વાર્તા ૧૫૬
ફાગણ સુદ ૨ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મુક્તના સમૂહમાં રહે ને મુક્તને વિષે જોડાય તેને આ લોકમાં કાળ, કર્મ, માયા, સ્વભાવ, કામાદિક શત્રુરૂપી સિંહ, સર્પાદિકની બીક ન રહે. માયામાં રહીને પણ મુક્તમાં જોડાય તો ઉપર કહ્યા જે શત્રુ તેની બીક ન રહે. જેમ ગૃહસ્થ પોતાનાં છોકરાં સારુ રળે છે ને પછી પોતાનાં છોકરાંને આપે છે તેમ શ્રીજીમહારાજે દેહભાવ દેખાડીને તપ કર્યું, સેવા કરી, વન જંગલમાં ફર્યા એવી રીતે વર્તીને આપણને શીખવ્યું છે. જે આંધળો હોય તે શ્રીજીમહારાજને ને મુક્તને જતા રહ્યા એમ જાણે. શ્રીજી ને મુક્ત તો આ સભામાં બેઠા છે, એવો વિશ્વાસ રાખીને આ સભામાં બેસે તેનું પૂરું થાય. બાળકિયા સ્વભાવથી સુખ ન આવે. જાણપણારૂપ દરવાજે રહીને અંતર્વૃત્તિ કરે તો સુખ આવે પણ એ આકારે વૃત્તિ થાતી નથી ને સાધનને આકારે વૃત્તિ રહે છે, માટે સાધન કરતાં કરતાં મહારાજમાં ને મુક્તમાં વૃત્તિ રાખવી. સાધુને તેમજ ગૃહસ્થને માળા, માનસીપૂજા, કથા-વાર્તા, ધ્યાન, ભજન તે ન થાય તો ખોટ કહેવાય. માળામાં, માનસીપૂજામાં, ધ્યાનમાં બરાબર શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર થાય છે કે કાંઈ ફેર રહે છે તેનો તપાસ કરે તો પતિવ્રતા કહેવાય. શ્રીજીમહારાજના કહેવાયા તો હોઈએ પણ માળા, માનસીપૂજાનો નિયમ ન હોય તો જેમ રાજાનો ચાકર સલામ ભરવા ન જાય તો દંડ પડે તેમ થાય; માટે મૂર્તિનું મંથન કરવું, પણ માયારૂપી સમુદ્રનું મંથન કરવું નહીં. સુખ તો મૂર્તિમાં જ છે પણ બીજે નથી. બીજે ખોટી થાવું તેમાં નુકસાની છે. કથા કરે, વાર્તા કરે, જોગ કરે ને બીજાને અક્ષરધામમાં મોકલે ને પોતાનું અધૂરું રહે. આ સત્સંગમાં લક્ષાવધિ માણસોને કથા-વાર્તા કરીને અક્ષરધામમાં પહોંચાડે ને પોતે રહી જાય તે તો કેવું છે, કે બીજાને ખૂબ પીરસે પણ પોતે જમે નહિ ને ભૂખ્યો રહી જાય. નારાયણપુરના ધનજીભાઈએ બીજાને રેલમાં બેસાર્યા ને પોતે રહી ગયા. એમ આ સત્સંગમાં મોટા કહેવાતા હોય ને વાતો કરતા હોય પણ પાછી વૃત્તિ ન રાખે તો ખોટ રહી જાય. પાકશાળા હાથ હોય પણ પોતે જમ્યા વિના રહી જાય એવું થાય. આ પુરુષોત્તમ ભગવાન ને મુક્ત તો જુદા પડતા જ નથી માટે એમને વળગી રહેવું અને ધર્માદો લેવા જવો, પણ શ્રીજીમાં વૃત્તિ રાખવી. હજારો