વાર્તા ૫૨
વૈશાખ સુદ ૮ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ આપણાં નેત્ર ઉઘાડીએ ત્યારે નદી, ઝાડ, પહાડ, સમુદ્ર, સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, મનુષ્ય, પશુ, પક્ષી આદિક અનેક પદાર્થ દેખવામાં આવે અને નેત્ર મીંચીએ તો કાંઈ દેખાય નહિ, એક મૂર્તિ જ દેખાય છે; તેમ બહારદૃષ્ટિવાળાને અનંત ઐશ્વર્ય, ધામ, લોક, ભોગ એ સર્વ દેખવામાં આવે છે. અંતરદૃષ્ટિવાળો નેત્ર મીંચે કે માગે જ (તુરત જ) મૂર્તિ, ધામ ને મુક્તને દેખે અને તે વિના બીજું કાંઈ છે જ નહિ એવું થઈ જાય માટે મૂર્તિમાં જ રહેવું. મૂર્તિમાં રહીને કથા-વાર્તા કરવી અને વાતમાં મૂર્તિનું બીજ લાવવું પણ બીજે ડોળે ફરવા જાવું નહીં. જેમ રાજા પાસે જાવું હોય તે પ્રથમ ઘેર ઘેર ફરીને છેલ્લી વારે રાજાને સલામ ભરે તો તે રાજા રાજી થાય નહિ તેમ બધું સંભારતાં સંભારતાં છેલ્લી વારે મહારાજને સંભારે તો મહારાજ રાજી થાય નહિ; માટે એક ક્ષણ વાર પણ મૂર્તિ ભૂલવી નહીં. ઊંઘ-આળસ ટાળવાના ઉપાય ઘણા પ્રકારના છે ને તે ઘણા કઠણ છે અને મૂર્તિ ધારવી તે સુગમ ઉપાય છે. મહારાજ ઓરા એટલે પાસે જ છે. તેમને રાખે તો દોષમાત્ર ટળી જાય પણ તે કોઈ રાખે નહિ અને બીજા ઉપાય ઘણા કરે છે. ઊભા થઈ રહે, આંખમાં મરચાં આંજે પણ મૂર્તિ કોઈ ન ધારે. જગતના જીવ આ લોકના સુખે સુખિયા છે અને આપણે મહારાજની કથા-વાર્તા, ધ્યાન, ભજન, આજ્ઞા, ઉપાસના, નિયમ, ધર્મ તેણે કરીને સુખિયા છીએ. જો અવયવ ફરે તો તે કેમ ફરે તો મોટાનો પારખું (પારખનાર) થાય. જેને સમાગમે કરીને જગતના ઘાટ બંધ થાય; વિષયના રાગ ટળે; શ્રીજીમહારાજ વિના બીજું અસત્ય જણાય; ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વૃદ્ધિ પામે; ને મૂર્તિના સુખે સુખિયા થવાય ને ધ્યાનમાં વિક્ષેપ ન આવે; તેને મોટા જાણીને તે કહે તેમ કરે, ને આ લોકના સુખથી લૂખો થઈને મહારાજને વિષે જોડાઈ જાય તો અવયવ ફરે. જો અવયવ ન ફરે તો આ લોકમાંથી લૂખો થાય નહીં. જેમ રસના ઇન્દ્રિયને ખારા-મોળાની, સ્વાદુ-કુસ્વાદુની ખબર પડે છે તેમ મોટાનો જોગ કરતાં કરતાં મોટાને ઓળખી લે ને પછી તેમનો જોગ કરે તો અવયવ ફરી જાય; જો મોટાને ન ઓળખે ને ચાલોચાલ સત્સંગ કરે અને મહારાજના સંબંધ વિનાની બીજી પરોક્ષ વાર્તાઓ જે નારદ-સનકાદિક, સૌભરી તથા બીજા રાજાઓનાં આખ્યાનો સાંભળીને રાજી થાય તેના અવયવ ફર્યા નથી. એક મૂર્તિમાં જ જોડાઈ જાય અને મહારાજના જ્ઞાનની ને સુખની વાતોના જીવમાં સાર પડી જાય ને જીવ સરાઈ જાય તે મૂર્તિ વિના રહી શકે નહીં. સુખ મહારાજમાં છે અને માગવા બીજે જાય છે એટલે કાર્યમાં સુખ માને છે, ત્યાં સુખ ક્યાંથી હોય? જેમ રાજાને પડ્યા મૂકીને વસ્તી પાસે સુખ માગે તે ક્યાંથી મળે ? માટે કાર્યને પડ્યું મૂકીને કારણ જે મૂર્તિ તેમાં ચોંટી પડે તો સુખ મળે. જ્યારે મોટાને જોગે કરીને અવયવ ન ફરે અને મોટાને ખતરાવે ત્યારે જોગ શું કર્યો ? માટે મોટાનો જોગ કરીએ ને મોટાના જેવા ગુણ ન આવે ને મન, ઇન્દ્રિયો પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તે તો જોગ કર્યો ન કહેવાય. જો પારસમણિના જોગે પારસ ન થાય તો જેમ બાવના ચંદનના વૃક્ષમાં નાગ વીંટાઈ રહે છે પણ ફણા અધર રાખે છે તેથી ઝેર રહે છે તે બીજાના પ્રાણ લે છે તેમ થાય, માટે એવો જોગ ન કરવો. મોટાને વિષે મન-કર્મ-વચને જોડાવું, તેની વિક્તિ જે મોટાનું વચન લેશમાત્ર લોપવું નહિ અને મોટાની ઇચ્છા પ્રમાણે સુખ-દુઃખ આવે તેમાં રાજી રહેવું. અને મને કરીને એમ વર્તવું જે મહારાજની મૂર્તિમાં જ મનને રાખવું, પણ કોઈ આવ્યું કે ગયું તેની કાંઈ સૂરત રાખવી નહીં. એક મૂર્તિમાં જ મન જોડી રાખવું તે મને કરીને જોડાણો કહેવાય માટે મહારાજનું વચન યથાર્થ પાળીને મન-કર્મ-વચને જોડાવું અને સદાય ભેળું રહેવાય એવું માંગવું. ।। ૫૨ ।।