વાર્તા ૧૭૯

વૈશાખ વદ ૧૧ને રોજ સભામાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ કહ્યું જે, કૃપા કરો તો સુખદેવ ભક્તના જેવી માનસીપૂજા અમારે થાય. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, માનસીપૂજા ને ધ્યાન કરવા માંડો તો કૃપા થાય, સૂતે સૂતે કૃપા માગો તે ક્યાંથી થાય ? જીવ લગાર કામમાંથી નવરો થાય તો સૂઈ રહે કે ગપ્પાં દે, ૫ણ ભગવાન સંભારે નહિ, એવો રમતિયાળ છે; માટે એવા બાળકિયા સ્વભાવ રાખવા નહીં. બાળકમાંથી વૃદ્ધાવસ્થા લાવવી, પણ યુવાન અવસ્થા આવવા દેવી નહીં. મોટાનો જોગ કરીએ ને દેહાભિમાન રહી જાય તો જોગ કર્યો તે ન કર્યા જેવો છે. જીવ પાત્ર થાય તો પછી કૃપા થાય, માટે પાત્ર તો સર્વેને થાવું પડશે; પછી કૃપા થશે. મનનું ધાર્યું મૂકી દઈને જેમ મોટા કહે તેમ કરો તો પાત્ર થવાય. જો ધ્યાન કરો તો છ મહિના પૂરા થવા દઈએ નહિ ને મૂર્તિનું સુખ આપી દઈએ, માટે પાત્ર થાવું; અને જડ-ચૈતન્ય માયાનો તો સંકલ્પ પણ ન કરવો. જો એ બેનો સંકલ્પ થાય તો પાપ લાગે અને પ્રસંગ થાય તો ઘણું પાપ લાગે. આ મુખે મહારાજ બોલે છે, બીજા કોઈ બોલતા નથી, માટે સાચું માનજો ને એ બેયનો સંગ થવા દેશો નહિ, તો તમે અમારા છો. અને અમે તો છીએ કે નથી પણ જો તમે આજ્ઞા પાળશો તો તમારા ભેળા સદાય રહીને તમારી રક્ષા કરીશું ને અમારા ભેળા રાખીશું; અને નહિ વર્તો તો તમારે ને અમારે લેવાદેવા નથી. ભાડા ખરચીને, દરિયો ઉલ્લંઘીને, દુઃખ વેઠીને આવો છો તેનું ફળ એ છે જે આજ્ઞા પાળવી, ધ્યાન-ભજન કરવું, આ લોકમાંથી નિર્વાસનિક થાવું, ને અખંડ મહારાજની મૂર્તિને સંભારવી; એ કરવા ભેગા થયા છીએ તે કરવું. કોઈ કહે જે તમે વારંવાર કચ્છમાં શું કરવા જાઓ છો ? તો તેને કહેવું જે ભાઈ, અમે તો આ કરવા જઈએ છીએ અને તમારે પણ કરવું હોય તો તમે પણ આમ વર્તો એમ કહેવું. ।। ૧૭૯ ।।