માણસની સભા જેની આગળ બેસતી હોય પણ જો તેને વિચાર ન હોય તો પોતે રહી જાય. અંતર્વૃત્તિ ન હોય તો રહી જવાય માટે જમવું ને જમાડવું. અનાદિ મહામુક્તરાજ શ્રી ગોપાળાનંદ સ્વામીને શ્રીજીમહારાજને વિષે પ્રીતિ હતી તો મહારાજને આફૂડા સંભારવા પડ્યા તેમ મહારાજને વિષે એમના જેવી આપણે પ્રીતિ કરીએ તો શ્રીજીમહારાજ આપણને પણ તેમની પેઠે જ સંભારે. અમે આજ તમને સુખ આપવાને અર્થે સખાભાવે વર્તીએ છીએ તેથી તમને બોલવા, ચાલવા, પૂછવાનું સુખ આવે છે. માયિક પદાર્થ ત્યાગી-ગૃહી સર્વેને આડું આવે એવું છે; પણ જો શ્રીજીમહારાજને આત્માને વિષે પધરાવી દે તો કાંઈ આડું આવે નહીં. પ્રસાદીનું પદાર્થ પણ પ્રીતિ હોય તો આડું આવે માટે એનો પણ ખપ ન પડે તેમ કરવું. ચરણારવિંદ જો દસ-વીસ હોય તો નગરશેઠિયો થઈ પડે પણ ચરણારવિંદ કાંઈ કામ ન આવે. પ્રસાદીએ કરીને તો શ્રીજીમહારાજની સ્મૃતિ રહે એટલું જ કામ કરે. એ તો સ્થાવર તીર્થ જેવું છે. એનાં દર્શન તો લાખો ફેરા કરીએ પણ સમજવાનું એ છે જે મૂર્તિ વિના એ કાંઈ કામ આવે નહીં. જો ગૃહસ્થને રૂપિયા હોય ને તે વડે સત્સંગની સેવા કરે તો સારું થાય ને વ્યવહારમાં વાપરે તો બંધનકારી છે. કેરામાં એક કણબી પચીસ હજાર કોરી રળી લાવ્યો, એને સ્વામી અક્ષરજીવનદાસજીએ કહ્યું જે કાંઈક પૈસા સંબંધી મદદ કરો તો મંદિર કરીએ. તેણે કહ્યું જે, બાપાશ્રી કહે તો એ જે કહે તે આપું. પછી સ્વામીએ આવીને અમને કહ્યું એટલે અમે તથા સ્વામી ત્યાં ગયા ને કહ્યું, જે આ ભગવાનના મંદિરમાં મદદ કરો. તેણે કહ્યું જે, આ રળીને લાવ્યો છું એમાંથી તો એક જંઈ પણ તોડવો નથી પણ હવે પરદેશમાં રળવા જાઉં તેમાંથી કાંઈ આવશે તો મદદ કરીશ; એેવી યુક્તિથી ના પાડીને પછી પરદેશ કમાવા ગયો. ત્યાં સામસામાં બે વહાણ ભટકાણાં તેની વચ્ચે આવ્યો ને મરી ગયો. એમ મોટાનું વચન મનાણું નહિ અને વાંસેથી બધું ધૂળધાણી થઈ ગયું. માટે જોગ મળતાં તરત સત્સંગમાં સેવા કરી લેવી. આત્માને વિષે મૂર્તિ ને સભા બેસારવી તો સુખિયા થવાય. પ્રેમજીભાઈને કારખાનામાં ખોટ ગઈ તે રોવા મંડ્યા ત્યારે અમે કહ્યું જે, ખોટ ગઈ પણ કાંઈ ભગવાન ગયા નથી માટે ભગવાનને સંભારો; એ તો જે દુઃખદાયક હતું તે ગયું છે. આમ સમજી ગૃહસ્થે માયિક પદાર્થમાં અને ત્યાગીએ પ્રસાદીના પદાર્થમાં હેત ન રાખવું. ।। ૧૫૬ ।।