વાર્તા ૨૧૨

સંવત ૧૯૭૮ની સાલમાં બાપાશ્રીએ કણબીની જ્ઞાતિના પટેલિયાઓને તેડાવીને કહ્યું જે, અમે જીવોનાં કલ્યાણ કરવા સારુ આવ્યા છીએ, પણ તમારી નાત કે સગાંસંબંધી નથી. અમે તો સ્વામિનારાયણ ભગવાનના મુક્તાવતાર છીએ. અમારે જીવોના મોક્ષ સારુ યજ્ઞ કરવો છે, તેમાં જે જમે તેનો મોક્ષ કરવાનો સંકલ્પ છે, માટે મોક્ષ જોઈતો હોય તે આ યજ્ઞમાં જમવાની હા પાડો ને મોક્ષ ના જોઈતો હોય તે આ યજ્ઞમાં જમવાની ના પાડો, પણ વર્તમાન લોપનારને ને સત્સંગ બહાર કર્યો હોય તેને તથા તેનો પક્ષ રાખે તેને મૂકીને આવવું પડશે. ત્યારે સર્વેએ હા પાડી જે અમે જમવા આવીશું ને જે બતાવશો તે સેવા કરીશું. પછી ચૈત્ર વદ ૧૨ ને રોજ ‘સત્સંગિજીવન’ની પારાયણ બેસારવાનું મુહૂર્ત નક્કી કર્યું ને સ્વામી ઈશ્વરચરણદાસજી ઝરિયા તરફ ગયા હતા; તેમના ઉપર રામનવમીને દિવસે બાપાશ્રીએ તાર કર્યો જે, અમે યજ્ઞ કરીએ છીએ માટે તમે તરત આવો. અને એક બીજો તાર કુંભારિયાવાળા મિસ્ત્રી ગોવાભાઈએ અમરસી ઉપર કર્યો ને સ્વામી ઈશ્વરચરણદાસજીને બાપાશ્રી માગે છે માટે તરત મોકલો, પછી સ્વામી ઈશ્વરચરણદાસજી અમદાવાદ આવ્યા ને ત્યાંથી કચ્છમાં ગયા. ત્યાં બાપાશ્રીએ મોટો યજ્ઞ કર્યો ને સંત-બ્રહ્મચારી તથા દેશાંતરના હરિજનો હજારો હજાર આવ્યા હતા. અને ચૈત્ર વદ ૧૨ને રોજ ‘સત્સંગિજીવન’ની પારાયણ બેસારીને વૈશાખ સુદ ૩ને રોજ સમાપ્તિ કરીને છત્રીએ હનુમાનજી પધરાવ્યા. તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, વર આપો. ત્યારે બાપાશ્રીએ વર આપ્યો જે, આ હનુમાનજી સારંગપુરના હનુમાનજીની પેઠે કામ કરશે અને જે આ ઠેકાણે દર્શન કરવા આવશે તે સર્વેને અમે અક્ષરધામમાં તેડી જઈશું. વૈશાખ વદ ૪ને રોજ ઘણાક સંત-હરિજનો પોતપોતાને સ્થાનકે ચાલ્યા. તે સર્વેને સુખડીની પ્રસાદી આપી બાપાશ્રી બોલ્યા જે, આ પ્રસાદી જે જમશે તેને અક્ષરધામમાં લઈ જઈશું. અમારી ક્રિયા તો સર્વે કલ્યાણકારી છે. એમ વાત કરીને સર્વેને આનંદ પમાડતા હતા. ।। ૨૧૨ ।।