વાર્તા ૧૯૪

જેઠ વદ ૮ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૧૬મું વચનામૃત વંચાતું હતું, તેમાં ધ્યાન કરતાં જે પદાર્થના ઘાટ થાય તેવા ભોગ જે લોકમાં હોય તે લોકમાં તેને પહોંચાડે છે એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જો આસક્તિપૂર્વક ઘાટ થતા હોય તો તેને જેવા ભોગ વહાલા છે તે લોકમાં મૂકે છે અને ઘાટ થાય ત્યારે દાઝ થાય તેને તો એ લોકમાં મૂકતા નથી, માટે ઇચ્છા વિનાના ઘાટ સહેજે થાય તેને તો એ લોકમાં જાવું પડે નહીં. તેને તો સત્સંગમાં જ જન્મ ધરાવે ને જોગ સારો આવે, તે જો ખબડદાર થઈને જોગ કરે ને જેમ મોટા કહે તેમ સાધન કરે, તો તો ઝટ નિર્વાસનિક થઈને ધામમાં જતો રહે; અને આળસ રાખે તો વારંવાર સત્સંગમાં જન્મ ધરે, તે જ્યારે નિર્વાસનિક થાય ત્યારે ધામમાં જાય. કારણ મૂર્તિ-મહારાજ ને મુક્ત તેમનું દર્શન આત્માને વિષે થાય નહિ ત્યાં સુધી થોડોક વાંધો ખરો, પણ જેમ પોતાના દેહને વિષે કાંઈક પીડા થાય ને ભુલાય નહિ તેમ મહારાજને અને મોટાને સદાય અખંડ સંભારે તો તેને વાંધો નહિ; માટે મોટાને વિષે મન બાંધવું એટલે કાંઈ વાંધો નહીં. આ તમને મળ્યા છીએ તે અંત સમયે અનાદિની પંક્તિમાં ભેળવી દેશું, કોઈ દુઃખિયા રહેશે નહીં. સૌને પોતપોતાની પંક્તિમાં ભેળવવાનું તાન છે. જેમ ગામોગામના હરિભક્તો તમને પોતપોતાનાં ગામોમાં લઈ જવાની તાણ કરે છે તેમ તમને અમારા ભેળા લઈ જવાની અમારે તાણ છે, માટે લઈ જાશું. તે અમે સાચા મળ્યા છીએ તે લઈ જાશું પણ જેને આધુનિક મળ્યા છે તે આધુનિક તો પોતેય નહિ જાય ને એને વિષે હેતવાળા હશે તેનેય નહિ લઈ જાય. એ તો ભૂખ, દુઃખ ને માર ખાવાના છે, માટે એવાનો વિશ્વાસ ન રાખવો. મોટા સાથે હેત હોય તો તેમની સાથે જોડાઈ જવાય. જે મોટા મૂર્તિમાં જોડાયા છે, તેમને વિષે જે જોડાય તે પણ મૂર્તિમાં જોડાય ને સુખિયો થઈ જાય; માટે કારણ વસ્તુમાં બાઝવું. જેને આવા અનાદિ સાથે હેત થયું તેને વલખાં ન કરવાં જે કેમ થાશે ? એ તો પૂરું જ થઈ રહ્યું છે. મહારાજ વિના કાળ-કર્માદિકને કર્તા જાણવા નહીં. વાયુ કે વરસાદ ન થાય કે ઘણો થાય એના કર્તા મહારાજ છે, માટે મહારાજની મરજી પ્રમાણે થાય છે. મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય. એક હરિજને મહારાજને વરતાલમાં કહ્યું જે, હું તરણું તોડી આપું એમ કહી ઘાસનું તરણું તોડવા ગયો તો હાથ ઝલાઈ ગયા, તે આઘા કે પાછા થાય જ નહીં. આવા કર્તા મહારાજને જાણે તો મૂર્તિ ન દેખાય તોપણ તેને સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, ને એ તો છતે દેહે જ મૂર્તિમાં છે, માટે સર્વ કર્તા મહારાજને જાણે તો એનું પ્રારબ્ધ શ્રીજીમહારાજ પોતે જ છે, તોપણ ભૂંડા દેશકાળમાં ન રહેવું; રૂડા દેશકાળમાં રહેવું.

પછી ગોધાવીના માસ્તર જગન્નાથે પૂછ્યું જે, સર્વે જીવ જે જે ક્રિયા કરે છે તે મહારાજની મરજી પ્રમાણે કરતા હશે કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો જગતની ઉત્પત્ત્યાદિકના કર્તા જે મૂળપુરુષો તથા વાસુદેવબ્રહ્મ તથા અક્ષરો તેમને કહ્યું છે, જે એ સર્વે અમારી મરજીથી ઉત્પત્ત્યાદિક કરે છે; અમારી મરજી ન હોય તો કાંઈ કરી શકે નહીં. બીજા જે કર્માધીન જીવો છે તે તો પોતપોતાનાં કર્મ તથા સ્વભાવ-પ્રકૃતિ પ્રમાણે ક્રિયા કરે છે, તેમને તો શાસ્ત્ર ને સત્પુરુષ કહે છે જે, આ ક્રિયા કરજો ને આ ક્રિયા ન કરશો. તે શ્રીજીમહારાજે શિક્ષાપત્રી આદિકમાં આજ્ઞાઓ કરી છે તે પ્રમાણે વર્તવું અને મૂળઅક્ષરાદિક ઈશ્વરોને શાસ્ત્રમાં આજ્ઞા કરી નથી, એ તો શ્રીજીમહારાજની મરજી પ્રમાણે કરે છે, પણ એ કર્માધીન નથી. જે કર્માધીન જીવ છે તેમને તો શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વર્તવું ને ન વર્તે તો દુઃખ ભોગવે. એટલી વાત કરીને સંતોને કહ્યું જે, તમે ક્યાં સુધી પૂગ્યા છો તેનો સરવાળો કરો. ત્યારે સંતોએ કહ્યું જે, શ્રી સ્વામિનારાયણના ચરણ સુધી પહોંચ્યા છીએ, જેમ કરવું હોય તેમ કરે. પછી બાપાશ્રી બોલ્યા જે, “સત્પુરુષ વાક્યં ન ચલતિ ધર્મઃ” પછી પુરાણી નંદકિશોરદાસજીને પૂછ્યું જે, તમે કેમ સમજો છો ? આ વાત ક્યાંથી આવે છે ? ત્યારે તે બોલ્યા જે, ઠેઠ મહારાજની મૂર્તિમાંથી થાય છે. પછી બાપાશ્રી બોલ્યા જે, ભૂલી ન જાતા હોં, પણ અમને એમ જણાય છે કે, તમે નક્કી ભૂલી જશો; જરૂર ભૂલી જશો. એમ કહીને પછી વાત કરવા લાગ્યા જે, ધ્યાન કરતાં કરતાં મૂર્તિ નખશિખા પર્યંત સમગ્ર ન દેખાય, એટલે ચરણ સામું જુએ તો મુખારવિંદ કે મસ્તક ન દેખાય ને મુખારવિંદ કે મસ્તક સામું જુએ તો ચરણ ન દેખાય, તે નેત્રની વૃત્તિએ જોવાય છે એમ જાણવું; અને સમગ્ર મૂર્તિ દેખાય ત્યારે તે જીવની વૃત્તિએ જોવાય છે એમ જાણવું. એવી રીતે ધ્યાન કરતાં કરતાં એક મૂર્તિ આકારે વૃત્તિ થઈ જાય પણ દેહનું કે જગતનું ભાન રહે નહિ તે ઉપશમ કહેવાય. તે ઉપશમવાળાની ક્રિયા શ્રીજીમહારાજ અનુસંધાન પ્રમાણે કરાવે છે, પણ તેને ખબર રહેતી નથી. ગોરધનભાઈ છોકરાને ટાંગો ઝાલીને ખણી જાતા તે કેમ ઝલાય તેની ખબર નહિ, અને સાકર છે કે મીઠું છે તેની ખબર નહિ, અને કોઈક વખતે ઘણું જમે ને ક્યારેક થોડું જમે ને ક્યારેક જમે પણ નહિ, બધું મહારાજના હાથમાં. એ તો શ્રીજીમહારાજ જાળવે જ. જેમ બાળકનું પ્રારબ્ધ માવતર છે તે બાળકને નાગ, વાઘ, અગ્નિ આદિથી જાળવે છે તેમ. આપણો હરજી નાનો હતો ત્યારે ગંજીમાંથી નાગને પૂંછડેથી ઝાલ્યો તે અમે મુકાવ્યો, તેમ ઉપશમદશાવાળાને મહારાજ જાળવે છે. અયોધ્યાપ્રસાદજી મહારાજને ધ્યાન કરતાં લૂગડામાં વીંછી હતો તે સાત-આઠ ઠેકાણે કરડ્યો તોપણ ધ્યાનમાંથી ઊઠ્યા નહિ, ને ધ્યાન કરીને પછી વાત કરી જે, આ લૂગડામાં શું છે, જુઓ ! પછી પાળાએ જોયું તો વીંછી નીકળ્યો. તેવી સ્થિતિ ઉપશમ કરતાં પણ અધિક કહેવાય. વળી, ગામડી ગામમાં પધાર્યા હતા; ત્યારે દૂધપાકમાં સાકરને બદલે ભૂલથી મીઠું નાખ્યું હતું, તોપણ નિત્ય જમતા તેટલું જમી ગયા, તે પણ ગોરધનભાઈથી અધિક સ્થિતિ કહેવાય, કેમ જે ગોરધનભાઈને તો ખબર નહોતી પડતી, ને મહારાજશ્રીને તો આત્મનિષ્ઠા હતી. તે આત્મનિષ્ઠાને બળે કરીને વીંછીની પીડાને ખમ્યા ને મીઠું જમી ગયા, માટે તે વિશેષ કહેવાય અને તેથી પણ ત્રણે અવસ્થામાં અખંડ મૂર્તિ દેખાય તે શ્રેષ્ઠ છે અને તે જીવસત્તાએ જોવાય છે. તે કરતાંયે શ્રીજીમહારાજનું તેજ જેને આત્મા કહે છે તે તેજને વિષે મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય તે શ્રેષ્ઠ છે, ને તે સિદ્ધમુક્ત કહેવાય ને પરમએકાંતિક કહેવાય. અને જે મૂર્તિમાં સળંગ વ્યાપીને મૂર્તિનું સુખ લે તે અનાદિ કહેવાય અને તે સૌથી શ્રેષ્ઠ છે. એક સમયને વિષે શ્રી રઘુવીરજી મહારાજ અમદાવાદ પધાર્યા હતા ત્યારે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કહ્યું જે, તમો તો આ મોટા શહેરના વ્યવહારમાં બહુ જ બંધાઈ ગયા. પછી શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ બોલ્યા જે, તમો ભગવત્પ્રસાદજીને વરતાલનો વ્યવહાર સોંપી દો અને અમે કેશવપ્રસાદજીને સોંપી દઈએ, અને આપણે બંને ગઢડા, મૂળી, જૂનાગઢ, ભૂજ, જ્યાં કહો ત્યાં એક ઠેકાણે બેઠા બેઠા શ્રીજીમહારાજનું અખંડ ધ્યાન-ભજન કરીએ. પછી શ્રી રઘુવીરજી મહારાજ તો કાંઈ બોલ્યા નહિ, ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજ બોલ્યા જે, “જે દિવસના શ્રીજીમહારાજ પાસે આવ્યા છીએ ત્યારથી અમે તો ત્રણે અવસ્થામાં શ્રીજીમહારાજની મૂર્તિને અખંડ તેજના સમૂહમાં દેખીએ છીએ અને આ અમદાવાદનો સત્સંગનો વ્યવહાર તો અમને રંચમાત્ર પણ ગણતીમાં નથી; અમે તો સદાય મૂર્તિમાં જ નિમગ્ન રહીએ છીએ.” એવી સ્થિતિ શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજની હતી. ।। ૧૯૪ ।।