વાર્તા ૨૩૪

જેઠ સુદ ૫ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, લાખ વર્ષ હરિજનોએ અને સાધુએ તપ કર્યાં હશે ત્યારે આવા બ્રહ્મચારી (નિર્ગુણાનંદજી) મળ્યા હશે. કરસન ભક્ત શિક્ષાપત્રીનો પાઠ કરતો જાતો હતો, તે ચોપડીમાં સો રૂપિયાની નોટ હતી તે નીચે પડી ગઈ, તે કોઈક સાધુએ દબાવી દીધી. તે કણબીને તો રોજના આઠ દોકડા જ મળે પણ એથી વધુ ન મળે, તો સો રૂપિયાની નોટ તો મારી દે. તેને કેટલું દુઃખ થયું હશે ? પછી વાત કરી જે, ભૂતક્રિયામાં મહારાજ એકે સેવા અંગીકાર કરે નહીં. ભૂતક્રિયા એટલે શૌચ ન જાવું તે, માટે નાહી, ધોઈને પૂજા કરવી તેમ વચનામૃતમાં કહ્યું છે. એમ કહીને હસ્યા કે શૌચવિધિ તે તો સત્તરમું સાધન કહેવાય. બહાર જવાનો સંકલ્પ હોય અને બહિર્ભૂમિ ગયા વિના નાહીને પૂજા-સેવા કરે તે દેવ અંગીકાર ન કરે, જરા પણ સેવા આટલીયે અંગીકાર ન કરે. દેવ જેવો થાય ત્યારે જ દેવ પૂજા અંગીકાર કરે. તે દેવ એટલે દિવ્ય સમજવું. કોણ પૂજા એની અંગીકાર કરે ? એનો બાપ. બાપો (મહારાજ) તો પરો ભાગી જાય ! અને મંદિરના ખાડે હજાર માળા ફેરવે તેનાથી જવાય. આ ગૃહસ્થને પણ શિક્ષા છે. લાભ કઈ સેવામાં વધુ છે ? લાભની વાત લેવી. મહારાજ અને મોટા તો જાણે છે. તન કી, મન કી, ચિત્ત કી સર્વે જાણે છે.

એમ કહીને પછી બોલ્યા જે, મહારાજની સ્મૃતિ રાખતા રાખતા વૃત્તિ દિવ્ય થઈ જાય અને પછી તેજોમય ફુવારા ઝળળળ ઝળળળ દેખાય અને મૂર્તિ તેજોમય દેખાય. ટાણું સારું છે, પણ ઠરાવ બધા બહારવૃત્તિના. ત્યારે સંતે કહ્યું જે, અગમ-નિગમ દેખવું નથી, મૂર્તિનું સુખ દેખવું છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજ અને મોટાની કૃપા થાય અને એવો અભ્યાસ મૂર્તિ જોવાનો રાખે તો મૂર્તિનું સુખ મળે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચવિષય ટૂંકા કરવા અને મલિન સત્ત્વગુણ આવી જાય તો મોટા કુરાજી થઈ જાય, માટે શુદ્ધ સત્ત્વગુણે વર્તવું. ગુણ આવી જાય તો ગુરુની સેજા (માજા) ન રહે, માટે શુદ્ધ સત્ત્વગુણ રાખવા; મલિન ન રાખવા. શુદ્ધ સત્ત્વગુણ રાખે (નાખે અદાવત ને દિયે ગાળ્યું, તેને ભક્ત સમજે છે દયાળુ) તે શબ્દની કિંમત ન કરે. સદાનંદ સ્વામીને નાગડા વૈરાગીએ લાકડીથી માર્યા તે લાકડી ભાંગી ગઈ તોય “મેરે ગુરુભાઈ કી અચ્છી સીસમ કી લકડી ભગ ગઈ” એમ બોલ્યા; પણ પોતાને વાગ્યું તે ગણ્યું નહીં. દેહને વાગ્યું તે “દેહ તો કુચ્છ કામ કા નહિ હૈ” એમ બોલ્યા માટે એવા થાવું. ઇન્દ્રિયો જાગૃત-સ્વપ્નમાં નિયમમાં ન રહે; પાડા જેવી થઈ જાય અને ઉપવાસ ભૂસોભૂસ પાડે માટે નિયમમાં રાખવી.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, બીજા પ્રશ્નમાં બહાર અથવા માંહીલી કોર ભગવાનની મૂર્તિ સામી વૃત્તિ કરવી એ જ અંતર્દૃષ્ટિ કહી તે બહાર-માંહી કેવી રીતે સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પોતાને દેહરૂપ માનીને સન્મુખ મૂર્તિ ધારે તે બહારદૃષ્ટિ કહેવાય અને વૃત્તિઓ પાછી વાળીને આત્માને વિષે મૂર્તિને ધારે તે અંતર્વૃત્તિ કહેવાય (એ અવરભાવનો અર્થ). અને પોતાને પુરુષોત્તમરૂપ માનીને સન્મુખ મૂર્તિ જુએ તે મૂર્તિથી બહાર રહીને કહેવાય, અને મૂર્તિની અંદર રહીને મૂર્તિને જુએ તે માંહી રહીને કહેવાય (એ પરભાવનો અર્થ). માટે આ ઠેકાણે માંહી અથવા બહાર જુએ તે અંતર્દૃષ્ટિ કહી તે મૂર્તિની માંહી એ પરભાવમાં અને મૂર્તિથી બહાર રહીને જુએ એ અવરભાવમાં એમ કહ્યું છે. ।। ૨૩૪ ।।