વાર્તા ૨૫૧

પોષ સુદ ૫ને રોજ સવારે શ્રી વિરમગામના મંદિરમાં લોયાનું ૭મું વચનામૃત વંચાતું હતું, તેમાં ધામમાં મૂર્તિ અને મનુષ્યરૂપ અને પ્રતિમા તે એક જ સમજવાનું આવ્યું.

પછી સંતે પૂછ્યું જે, મનુષ્ય રૂપે ઓળખ્યા વિના દર્શન થાય તેનું જન્માંતરે કલ્યાણ થાય તેવું પ્રતિમાનાં દર્શને થાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પ્રતિમાનાં દર્શને પણ એવું જ કલ્યાણ થાય અને જો પ્રતિમાનો મહિમા જાણીને દર્શન કરે તો આ જન્મે જ આત્યંતિક કલ્યાણ થાય. ઉપશમ થાય ત્યારે કાંઈ ખબર રહે નહિ અને ક્રિયા બધી કર્યા કરે. પર્વતભાઈ સાંતી હાંકે, ગાડું હાંકે, સાંઠીઓ ખોદવા જાય એમ બધી ક્રિયા કરે તોપણ મહારાજની મૂર્તિ અખંડ રાખે. નિર્વિકલ્પ સમાધિ છે તે ઘણા જીવોને સમાસ કરે છે અને અક્ષરધામની છે, અને સવિકલ્પ સમાધિ તો ચમત્કાર જણાવે, પણ સમાસ એવો ન થાય. ઉપશમ અવસ્થાવાળામાં ભગવાન સદા બિરાજમાન છે, એમ વિશ્વાસ રાખે તો તેનું કલ્યાણ થાય. અને એવા પુરુષ નહાતા હોય, તેનું પાણી ઉપર પડે તો પંચમહાપાપ બળી જાય. જળને પાવન કરનાર મોટાપુરુષ છે. જ્યાં શ્રીજીમહારાજ નાહ્યા હોય અથવા મોટાપુરુષ નાહ્યા હોય તે જળમાં જે નહાય તે પાવન થાય છે. ગુરુસ્ત્રીનો સંગ, બાળહત્યા, બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા એવાં પંચમહાપાપ તેને મોટાપુરુષ બાળી નાખે છે એવું મોટાપુરુષના (નાહેલા) જળનું મહાત્મ્ય છે. કલ્યાણ તો ઘણાં છે પણ આ તો આત્યંતિક કલ્યાણ થાય છે. કલ્યાણની કેટલાકને તો ખબરે નથી. એક બ્રાહ્મણે દેહનું કલ્યાણ માગ્યું. આવા મહારાજ અને આવા તમ જેવા સંત એ તો આત્યંતિક કલ્યાણ કરે છે. પ્રથમ શ્રવણભક્તિ, પછી અનુક્રમે પ્રેમલક્ષણા ભક્તિ આવે, તે ઉપર અમરા ભક્તની વાત કરી જે; અમરા ભક્તને રાજાની પાસે હજૂરમાં નોકરી હતી, તે રાજાની આગળ ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ એમ વારંવાર કહે પણ મર્યાદા રાખે નહીં. એવી પ્રેમલક્ષણા ભક્તિ આવે તે ખરી કહેવાય અને આત્યંતિક કલ્યાણ પણ ત્યારે થાય. માટે પ્રથમ નિશ્ચય જોઈએ તે ઉપર કઠિયારાની વાત કરી. મહારાજ અને સંત આજ મળ્યા છે, મળશે એમ ન જાણશો. આજ આવો, આગળ બેસો, એમ કહીએ છીએ તે અવરભાવમાં છે અને પરભાવમાં સર્વે સરખા છે. એવો ભાવ ન સમજાય તેને જન્મમરણ ટળે નહીં. ગઢડામાં મોટા મોટા સંત બેઠા હોય તે પાછળ બેઠેલા સંત-હરિજનોથી પોતાને મોટા જાણતા, પછી મહારાજે પાછળ બેઠેલા સંત-હરિજનોમાંથી તેજનો સમૂહ બતાવ્યો તે આગળ બેઠેલાઓએ પૂછ્યું જે, મહારાજ, આ શું ? પછી મહારાજે કહ્યું જે, તમે અવરભાવના છો ને એ પાછળ બેઠેલા સિદ્ધમુક્ત છે. પછી તેમની મર્યાદા રાખવા માંડી અને જાણ્યું જે, આ બધા મુક્ત છે અને આપણે