વાર્તા ૧૨૭
સંવત ૧૯૭૦ના મહા વદમાં અમદાવાદ, મૂળી વગેરેના સંત તથા હરિજનો કચ્છમાં ગયા. તે ભૂજ થઈને ફાગણ સુદ ૨ને રોજ શ્રી વૃષપુર ગયા હતા.
ફાગણ સુદ ૩ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૧૮મું વચનામૃત વંચાતું હતું, તેમાં ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવાની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પવિત્ર ન હોય તેનું અન્ન-જળ ખાવા-પીવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને એનો વાયરો આવે તોય ભ્રષ્ટ થઈ જવાય. કદાપિ મરવા ટાણે પણ જો પાસે ઊભો હોય તો અશુદ્ધ ઔષધ ખવરાવી દે અથવા વ્યવહારિક વાતો કરીને માયિક પદાર્થની સ્મૃતિ કરાવે. માટે જેમ આપણા પગમાં કાંટો વાગ્યો હોય તેને કાઢવો તે આપણા હાથમાં છે, તેમ કુસંગનો ત્યાગ કરવો તે પણ આપણા હાથમાં છે. તમારે કચ્છમાં આવવું હોય ને વિચાર કર્યા કરો તો ન અવાય; પણ જો ટિકિટ લઈને રેલે બેસો તો તરત આવી પહોંચાય. મહારાજનો ને મોટાનો સિદ્ધાંત તો મોટાને મન સોંપે ત્યારે જ જણાય એવો છે. કદાપિ કોઈકને ન સમજાય તોપણ મન સોંપ્યું હોય તેને વાંધો રહે નહીં. મહારાજને અને મોટાને સાથે રાખે ને એમની મર્યાદા રાખે ને અંતર્યામી જાણે તો સર્વે ક્રિયામાં મહારાજ ટેક રખાવે. ।। ૧૨૭ ।।