વાર્તા ૨૨૨
વૈશાખ વદ ૭ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૩૧મું વચનામૃત વંચાતું હતું, તેમાં સર્વ કારણના કારણ એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આમાં બે કારણ થયાં. એક અનાદિ એ કારણ અને તેના કારણ શ્રીજીમહારાજ. જ્યાં સુધી આવું પુરુષોત્તમનારાયણનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્યાં ત્યાં વલખાં કરાય છે. મહારાજે આ સભા અક્ષરધામની કહી છે, માટે આ સભાને દિવ્ય જાણવી અને મૂર્તિઓને વિષે ધાતુ-પાષાણભાવ ન રાખવો. અમારો સિદ્ધાંત એવો છે, પછી તમે મરડી-મચોડી ક્યાંઈક લઈ જાવ તો ભલે. મહારાજે તો કહ્યું જે, અમારા સંતને ને અમને જેવડા જાણશો તેવા થાશો. સ્વામિનારાયણને ઘેર બધી વસ્તુ છે. વિષયી, મુમુક્ષુ, પરમ એકાંતિકમુક્ત અને અનાદિમુક્ત એ સર્વે છે. માટે મોટાને ન ઓળખે અને મોટાનો મહિમા ન સમજે તો તે કયે ઠેકાણે જાય ? આ સભા તો અક્ષરધામનો દરવાજો છે અને પૂરું તો સાક્ષાત્કાર અનુભવજ્ઞાન થાય ત્યારે થાય. જે મૂર્તિ સાથે રસબસ કરે તે અનુભવજ્ઞાન કહેવાય. તે મહારાજની મૂર્તિમાં જોડાય તો એવું જ્ઞાન થાય.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, અનુભવજ્ઞાન તે શું સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ જળ પોતે ઊંડું લઈ જાય છે તેમ પુરુષોત્તમનારાયણની ખુશબો છે તે જીવને ખેંચીને મૂર્તિમાં લઈ જાય છે. એ ખુશબો તે અનુભવજ્ઞાન જાણવું. તે સર્વેથી પર શ્રીજીમહારાજ અને અનાદિમુક્તને સમજે ત્યારે અનુભવજ્ઞાન થયું કહેવાય, પણ ખોટાને ખોટું કરે તે સાચું જ્ઞાન ન કહેવાય. મહારાજની મૂર્તિથી ઓરું અક્ષર પર્યંત સર્વે ખોટું થઈ જાય અને મહાપ્રભુજીની મૂર્તિમાં જોડાઈ જવાય એ અનુભવજ્ઞાન કહેવાય, માટે અનુભવજ્ઞાન સિદ્ધ કરીને મૂર્તિમાં રસબસ થઈ જવું. અનાદિ વસ્તુ જે મહારાજ ને મુક્ત તેમને ઓળખવા. તે બહુ કઠણ છે. સોની હોય તે સોનાની ભૂલ શોધી કાઢે. આ અક્ષરધામની સભા છે તેને ચૂંથી ન નાખવી એટલે સાધનદશાવાળાની સાથે ન ગણવા. કલ્યાણસંગજીને રામપરામાં ચિત્રની પ્રતિમા અમે બતાવીને કહ્યું કે આ મૂર્તિને શું કહેશો ? ત્યારે એમણે કહ્યું જે, સાક્ષાત્ મહારાજ છે. ભારાસરમાં એક સાધુ માંદા હતા તેને જોવા માટે અમે ગયા. ત્યારે સ્વામી અક્ષરજીવનદાસજીએ સાધુને કહ્યું કે, આ કોણ છે ? ત્યારે તે સાધુએ કહ્યું કે, આ વૃષપુરના અબજીબાપા છે. એની બાધિતાનુવૃત્તિ હતી. આપણે તો મહારાજની સભા અને મહારાજની મૂર્તિ જોઈએ. જુઓને ! સ્વરૂપાનંદ સ્વામીનો મંદવાડ, દાદાખાચરનો મંદવાડ. તે જુએ તો અધૂરા જ્ઞાનવાળાને સરખું ન રહેવાય. પછી એક હરિભક્ત પ્રત્યે બોલ્યા જે, આ સંત કોણ છે ? ઓળખો છો ? ખોળી આવો, આખા બ્રહ્માંડમાં ક્યાંય જડ-ચૈતન્યના ત્યાગી આવા મળે છે ? પછી સંતો પ્રત્યે બોલ્યા જે, જડમાં માલ શું છે ? એ તો ઝેર છે. જો ખરું જ્ઞાન હોય તો તેના ઉપર લઘુ કરીને અને ઝાડે ફરીને ચાલ્યા જાય. એમાં શું માલ છે ? પણ આવા મોટા મળવા કઠણ છે. અમે માંડવી ગયા હતા ત્યાં રામકૃષ્ણભાઈએ કહ્યું કે આ કણબી કેમ ફરતા હશે ? ત્યારે અમે કહ્યું કે, કણબી તે બીવાળા છે. તે બી તે મહારાજની મૂર્તિ તેમાં રસબસ રહેલા છે. તમારું બી બળી ગયું. તમે આવાં પુસ્તકો વાંચો છો. તે શાસ્ત્ર તો વૈરાજનારાયણની વાતો કરે છે. તે તમે વૈરાજનારાયણને ત્યાં જશો કે અક્ષરધામમાં જશો ? પછી તો વાત સમજાણી એટલે મુખમાં તરણું લઈને રોયા ને બોલ્યા જે, મારો મોક્ષ કરજો અને જો જન્મ ધરાવો તો કણબીના કુળમાં જન્મ આપશો, પણ બ્રાહ્મણના કુળમાં ન આપશો. આપણે તો અધમ જીવને પણ ઉદ્ધારવા છે. આપણે ઘેર વસ્તુ સાચી છે, તેને શીદ વંજાવવી જોઈએ ? બ્રહ્મચારીની વાત ઉડાડી તે સાંભળીને અમારું તો કાળજું બળી ગયું. આવા અપરાધ થાય તો સાધન બધાં બળી જાય ! જેમ “કોળી કોળીથી કાંપો, ને કાંપે કાંપેથી ભારી; અને ભારી ભારીથી ગાડું અને ગાડે ગાડેથી ગંજી થાય.” તેમાં એક દીવાસળી મૂકે તો બધું બળી જાય. માટે આવો એક અપરાધ થાય તો બધું બળી જાય. મહારાજ કહે ત્રણ ગુણ કાઢી નાખવા. એ ગુણ હોય ત્યાં સુધી સત્સંગમાં સુખ આવવા દે નહીં. બધે જોઈ આવે, તમોગુણ બધાનું ખાઈને અભડાઈ આવે. નબળા માણસ સત્સંગમાં ન ખપે (જોઈએ). એ ભગવાન ભજ્યામાં કામ ન આવે. સાચું બી રાખશો તો ઊગી આવશે. જેમ આ બાજરો પરમ દિવસે વાવ્યો હતો અને આજ ઊગી ગયો તેમ. પછી બોલ્યા જે, લીલું બે પ્રકારનું છે. એક દેવાળું કાઢે તે પણ લીલું કહેવાય અને સારું કામ કરે તે પણ લીલું કહેવાય. તેમ મોટા સત્પુરુષની નિંદા કરનારા નબળા માણસ સત્સંગમાં નખોદ વાળે એવા હોય તે ભગવાનને અને અનાદિમુક્તને પણ ઓળખે નહીં. જેને પોતામાં દોષ છે તેને મોટામાં દોષ સૂઝે છે. નિશ્ચયમાં કસર હોય તો ડગી જવાય, માટે નિર્વાસનિક થઈને ભગવાન ને ભગવાનના સંત સાથે એકતા કરવી. જેને પરિપક્વ નિશ્ચય હોય તેને કાંઈ ન અડે. અનાદિ કોઈના દોષ દેખતા નથી, અધમ જેવા જીવને પણ ઉદ્ધારે છે અને બિચારો કોઈ જીવ રખે દુઃખિયો થઈ જાય એવી દયા રાખે છે. એવી દયા રાખે તો મહારાજ રાજી થાય. તે વખતે બે કબૂતર લડતાં હતાં. તેને જોઈને કહ્યું કે આમ કાંઈ મ કરજો. આમ કરતાં કરતાં બાજ પક્ષી ઉપાડી જાય, તેમ કાળ લઈ જાય. આ વખત નહિ મળે. મહારાજને સંભારશો તો સદ્ગુરુ થાશો અને મહારાજને મૂકશો તો કોઈ ભાવ નહિ પૂછે. જેવા ગોપાળાનંદ સ્વામી હતા, જેવા નિર્ગુણદાસજી સ્વામી તેવા આ ઈશ્વર બાવો છે ! મીસરી દૂધમાં નાખી હોય તો ખોળી ન જડે, તેમ મુક્ત મૂર્તિમાં રસબસ રહે છે. સર્વના આધાર, સર્વના કર્તા, સર્વના નિયંતા અને સર્વે દિવ્યના પણ દિવ્ય એવા ભગવાન આપણને મળ્યા ! એમાં કોઈએ કુતર્ક કરવો નહીં. મહારાજની આજ્ઞામાં રહેવું; નાટક, ચેટક, ભાંડ, ભવાઈ, જોવી નહીં. આ તો જેમ શુદ્ર ભિખારણે છોકરી ઉકરડામાં નાખી તેને કોઈ સારા માણસે લઈ મોટી કરી. તે રૂપાળી હતી તેથી રાજા પરણ્યો. પછી તે બહુ માંદી પડી. પછી ગોખલામાં રોટલાનાં બચકાં મૂક્યાં. તે તેણે ગોખલા પાસેથી માગી માગીને ખાધાં ને પુષ્ટ થઈ; પછી તેને રાજાએ ગોળીએ દીધી. તેમ જે શૂદ્ર ભિખારણ જેવા સ્વભાવ રાખે તેનો શ્રીજીમહારાજ ત્યાગ કરે, માટે માયિક વાસના ન રાખવી. સત્સંગમાં દાસપણું રાખવું. રજોગુણ-તમોગુણ તો પાપરૂપ છે, તેનો ત્યાગ કરીને શુદ્ધ સત્ત્વગુણ રાખવો; જેથી ગુરુની, સભાની, સત્સંગની સેજા રહે. ભગવાન કરતાં ગુણો વહાલા રાખે તો દુઃખી થાય. તમોગુણ તો કાળા નાગ જેવો છે. આ માયિક જણસ તો જોઈએ જ નહીં. જેને અખંડ સોહાગી થાવું હોય તેણે મોહનિદ્રામાંથી જાગી જાવું અને દાસપણું રાખવું. ।। ૨૨૨ ।।