સાધનદશાવાળા છીએ, તે આ લોકમાં અવરભાવમાં આગળ બેસીએ છીએ. કાર્યમાં જીવને હેત છે, તે કાર્ય કલ્યાણકારી ખરું, પણ વિષયી ને પામર જીવને માટે છે. “સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન” એમ કહીને બોલ્યા જે, “સર્વે કારણના કારણ જીવન જાણું છું.” એનો અર્થ કર્યો જે, બીજું કારણ કિયું ? તો સંત જાણવા, ને તેના કારણ મહારાજ છે. જો અંતઃકરણ ઠારે તો જાણવું જે એમાં કારણ હોવું જોઈએ. જેમ ગાડીનું પાણી ઊનું નીકળે છે તે બાળે છે અને વરસાદનું પાણી ઠારે છે અને સર્વ જીવને જિવાડે છે તેમ સંતને ઓળખવા. સૌ સૌનું ઘર તપાસવું જે કઈ જગ્યામાં છીએ અને કોના છીએ, ત્યાગીનો વેશ હોય પણ મહારાજને ન રાખ્યા હોય તો બીજાનું પણ બગાડે. ભગવા પહેર્યે શું થાય ? જીવાત્મા ભગવો થાય અને મહાપ્રભુજીમાં જોડાય તે ખરું. મૂર્તિ વિના ક્યાંય જોડાય નહિ અને ખાનપાન, ખારું, મોળું, તીખું આદિકની ખબર પડે નહીં. આ ગામમાં મોરારભાઈ રહેતા ત્યારે પાંચ-સાત હરિભક્ત હતા અને આજ ઘણા થયા છે તે કાર્ય વધ્યું, તેમાં મહારાજને ભૂલી જવાય તો કાર્ય ખોટું થઈ ગયું. સંવત ૧૯૧૮ની સાલમાં ગંગાસર તળાવ ઉપર સભા કરી અને નકરી (એકલી) પરભાવની વાતો કરી હતી. અમારો સંઘ ઘણો મોટો હતો અને આજ કાર્ય વધી ગયું એટલે ઝાઝા સત્સંગી થયા છે. કારણનું નિશાન સાથે રાખવું. કાર્ય અને કારણમાં ઘણો ફેર છે. કારણવાળો કારણમાં જોડાય અને જેને કારણ સાથે ન હોય તેને પરચા-ચમત્કાર જોવાની ઇચ્છા રહે પણ તેમાં શું ? કામરૂ દેશના ઘણાય દેખાડે છે, માટે તે જોવાની ઇચ્છા રાખવી નહીં. મૂર્તિમાં જોડાવાની ઇચ્છા અને આગ્રહ રાખવો. કારણમાં જોડાયો હોય તેને બ્રહ્મા જેવો ડોલાવે તોપણ ડોલે નહીં. ચાલ્યો જા કહે તો ચાલ્યો જાય અને જેમ કહે તેમ કરે અને કારણ ન ઓળખ્યું હોય તો કોઈ નિશ્ચયમાંથી ડોલાવે તો ડગી જાય. આપણે જ્ઞાનપ્રલય રાખવો. અવરભાવમાં મનુષ્યભાવે હાલે, ચાલે, જમે, રમે તેમ પરભાવમાં અક્ષરધામમાં કેમ હોય ? એમ કહીને બોલ્યા જે, ધામમાં તો દર્શન કરતા કરતા કલ્પેકલ્પ વીતી જાય અને અહીં નેત્ર મીંચીએ તો કાંઈ નથી અને ઉઘાડીએ તો બધું દેખાય છે (એટલું તો માયિકભાવમાં છે) તો પરભાવમાં તો ઘણું જ્ઞાન છે. સર્વે મુક્ત સાકાર છે અને મૂર્તિમાં રસબસ રહ્યા છે ને બધુંયે જ્ઞાન છે. જેમ ભક્તને દેખવા હોય તેમ દેખાય, મહારાજની મૂર્તિના સુખે સુખિયા થઈ જવાય, ત્યાં દેહના ભાવ નથી. પ્રકૃતિનું કાર્ય મેલીને પરભાવ થાય ત્યારે અનુભવજ્ઞાન તાણી જાય, જેમ ઊંડા પાણીમાં જઈએ તો જળ તાણી જાય છે તેમ. શ્રીજીમહારાજ અને અનાદિ પધાર્યા. આદિ આ બેઠા, પણ છીએ અનાદિ જો ઓળખો તો. અમે આ સભામાં મુક્તાનંદ સ્વામીનાં દર્શન કરીએ છીએ એવું અનુભવજ્ઞાન થાય ત્યારે સુખ આવે.

