભળીને જ્ઞાન થયું, ને મોટા મોટા અવતારાદિકને તથા બ્રહ્મકોટિને તથા અક્ષરકોટિને પણ દુર્લભ એવા આ મુક્તોનાં મારે દર્શન થયાં. માટે, મારો છેલ્લો જન્મ થઈ ગયો. હવે મારે ફેર જન્મ ધરવો નહિ પડે અને શ્રીજીમહારાજની મૂર્તિમાં તમારા ભેળે આવીને હું બેસીશ ને તમારા જેવું સુખ ભોગવીશ, તેનો આનંદ આવવાથી હું હસું છું. એવો મહિમા મોટાનો છે. એ છ મહિના સુધી શ્રી ગોપાળાનંદ સ્વામીએ તથા પર્વતભાઈએ અગત્રાઈના સીમાડામાં કાળને પેસવા દીધો નહીં. ત્યારે કાળે શ્રીજીમહારાજ આગળ પ્રાર્થના કરી જે, હું અગત્રાઈના સીમાડામાં જાઉં છું ત્યારે મને શ્રી ગોપાળાનંદ સ્વામી તથા પર્વતભાઈ બાળે છે તેથી મારાથી જવાતું નથી; માટે હું કેમ કરું ? ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તું ન જઈશ. તારું કામ હશે તે એ કરશે. એમની મરજી થાય ત્યારે જજે, નહિ તો બળી મરીશ. એ છ મહિના સુધી ગામમાં તથા સીમાડામાં જે જીવ મરે તે સર્વેને શ્રીજીમહારાજ પાસે લઈ જતા હતા. પછી શ્રીજીમહારાજે શ્રી ગોપાળાનંદ સ્વામીને કાગળ લખ્યો જે, છ મહિના પૂરા થયા માટે બીજાં ગામોમાં ફરવા જજો. પછી શ્રી ગોપાળાનંદ સ્વામી મંડળે સહિત ત્યાંથી નીકળ્યા તે ગામડામાં ફરતા ફરતા આવતા હતા. ત્યાં મારગમાં ચાલતાં એક કૂવો આવ્યો ત્યારે નાહવા ઊતર્યા. ત્યાં પ્રથમથી જ આઠ બ્રાહ્મણો ઊતરેલા હતા તેમણે સાધુ દેખીને સાધુની તથા શ્રીજીમહારાજની નિંદા કરવા માંડી, એટલામાં તે આઠેને કોગળિયું આવ્યું. પછી તો સ્તુતિ કરવા માંડી જે, શ્રી સ્વામિનારાયણ સાક્ષાત્‌ ભગવાન જગતના કર્તા-હર્તા છે ને તમે સર્વે સંત મુક્ત છો ને સ્વતંત્ર છો ને અમારા જેવા પામર જીવોનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા છો. માટે અમારાં નીચ કૃત્ય સામું ન જોતાં તમારા બિરદ સામું જોઈને તમારે પ્રતાપે કરીને અમારી રક્ષા કરો. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, અમે નાશવંત એવો જે દેહ તેની રક્ષા તો નહિ કરીએ પણ તમારા જીવની રક્ષા કરશું. એમ બોલીને સર્વે સંતોના દેખતાં એ સર્વેને વિમાનમાં બેસારીને ધામમાં મોકલી દીધા. પછી સર્વે સંત શ્રીજીમહારાજ પાસે ગઢડે આવ્યા અને સંતોએ શ્રીજીમહારાજને કહ્યું જે, શ્રી ગોપાળાનંદ સ્વામીએ આઠ બ્રાહ્મણ આપણી નિંદા કરતા હતા તેમને અક્ષરધામમાં મોકલ્યા તે ઠીક ન કર્યું. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, આ ટાણે સો-બસો મેમાન આવે તેમની ખાવા-પીવાની, સરભરા કરવાની સત્સંગીઓને ભલામણ કરવી પડે તેમાં કોઈ સત્સંગી આપણા કહ્યા વિના જ સર્વે મહેમાનને ઘેર લઈ જઈને ખાવા-પીવાની ખબર રાખે તો આપણે રાજી થઈએ કે નહીં ? ત્યારે સંતોએ કહ્યું જે, તો તો રાજી બહુ થઈએ. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, અમારે કોઈક મુક્તને આજ્ઞા કરવી પડત તે વગર આજ્ઞાએ ગોપાળાનંદ સ્વામીએ મોક્ષ કર્યો તે તો બહુ જ સારું કર્યું. એમ શ્રીજીમહારાજ બોલ્યા. ।। ૧૨૧ ।।