વાર્તા ૨૩

વૈશાખ વદિ ૧૦ને રોજ રાત્રે હળવદના ત્રિભોવનભાઈએ પૂછ્યું જે, “કીડીબાઈ ચાલ્યાં સાસરે, નવ મણ કાજળ સાઈ; હાથી લિયા ગોદ મેં, ઊંટ લિયા લટકાઈ.” એ સાખીનો અર્થ શો હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કીડી તે જીવ જાણવો, સાસરું તે શ્રીજીમહારાજનું ધામ જાણવું, આંજણ તે નવ આવરણ જાણવાં, તે આવરણ ટળી જાય તે આંખમાં આંજી લીધાં; આગળ ચાલ્યો તે ઊંટને ઠેકાણે બ્રહ્મકોટિ છે અને હાથીને ઠેકાણે અક્ષરકોટિ છે, તેમને પોતાની સાથે શ્રીજીમહારાજ પાસે લઈ જાય એવો સમર્થ થાય છે.

પછી અમીચંદભાઈએ પૂછ્યું જે, “બાપ પહેલાં બેટા જન્મ્યા, પીછે મોટા ભાઈ; ધામધૂમ સે પિતા જન્મ્યા, પીછે જન્મી માઈ.” તે શું સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, નાના ભાઈ તે જ્ઞાન છે. તે સંતને સમાગમે કરીને પ્રથમ જ્ઞાન આવે; પછી વૈરાગ્ય ઉદય થાય તે મોટો ભાઈ જાણવો, પછી ભાગવત ધર્મ આવે તે પિતા જાણવા અને પછી શ્રીજીમહારાજને વિષે પ્રેમલક્ષણા ભક્તિ આવે તે માતા જાણવી.

પછી વળી સરસપુરના પ્રાણશંકરભાઈએ પૂછ્યું જે, “ગપ્પીને ઘેર ગપ્પી આવ્યા, કહો ગપ્પીજી; બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી.” તે શું સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ચીભડું તે માયા જાણવી અને બી તે જીવ જાણવો. જીવ જ્યારે માયાના બંધનથી છૂટે ત્યારે માયાથી મોટો થાય એમ સમજવું.

પછી વળી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “જૂના વચનામૃતમાં ચતુષ્ક કહ્યા છે; તેમાં પહેલા ચતુષ્કમાં નારાયણ, નર, હરિ અને કૃષ્ણ એ ચારનું એક ચતુષ્ક કહ્યું છે તે કેવી રીતે સમજવું ? અને બીજું વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એ ચારનું ચતુષ્ક કહ્યું છે, તે કેવી રીતે સમજવું ?” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, નારાયણ તે શ્રીજીમહારાજને કહ્યા છે. અનાદિમુક્તોને કૃષ્ણ કહ્યા છે તે શાથી કહ્યા છે ? તો, જીવોને શ્રીજીમહારાજની મૂર્તિમાં આકર્ષણ કરે છે એટલે મૂર્તિમાં ખેંચી લે છે માટે અનાદિમુક્તને કૃષ્ણ નામે કહ્યા છે. પરમએકાંતિક જે શ્રીજીમહારાજને સન્મુખ રહ્યા છે તેમને નર નામે કહ્યા છે. એકાંતિકને હરિ નામે કહ્યા છે. શાથી જે જીવોને માયામાંથી લઈને સત્સંગી કરે છે, એમ માયામાંથી હરી લે છે માટે એકાંતિકને હરિ એવે નામે કહ્યા છે. માટે નારાયણ તે શ્રીજીમહારાજ જાણવા, કૃષ્ણ તે અનાદિમુક્ત જાણવા, નર તે પરમએકાંતિક જાણવા અને હરિ તે એકાંતિક જાણવા; એ એક ચતુષ્ક છે. બીજું ચતુષ્ક એ છે જે, શ્રીજીમહારાજના તેજને વાસુદેવ કહ્યા છે, મૂળઅક્ષરને અનિરુદ્ધ કહ્યા છે, શ્વેતદ્વીપપતિ વાસુદેવબ્રહ્મને પ્રદ્યુમ્ન કહ્યા છે અને મહાકાળને સંકર્ષણ કહ્યા છે. તેમનાં લક્ષણની વિગત જે, શ્રીજીમહારાજનું તેજ અક્ષરાદિક સર્વેને વિષે અંતર્યામીપણે વાસ કરી ઐશ્વર્ય, સામર્થ્ય આપે છે તેથી વાસુદેવ કહ્યા છે. ઉત્પત્તિ કરનાર મૂળઅક્ષર છે તે અનિરુદ્ધ નામે કહેવાય છે. વાસુદેવબ્રહ્મ છે તે માયામાંથી જીવોને કાઢીને પોતાનું બ્રહ્મપુર ધામ ત્યાં પોતાની સમીપે લઈ જઈને પોતાનું સુખ આપે છે માટે તેમને પ્રદ્યુમ્ન કહ્યા છે. મહાકાળ છે તે આત્યંતિક પ્રલયને સમયે મૂળપુરુષ જે ઈશ્વર અથવા કૃષ્ણ તેનાં કાર્યનો નાશ કરે છે માટે તેને સંકર્ષણ નામે કહ્યા છે. આમ, શ્રીજીમહારાજનું તેજ તે વાસુદેવ, મૂળઅક્ષરકોટિ તે અનિરુદ્ધ, વાસુદેવબ્રહ્મ એ પ્રદ્યુમ્ન અને મહાકાળ તે સંકર્ષણ એ બીજું ચતુષ્ક જાણવું. ।। ૨૩ ।।