વાર્તા ૨૦૭
વૈશાખ વદ ૧૦ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મહારાજે ડભાણમાં યજ્ઞ કર્યો ત્યારે મૂળજી બ્રહ્મચારી તથા મુક્તાનંદ સ્વામીએ ચાર દિવસ સુધી શ્રીજીમહારાજના થાળનું વહેલું-મોડું કર્યું. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “યજ્ઞ કોના સારુ કરો છો ? અમને તો ચાર દિવસથી ટાણે ટાણે જમાડતા નથી.” માટે કેવળ ક્રિયારૂપ ન થાવું; ને સર્વે ક્રિયામાં શ્રીજીમહારાજની સ્મૃતિ રાખવી પણ મહારાજને ભૂલીને કાંઈ ક્રિયા કરવી નહીં. પછી બોલ્યા જે, કથા વાંચો.
પછી પ્રથમ પ્રકરણનું ૬૩મું વચનામૃત વાંચવા માંડ્યું; તેમાં નિશ્ચયની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજને અંતર્યામી કહે પણ જાણે નહિ અને મારું કલ્યાણ થાશે કે નહિ એવા ઘાટ થાય તે નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો કહેવાય. અને પૂર્ણાનંદ સ્વામી જે ગજો ગઢવી તે માને કરીને ગયા અને ગૃહસ્થાશ્રમ કર્યો તોપણ શ્રીજીમહારાજનો નિશ્ચય જો બરાબર હતો તો અંત સમયે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તેડવા આવ્યા. તેમને કહ્યું જે, તમારો તેડ્યો નહિ આવું; મહારાજ આવશે ત્યારે આવીશ, પછી તે પાછા ગયા ને શ્રીજીમહારાજ પધાર્યા ને કહ્યું જે ચાલો, ત્યારે પોતે બોલ્યા જે, ગામમાં પરચો આપીને તેડી જાઓ તો આવું. પછી મહારાજ આખા ગામને દર્શન આપીને તેડી ગયા. તેમને પરિપક્વ નિશ્ચય હતો તો ત્યાગી મટીને ગૃહસ્થ થયા તોપણ મારું કલ્યાણ થાશે કે નહિ થાય, એવો સંકલ્પ જ થયો નહિ; એનું નામ નિશ્ચય કહેવાય.
અને ડુમાલી ગામમાં રામજી ઠક્કર હતા, તેમને સંવત ૧૯૪૬ના વૈશાખ માસમાં બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ સાત મુક્ત તેડવા આવ્યા ત્યારે તેમણે કહ્યું જે, મેં શિક્ષાપત્રીનું કિયું વચન લોપ્યું છે, તે શ્રીજીમહારાજ ન આવ્યા ? તે કહો. ત્યારે મુક્ત બોલ્યા જે, શિક્ષાપત્રીનું વચન તો લોપ્યું નથી. ત્યારે તે ભક્ત બોલ્યા જે, તો તો તમારો તેડ્યો નહિ આવું. પછી મુક્ત બોલ્યા જે, આજથી ચોથે દહાડે એકાદશીને દિવસ શ્રીજીમહારાજ તેડવા પધારશે, એમ કહીને અદૃશ્ય થઈ ગયા. પછી એકાદશીને દિવસે મહારાજે દર્શન આપ્યાં ને કહ્યું જે ચાલો, ત્યારે તેમણે એમના મોટા ભાઈ જે પ્રાગજીભાઈ, તેમને તથા તેમની માતુશ્રીને કહ્યું જે, મહારાજ તેડવા પધાર્યા છે ને હું જાઉં છું. પછી એમની માતુશ્રીએ કહ્યું જે, તારે સાટે મને લઈ જાય એમ મહારાજને કહે. ત્યારે તેમણે કહ્યું જે, મારું બગાડીને તારું કેમ સુધારું ? મને આ નર્કરૂપ દેહમાંથી છોડાવીને પોતાની મૂર્તિને સુખે સુખિયો કરવા પધાર્યા છે, તે સુખ મૂકીને નર્કમાં શું કરવા રહેવું પડે ? પછી એમની માતુશ્રીએ કહ્યું જે, મને મહારાજ ક્યારે લઈ જાશે તે તો પૂછી જો. પછી તેમણે મહારાજને પૂછ્યું, ત્યારે મહારાજ બોલ્યા જે, “આજથી બે વર્ષે તારી માતુશ્રીને લઈ જઈશું અને પાંચ વર્ષે તારા મોટા ભાઈને લઈ જઈશું.” રામજી ભક્તે એ વાત પોતાના ભાઈ તથા માતુશ્રીને કહી દેહ મેલ્યો. એ પ્રમાણે એમની માને તથા એમના ભાઈને મહારાજ તેડી ગયા હતા. એમ પરિપક્વ નિશ્ચયવાળાને ડગમગાટ ન રહે. પછી વાર્તાની સમાપ્તિ કરીને સંત સર્વે થાળ કરવા ગયા અને થોડીક વાર પછી બાપાશ્રી જમવા પધાર્યા ને સંતની જમવાની પંક્તિ થઈ હતી, એમને દંડવત કરીને દર્શન કરતા હતા. ।। ૨૦૭ ।।