વાર્તા ૧૬૦
ફાગણ સુદ ૬ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, વ્યાવહારિક કામમાં સાધુ અમંગળિક છે, માટે જેટલો વ્યાવહારિક કામમાં ભાગ રાખે તેટલું દુઃખ આવે; પછી મહારાજને માથે નાખે જે શ્રીજીમહારાજની મરજી હશે તેથી એમ થયું હશે. પણ એમાં શ્રીજીમહારાજ શું કરે ? એ તો સ્વભાવ-પ્રકૃતિએ થાય છે અને કેટલુંક તો ક્રિયમાણથી થાય છે, માટે મહારાજને માથે નાખવું નહીં. ભૂંડા દેશકાળ થાય છે તે પણ પુરુષને લઈને થાય છે. સત્સંગનો વ્યવહાર કરનારામાં જો શ્રીજીમહારાજ ન હોય તો એ શું સારું કરે ? ક્રિયમાણના કર્તા તો પુરુષ છે, તે પુરુષ જો સારા હોય તો સારું ચલવે ને નબળા હોય તો બગાડે. અમે તો એવા હોય તેને જાણી લઈએ જે આથી સમાસ થાશે કે નહિ થાય. એમ વાત કરીને બોલ્યા જે, સાધુનો તો અહિંસા ને બ્રહ્મચર્ય એ જ ધર્મ છે માટે કોઈ જીવ દુઃખાય એવું વચન પણ બોલવું નહીં. તમારા સંકલ્પથી જેમ જીવનાં કલ્યાણ થાય છે, તેમ જ ભૂંડું થવાનો સંકલ્પ કરો તો ભૂંડું પણ થાય; માટે ક્ષમા રાખવી. કોઈનું ભૂંડું થાય એવો સંકલ્પ કરવો નહીં. એમ વાત કરીને બોલ્યા જે, તમે શાસ્ત્ર ભણેલા છો તે એકધારી વાત કરો, અને અમે તો ટોકર-ટોકર માગીને ભેળું કરીએ છીએ, પણ એમાં ભગવાનને સાથે રાખીને વાત કરીએ છીએ. પરોક્ષના શાસ્ત્રમાં તો પૂર્વે કોઈએ દોઢ, કોઈએ બે, કોઈએ અઢી એવા ઉગાર્યા છે, તે પણ મૂળમાયામાંથી ઉગાર્યા નથી. આજ તો આ વચનામૃતને ભણે ને સમજે તો અનંત જીવનો ઉદ્ધાર કરવાની તેમાં સામર્થી આવે. જ્યારે આ વચનામૃત ભણવા અને કથા કરવા પાટે બેસવું ત્યારે એમ જાણવું જે હું પાટે બેઠો નથી પણ શ્રીજીમહારાજ બેઠા છે ને તે બોલે છે ને મહારાજ ને અનાદિમુક્ત તે પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરે છે ને હું સાંભળું છું એમ જાણવું. કોઈના સામું જોવું નહિ, ફક્ત શ્રીજીમહારાજ તથા તેમના મુક્તની સભા સામું જોઈ રહેવું. પણ પોતે કર્તા ન થાવું જે હું કથા-વાર્તા કરું છું ને બીજાને સંભળાવું છું. એ તો મહારાજ ને મુક્ત મારે મુખે બોલે છે પણ હું નથી બોલતો એમ જાણવું. કોઈક પૂજા કરે તો મહારાજની અને મુક્તની કરે છે પણ મારી નથી કરતા એમ માનવું. આપણે વખત સારો આવ્યો છે કેમ જે આ મહારાજ ને મુક્ત ખરેખરો સ્વાંત વરસાવે છે તેને જો અધ્ધરથી ઝીલે તો મૂર્તિના સુખે સુખી થવાય. આ સંતને વિષે રહીને શ્રીજીમહારાજ બોલે છે, જમે છે, માટે આ સંત ને ભગવાન તેમની અન્ન, જળ, દ્રવ્યે કરીને સેવા કરવી. કોઈને એમ થાય જે સત્સંગમાં તો ઘણાય રૂપિયા છે, એમને શી ખોટ છે તે આપીએ ? ગરીબને આપણે આપીએ તો ઠીક. આ તો દરિયામાં વરસાદ થયો તોય શું ? અને ન થયો તોય શું ? સૂકામાં વરસે તો અનાજ પાકે છે તેમ ગરીબને આપીએ તો દુઃખી થતા મટે, એમ કોઈને થાય તો તેમને જણાવીએ છીએ કે સૂકામાં તો કેવળ અનાજ જ પાકે ને સમુદ્રમાં વરસવાથી તો સાચાં મોતી પાકે. એટલે સત્સંગમાં ધનથી કે અન્ન-જળાદિકથી સેવા કરે તો સાચાં મોતીરૂપી આત્યંતિક મોક્ષ થાય છે તેવો બીજે મોક્ષ નથી, માટે જે જે સેવા કરવી તે સત્સંગમાં જ કરવી ને તે દિવ્ય જાણીને કરવી. આ સંત કેવા છે તો અકેકા સંતમાં શ્રીજીમહારાજ અને અનંત મુક્ત રહ્યા છે, તેથી એક સંતની સેવા કરે તો શ્રીજીમહારાજની ને અનંત મુક્તની સેવા જેટલું ફળ થાય છે, એવી આ સેવા છે. ।। ૧૬૦ ।।