વાર્તા ૩૫
વૈશાખ વદિ ૦)) અમાસને રોજ સવારમાં સભામાં પ્રથમ પ્રકરણનું ૪૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં નિષ્કામ ભક્ત ભગવાનની સેવા વિના બીજું ઇચ્છતા નથી એમ આવ્યું. તે ઉપર બાપાશ્રીએ વાત કરી જે, એક કઠિયારો અને એની સ્ત્રી એ બેય શ્રીજીમહારાજને મળેલાં સત્સંગી હતાં. તે હંમેશાં રાત્રિના ત્રણ વાગે ઊઠીને શ્રીજીમહારાજનું ધ્યાન-ભજન કરીને નાહીને પૂજા કરીને મંદિરમાં દેવનાં દર્શન કરીને સવારમાં વહેલાં વગડે જાય. તે કોઈનું ધણિયાતું ન હોય એવા ઠેકાણેથી કાષ્ઠની ભારીઓ લાવીને વેચે. તેના પૈસા અથવા દાણા જે આવે તેમાંથી દસમો ભાગ શ્રીઠાકોરજીની પાસે મૂકીને ઘેર જઈને રોટલા કરી મહારાજને થાળ ધરીને પ્રસાદી જમીને મહારાજનું ધ્યાન, ભજન, માળા, કથા કર્યા કરે. સાંજે મંદિરમાં જઈને કથા-વાર્તા સાંભળે ને રાત્રિએ ધ્યાન કરીને બાર વાગે સૂએ. એવી રીતે હંમેશાં ખાધા જેટલું પેદા કરીને મહારાજનું ધ્યાન-ભજન કરતાં. એમ કરતાં કરતાં એક દિવસે કઠિયારાને તાવ આવ્યો તે વગડે જવાયું નહીં. તેની સ્ત્રી પતિવ્રતા હતી માટે એકલી ન ગઈ, તેથી બેય ભૂખ્યાં રહ્યાં. તેને ત્રીજે દિવસે સવારમાં તાવ ઊતર્યો એટલે નાહીને પૂજા કરી. તેની સ્ત્રીએ પૂછ્યું જે, તમારે કાંઈ ખાવાની ઇચ્છા થઈ હોય તો હું કોઈનું ઉછીનું લાવીને કરી આપું. આપણે જમીને સાંજના ભારીઓ લેવા જાશું ને તેમાંથી જે આવશે તેમાંથી ઉછીનાવાળાને પાછું આપીશું. ત્યારે કઠિયારો બોલ્યો જે, બે દિવસ શ્રીજીમહારાજની ઇચ્છાથી ભૂખ્યાં રહ્યાં તો અડધો દિવસ જાણીને ભૂખ્યાં રહીશું પણ આપણે ઉછીનું લાવવું નથી. પછી ભૂખ્યાં ને ભૂખ્યાં વગડે જઈ એક થોરિયાનું થડિયું હતું તેને ચીરવા માંડ્યું, તે કુહાડો તો ઊંચો પણ થાય નહિ તોપણ તેના ટચકાથી બ્રહ્માંડ ડોલવા લાગ્યું. તેથી બ્રહ્માને ભય ઊપજ્યો એટલે વૈરાજપુરુષ પાસે જઈને રાવ કરી જે, તમારો ભક્ત સત્યના બળ વડે કરીને મારું બ્રહ્માંડ ડોલાવે છે તે હમણાં પડી જાશે માટે બંધ કરાવો. ત્યારે વૈરાજપુરુષે જાણ્યું જે, આ ભક્ત તો મારા ઉપરીનો છે તે મારાથી બંધ નહિ થઈ શકે, પણ જો બ્રહ્માને આ વાત કરું તો એને મારે માથે ઉપરી છે એ ખબર પડે. માટે યુક્તિ કરીને કહ્યું જે, જાઓ એનો તપાસ કરશું. બ્રહ્મા ગયા પછી વૈરાજપુરુષે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એ ત્રણ દેવની આરાધના કરી જે, હે મહારાજ ! તમારો ભક્ત બ્રહ્માનું બ્રહ્માંડ ડોલાવે છે માટે કૃપા કરીને બંધ કરાવો. ત્યારે તેમણે વૈરાજપુરુષને દર્શન દઈને જેમ વૈરાજે યુક્તિથી કહ્યું હતું તેવો જવાબ દીધો. પછી અનિરુદ્ધાદિ ત્રણ દેવે મહત્તત્ત્વની પ્રાર્થના કરી ત્યારે