પછી અમદાવાદનું ૭મું વચનામૃત વંચાતું હતું, તેમાં ગરુડ પણ ઊડી શક્યો નહિ એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ગરુડ અટક્યો, પછી મહારાજ ઊડ્યા, કાંઈ તેના સારુ બેસી રહે ? પછી સાધુને કહે જે, મહારાજો ! એ ધણીમાં જોડાશું ત્યારે એવી સ્થિતિ થાશે. આવા સંત અને મહારાજનું ગમતું કરીએ તો અનુભવજ્ઞાન થાય અને ત્યારે મૂર્તિમાં રસબસ થવાશે. અનુભવજ્ઞાન આપનારા સત્સંગમાં બિરાજે છે ને શ્રીજીમહારાજની મૂર્તિમાં ખેંચી જાય છે તે આ બેઠા. પછી બોલ્યા જે, મોટાનું ધાર્યું કરીએ નહિ ને પોતાનું ધાર્યું કરાવીએ તો ખોટ આવે. આ સંત ને મહારાજ કોઈ બ્રહ્માંડમાં મળે એવા નથી તેનો મહિમા સમજાય નહિ ને એવાને પણ અલ્પ જીવ હોય તે ધોકા મારે ને કહે જે, આટલું ઠીક કરતા નથી પણ અમે તો અનંત જીવનો ઉદ્ધાર કરવા આવ્યા છીએ. આજ ભગવાન ને સંત મળ્યા તો હવે ઇન્દ્રિયોને છૂટી ન કરવી. તે ઘોડા છે તે ઝાલ્યા રહે એવા નથી માટે એને નિયમમાં રાખીને મૂર્તિમાં જોડાવું. મનોમયચક્ર છે તેમાં એક ડોડી છે તેને સાત પડ છે તેની માંહી જીવાત્મા રહે છે. અગ્નિના તણખા જેવો ઝીણો જીવાત્મા છે તેમાં અંતર્યામી ભગવાન રહ્યા છે. તે જ શ્રીજીમહારાજના પ્રકાશથી વિકાસ પામે છે. જીવાત્મા સંગદોષથી અવરાઈ ગયો છે પણ વસ્તુગતે ચોખ્ખો છે. તે ચોખ્ખો હતો તો ચોખ્ખો થયો. પછી બોલ્યા જે તપ, ધર્મ ને વૈરાગ્ય હોય તોપણ ભગવાન અને તેમના સંતનો વિશ્વાસ ન હોય તો કાંઈ કામ આવે નહીં. આપણને તો જોગ મળ્યો છે. બજારમાં જાય તેમાં એક તો મૂર્તિ સંભારતો જાય અને બીજો તો રૂપ જોતો જાય. આપણે તો શ્રીજીમહારાજ, આ સભા, આ સંત રાખવા; તેમાં ખોટ પડે તો જડ માયા અને ચૈતન્ય માયા પેસે, તેથી ગૃહસ્થે નિર્વાસનિક રહેવું; તો સુખિયા રહેવાય. આજ ચોખ્ખું થવાય તો મહારાજ નિવાસ કરીને રહે. વખત સારો છે; જોગ સારો છે. માયા ઓછી કરવાને બદલે વધારે કરે એટલે એક ચામડું જાય ને વળી બીજું કરે. પણ આપણે તો અક્ષરધામની સભા ઓળખીને માયાને તજી દેવી. કહેવાયા તો સારા ને હરાયા ઢોરની પેઠે ચોરીઓ-દારીઓ કરે પણ તે સત્સંગી ન કહેવાય. માટે સત્સંગીએ મોટાં પાંચ વર્તમાન અવશ્ય પાળવાં તથા લોભ તજવો જોઈએ. કારણ કે લોભીની તથા ચોરની આબરૂ જાય છે અને આપઘાત પણ કરવો પડે છે. અમને વીસનગરના સોનીએ કહ્યું કે મને ચોરી કરવાની રજા આપો, કારણ કે બીજા સોની કરે છે. તો અમે કહ્યું કે ભિક્ષા માગીને નિર્વાહ કરવો પણ ચોરી ન કરવી. એમ કહીને પછી વાત કરી જે, શીતળ શાંત જે અક્ષરધામ તેમાં મહારાજ બેઠા છે તે આપણે નજરે દેખીએ છીએ. આવા પ્રત્યક્ષ સંતની સન્મુખ મન, કર્મ, વચને થાય અને મૂર્તિનો જોગ રાખે તેનાં કામ, ક્રોધ અને લોભ ટાળી નાખીએ છીએ. ચાલોચાલ સત્સંગથી તે થાય નહીં. આવી વાત અમે એક બાવાને કરી હતી તે સાંભળીને તેણે અમારો મહિમા જાણ્યો અને કહ્યું કે તમારા દર્શનથી આજ પવિત્ર થયો. પછી વાત કરી જે એક ડોસીને એક છોકરો હતો તે છોકરો સદ્‌. શ્રી મહાનુભાવાનંદ સ્વામી પાસે સાધુ થયો ત્યારે તે ડોસી હાય મહાનુભાવાનંદ ! હાય મહાનુભાવાનંદ ! એમ કૂટવા મંડી. માટે સંબંધીમાં હેત હોય તો એવું થાય. તમે અમારા કહેવાઓ છો તો ખોટું કહેવરાવશો નહીં. મહારાજની મૂર્તિથી જુદા પડવું નહીં. પછી સંત સામી આંગળી કરીને કહે જે, જે અવતાર તે આ સર્વે સંત તે જ અવતાર જાણવા. મહારાજે તમારું ઐશ્વર્ય રૂંધી રાખ્યું છે. એક સંતે સંકલ્પ કર્યો તે ભેળે પ્રલય થવા મંડ્યો તેથી સામર્થ્ય રૂંધી રાખ્યું છે. અત્યારે તો એકડમલ પણ સત્સંગ કરાવે છે. તમે અવતાર છો ત્યારે આવી સેવા અને સન્માન થાય છે તે અવતાર આપણે દેખીએ છીએ. મનન દ્વારે બ્રહ્મનો સંગ કરતા કરતા સાક્ષાત્કાર થાય અને પંચભૂતનો ઘોડો ખોટો થઈ જાય, તે અક્ષરધામરૂપ થયો. પછી મૂર્તિનો સંગ કરવો એટલે મૂર્તિરૂપ થાય. જીવને આ લોકના કાર્યમાં તાન છે તેવું કારણમાં થાતું નથી.

પછી બીજે દિવસે બાપાશ્રી આદિ સૌ સરસપુર પધાર્યા. ત્યાં આસપાસનાં ઘણાંક ગામોના હરિભક્તોને દર્શન-સમાગમ તથા કથા-વાર્તાથી અલૌકિક આનંદ પમાડી શ્રી હરિજીની દિવ્ય મૂર્તિના સુખભોક્તા કરી મૂર્તિમાં રસબસ કરતા. એટલું જ નહિ પણ ગામ-પરગામથી, દૂર દેશાંતરથી ઘણાક હરિભક્તો તે સુખ લેવા આવતા અને પોતાનાં ગામોમાં બાપાશ્રીને પધારવા વિનંતી કરતા અને પ્રાર્થના કરતા જે અમને તો આપે સુખ આપી ન્યાલ કર્યા, પરંતુ જે દર્શને ન આવી શકે તેવાં બાળક અને વૃદ્ધોને પણ સુખી કરવા અમારા ગામે પધારો તો તેઓ પણ સુખ પામે અને વળી દર્શન કરીને રસ્તામાં આવતાં વૃક્ષ, વેલી, ઝાડ, પહાડ, નદી, સરોવર, પશુ, પક્ષી સર્વે મોક્ષના અધિકારી થાય. આવી રીતે પ્રેમી હરિભક્તોની ગદ્‌ગદ કંઠે કરેલી પ્રાર્થનાને વશ થઈ પોતે ગુજરાત, નળકાંઠો, ભાલ, ચરોતર, કાઠિયાવાડ, ઝાલાવાડ, હાલાર, કડી પ્રાંત વગેરેનાં ઘણાં ગામોમાં પધારી કોઈ સ્થળે કલાક, બે કલાક, ચાર કલાક યા કોઈ સ્થળે દિવસ, બે દિવસ, ચાર દિવસ રહી કોઈને દર્શન, સ્પર્શ, સેવા, સમાગમનું સુખ આપી સર્વ હરિભક્તોને માયાનાં બંધન થકી છોડાવી મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિમાં સંલગ્ન કરાવી મૂર્તિમાં રસબસ કરતા, તેમજ ઘણાને મૂર્તિમાં રાખવાનાં વરદાન પણ આપતા તેમજ કેટલાક પ્રેતયોનિને પ્રાપ્ત થયેલા જીવોને પણ બદરિકાશ્રમ તથા અક્ષરધામમાં મોકલીને તેવા હરિભક્તોનું સંકટ નિવારણ કરતા. આવી રીતે ઘણાં ગામોના હરિભક્તોને આનંદ પમાડી પોતે કચ્છમાં પધાર્યા. ।। ૨૫૧ ।।