વાર્તા ૭૮
ફાગણ વદ ૧૩ને રોજ સવારે સભામાં અમદાવાદના શેઠ બળદેવભાઈએ પૂછ્યું જે, શ્રીજીમહારાજે તથા મોટા મુક્તોએ સ્વપ્નમાં દર્શન આપ્યાં હોય તે પ્રત્યક્ષ દર્શન જેવાં હશે કે કાંઈ ફેર હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજે કે મોટા મુક્તોએ સ્વપ્નમાં દર્શન દીધાં હોય તે પ્રત્યક્ષ દર્શન જેવાં જ છે. એમાં કાંઈ ફેર નથી, કેમ જે એમને જાગૃતાદિક અવસ્થા તથા દેહ એ કાંઈ છે જ નહીં. જાગૃતમાં દર્શન આપે છે તેમાં દર્શન કરનારને ઉદ્ઘોષ વધારે જણાય, કેમ જે એને પ્રત્યક્ષ થાય છે; અને સ્વપ્નમાં દર્શન આપે છે તે અંદર પડદે રહે છે તે જીવને જાણવા દેતા નથી ને કહેવા દેતા નથી; રોકી રાખે છે. જેને સાક્ષાત્કાર થયો હોય અને શ્રીજીને સુખે સુખિયો હોય, તે જાણે જે ફલાણાના અંતરને વિષે રહીને મહારાજ તેને આટલું સુખ આપે છે. આ કલમ જે અખંડ મૂર્તિમાં રહેતા હોય તેને હાથ આવે છે. મોટા વાતો કરે તે નિત્ય નવી નવી આવે, કેમ જે અપાર છે. તેમજ શ્રીજીની મૂર્તિનું સુખ મુક્તને નવું નવું આવે છે. જેમ બ્રહ્માંડમાં અનંત વસ્તુઓ છે તેમ મૂર્તિમાં અનંત સુખ છે. જેને સાક્ષાત્કાર થાય તેને તે જણાય છે. ખૂબ મંડીએ ને પુરુષોત્તમરૂપ થઈએ તો એ સુખ મળે. જે પુરુષોત્તમના સાધર્મ્યપણાને ન પામ્યા હોય તેનાથી એ સુખમાં પહોંચાય નહિ ને રહેવાય નહીં. જ્યારે પોતાપણું કાંઈ ન રહે ત્યારે તે પતિવ્રતાનું અંગ જાણવું. આવું અંગ થાય તે જ સુખિયા થાય છે અને જે પોતાપણું રાખે તે દુઃખિયા રહે છે. જેને મહાપ્રભુજીની મૂર્તિમાં તાન હોય તેનો પાકો પાયો કહેવાય અને જેને રાગ, રંગ, વિલાસમાં તાન હોય તેનો પાકો પાયો ન કહેવાય. પ્રસાદીની મૂર્તિ ને આજની છાપેલી મૂર્તિ સરખી સમજે તેનો પાકો પાયો છે અને જે સરખી ન સમજે તેનો પાકો પાયો નથી. જેને દૃઢ આત્મનિષ્ઠા થઈ હોય ને શ્રીજીમહારાજની મૂર્તિને આકારે દૃષ્ટિ થઈ હોય તેને પ્રસાદી ને વગર પ્રસાદી બેય સરખું છે ને તેનો જ પાકો પાયો છે. જેને દેહાભિમાન હોય તે ચેલા પાસે સેવા કરાવવા સારુ પગલાં-પ્રસાદી રાખે ને પ્રસાદીનો મહિમા વધારે; પણ પ્રસાદી તો કાર્ય છે ને મૂર્તિ તો કારણ છે માટે મૂર્તિ આકારે વૃત્તિ કરવી; એ જ અવશ્ય કરવાનું છે. જેને મૂર્તિ આકારે દૃષ્ટિ ન થઈ હોય ને નવા આદરવાળા હોય તેને એ પ્રસાદી પવિત્ર કરે છે ને મહારાજની સ્મૃતિ કરાવે છે. જેને મૂર્તિમાં જોડાવું હોય તેને તો કાર્યમાત્રને વિસારીને એક મૂર્તિમાં જ દૃષ્ટિ રાખવી. પ્રસાદીની વસ્તુમાં પણ હેત રહે ને અંત વખતે સાંભરી આવે તો મોક્ષમાં વાંધો આવે. એક ગુરુ હતા તેમને અંત વખતે ચરણારવિંદ સાંભરી આવ્યાં તો ઇયળ થવું પડ્યું; માટે એક મૂર્તિમાં જ વૃત્તિ રાખવી. મૂર્તિ વિના બીજું સર્વે બંધનકારી છે. ।। ૭૮ ।।