તેમણે પણ દર્શન આપીને એવી જ રીતે જવાબ દીધો. પછી મહત્તત્ત્વે પ્રધાનપુરુષની પ્રાર્થના કરી. ત્યારે તેમણે પણ એવો જ જવાબ યુક્તિથી દીધો. પછી પ્રધાનપુરુષે મૂળપુરુષની પ્રાર્થના કરી ત્યારે તેમણે પણ દર્શન આપીને એવો જ જવાબ દીધો. પછી મૂળપુરુષે પોતાના ઉપરી જે વાસુદેવબ્રહ્મ તેમની સભામાં જઈને પ્રાર્થના કરી જે, તમારો ભક્ત બ્રહ્માંડ ડોલાવે છે તે બંધ કરાવો. તેમણે પણ પોતાના ઉપરીને જાણે નહિ એવી યુક્તિએ જવાબ દીધો જે, બંધ કરાવશું. પછી વાસુદેવબ્રહ્મે મૂળઅક્ષરની પ્રાર્થના કરી ત્યારે એમણે પણ તેજ રૂપે પ્રેરણા કરીને એવો જ જવાબ દીધો. પછી મૂળઅક્ષરે શ્રીજીમહારાજની પ્રાર્થના કરી. પછી શ્રીજીમહારાજે પોતાના તેજ રૂપે પ્રેરણા કરીને કહ્યું જે, એ અમારા ભક્તને છળીને સત્યથી પાડે તો બ્રહ્માનું બ્રહ્માંડ બચે. પછી એ પ્રમાણે ઉત્તરોત્તર બ્રહ્મા પાસે જવાબ આવ્યો, એટલે બ્રહ્મા શ્રીજીમહારાજના જેવું રૂપ ધારી વિમાને બેસીને, દેવલોકમાં આવીને દેવની પાસે સાધુના જેવા વેશ ધરાવીને, સર્વે વિમાને બેસીને, જ્યાં કઠિયારો ભક્ત લાકડું ચીરતો હતો ત્યાં આવીને તેને બ્રહ્માએ કહ્યું, “હે ભક્ત ! અમે સ્વામિનારાયણ છીએ અને આ સર્વે સંત છે, તે તમને દર્શન દેવા આવ્યા છીએ માટે દર્શન કરો અને જે જોઈએ તે માગો.” ત્યારે તે ભક્તે તેમના સામું જોઈને પછી અંતર્વૃત્તિ કરીને પોતાના આત્માને વિષે મહાપ્રભુજીની મૂર્તિ જોઈ ત્યારે એકે ચિહ્ન મળતું આવ્યું નહીં. પછી વિચાર કર્યો જે, આ તે કોણ હશે ? આ કોઈક ઠગ છે. પછી દેવોનાં સ્થાન જોયાં ત્યારે બ્રહ્માનું સ્થાન ખાલી દેખ્યું. પછી બોલ્યા જે, તું તો બ્રહ્મા છે ને આ સર્વે દેવલાં છે. તમે અજ્ઞાની છો ને મને છળવા આવ્યા છો; પણ શૂદ્રનું ઉચ્છિષ્ટ એંઠું હોય તે નાગર બ્રાહ્મણને જેમ ખાધાનો સંકલ્પ ન થાય તેમ હું પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું તે મૂળઅક્ષરનું આપેલું ન લઉં તો તું તો રાંક અને મલિન છે તે તારું આપેલું લેવાનો સંકલ્પ પણ કેમ થાય ? તું તો કેટલાયનો એંઠવાડો ખાય છે તેની તને ખબર નથી. સાંભળ, હું તને તે કહી બતાવું. સર્વેથી પર શ્રી સ્વામિનારાયણ એક જ ભગવાન છે તે મારા સ્વામી છે, સર્વેના નિયંતા છે, સર્વેના કારણ છે, સર્વ સુખમય મૂર્તિ છે અને અનંત ઐશ્વર્યે યુક્ત છે. તે સુખને શ્રીજીમહારાજના અનાદિમુક્ત મૂર્તિમાં રસબસ રહીને લીધા જ કરે છે. જેમ જળમાં જળજંતુ હોય તે પોતાની ઇચ્છા પ્રમાણે જળ પીધા જ કરે તેમ. બીજા પરમ એકાંતિકમુક્ત છે તે શ્રી સ્વામિનારાયણની મૂર્તિના તેજમાં મૂર્તિને સન્મુખ રહ્યા થકા શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ લીધા જ કરે છે અને તે સર્વે રાણીને ઠેકાણે છે. પછી મૂળઅક્ષર છે તે શ્રીજીમહારાજના દીવાનને ઠેકાણે છે તેમને શ્રીજીમહારાજ સુખ, સામર્થી ને ઐશ્વર્ય આપે છે અને મૂળઅક્ષર જે તે વાસુદેવબ્રહ્મને ઐશ્વર્ય, સામર્થી આપે છે. વાસુદેવબ્રહ્મ મૂળપુરુષને આપે છે. મૂળપુરુષનો એંઠવાડો પ્રધાનપુરુષને મળે છે, એનો મહત્તત્ત્વને મળે છે, મહત્તત્ત્વનું વધેલું અહંકારને આવે છે અને એનું વધેલું તારા સ્વામી જે વૈરાજ તેને મળે છે. એ વૈરાજે તને આપ્યું છે તે તું ભોગવે છે. માટે તારા જેવો ભ્રષ્ટ અને રાંક બીજો કોણ છે તે તું તારો એંઠવાડો મને આપવા આવ્યો છે ? ત્યારે બ્રહ્માએ વિનંતી કરી જે, હે મુક્તરાજ ! હું તમને આવા મોટા જાણતો નહોતો. તમોએ જે જ્ઞાન કહ્યું તેની તો મને ખબર નથી. હું તો મારા ઉપરીથી પર બીજું કાંઈ છે જ નહિ એમ જાણતો હતો માટે મારો અપરાધ ક્ષમા કરો. મારું બ્રહ્માંડ ડોલતું હતું તેથી મારે આ કામ કરવું પડ્યું છે. ત્યારે કઠિયારા ભક્તે કહ્યું જે, જા ! તારું બ્રહ્માંડ નહિ પડે. પછી બ્રહ્માદિક રાજી થઈને ગયા.
શ્રીજીમહારાજે એ બેયને દર્શન આપ્યાં ને બહુ પ્રસન્ન થયા ને કહ્યું જે, અહીં રહેવું છે કે ધામમાં આવવું છે ? જો અહીં રહેવું હોય તો વૈભવ આપીએ અને ધામમાં આવવું હોય તો તેડી જઈએ. ત્યારે તે બેય બોલ્યાં જે, આ લોકનું તો અમારે કાંઈ જોઈતું નથી. અહીં રાખો કે તેડી જાઓ એ પણ અમે કાંઈ ન કહીએ. જેમ આપની મરજી હોય તેમ કરો. શ્રીજીમહારાજ બોલ્યા જે, ચાલો આપણા ધામમાં. પછી કુહાડો નાખી દઈને બેય જણા દેહ મૂકીને શ્રીજીમહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. આવા નિષ્કામ ભક્ત થાય તો શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત પ્રસન્ન થઈને આવરદા હોય તોપણ પડી મુકાવીને પોતાની મૂર્તિમાં રાખીને સુખ આપે છે ને સદા ભેળા રાખે છે. એવા નિષ્કામ થાવું પણ કોઈ પદાર્થની ઇચ્છા ન રાખવી. શ્રીજીમહારાજની મૂર્તિ વિના અક્ષરકોટિ સુધી કોઈની ગણતરી ન રાખવી. જેમ આ લોકમાં વર્ણ ઘણી છે પણ જેને ઘેર જવું ન ઘટે તેને ઘેર કોઈ જાય નહિ; જેને ઘેર જવું ઘટે ત્યાં જાય. જે ભગવાનના ભક્ત હોય તે તો મંદિર વિના બીજે કોઈને ઘેર જાવું ઘટતું હોય ત્યાં પણ જાય નહિ કેમ કે તેને તો મંદિર વિના બીજું ગમે જ નહિ તેમ મહાપ્રભુજી વિના બીજું ગમવું ન જોઈએ. શ્રીજી વિના કોઈની ગણતરી રાખવી ન જોઈએ. તો મહારાજ અને મોટા મુક્ત પ્રસન્ન થઈને પોતાના ભેળા રાખીને પોતાની મૂર્તિનું સુખ આપે. વાર્તાની સમાપ્તિ કરીને શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય ને આ સભાની માયાનો ક્ષય, એમ વર આપ્યો. ।। ૩૫ ।।